મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને લખનૌના ભૂતપૂર્વ સંસદસભ્ય લાલજી ટંડનનું નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. લખનૌની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્ર અને કેબિનેટપ્રધાન  આશુતોષ ટંડનએ લાલજી ટંડનના નિધનની માહિતી ટ્વીટ કરીને આપી હતી.

આશુતોષે ટંડને ટ્વિટર પર લખ્યું હતું કે બાબુજી નથી રહ્યા. છેલ્લા કેટલાક સમયથી લાલજી ટંડન ગંભીરરૂપે બીમાર હતા. તેમને મેદાંતા હોસ્પિટલમાં 14 જૂનથી દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મોટા ભાગે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

લાલજી ટંડનના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને ટ્વિટર એકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે લાલજી ટંડન કાયદાકીય બાબતોના સારા જાણકાર હતા. તેમણે અટલજીની સાથે લાંબા અને નજીકના સંબંધો હતા. દુઃખની આ ઘડીએ ટંડનના પરિવાર અને શુભચિંતકોની સાથે મારી સંવેદનાઓ છે.

લાલજી ટંડન મોટા શક્તિશાળી નેતા

લાલજી ટંડનની ગણતરી ભાજપના શક્તિશાળી નેતાઓમાં થતી હતી. મધ્ય પ્રદેશથી પહેલાં તેઓ બિહારના રાજ્યપાલની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેમણે લખનૌ બેઠકથી ચૂંટણી લડી હતી. 2009માં તેમણે રીટા બહુગુણા જોશીને લખનૌ બેઠકથી હરાવ્યાં હતાં.