
અમદાવાદ એક એવું હેરિટેજ સિટી છે જે પોતાની અંદર ઐતિહાસિક સ્થાપત્યો, પૌરાણિક ઇમારતો અને ભવ્ય હવેલીઓનો ઇતિહાસ સમેટીને બેઠું છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે આજે મનોરંજનના અનેક આધુનિક આકર્ષણો અને ઇમારતો ઊભા થયા છે, પરંતુ આ શહેરને અસલી ઓળખ અહીંના શ્રેષ્ઠીઓ, નગરશેઠો અને મિલ માલિકોએ આપેલી સાંસ્કૃતિક ધરોહરોએ જ આપી છે. અમદાવાદના વિકાસ અને દેરાસરોના સર્જનમાં હઠીસિંહ પરિવારનું બહુ મોટું પ્રદાન રહ્યું છે.
જેનો જીવંત પુરાવો એટલે રિલીફ રોડથી ઘીકાંટા તરફ જતાં જેસીંગભાઇની વાડીમાં આવેલી અંદાજે 150 વર્ષ જૂની ‘પી. હઠીસિંહની હવેલી’ અને દેરાસર છે. આજે કાપડ બજાર, મેટ્રો સ્ટેશન, કોર્ટ અને વેપારથી ધમધમતા ગીચ વિસ્તારની વચ્ચે આવેલું આ વિશાળ પ્રાંગણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હેરિટેજ વોકનું એક અણમોલ ઘરેણું છે.
સંસ્કૃતિ અને પરંપરાના સંપૂર્ણ ધ્યાન સાથે બનેલી આ હવેલીમાં સૂર્યનો પર્યાય એવો ‘સૂર્યદરબાર ખંડ’ છે, જ્યારે નીચે ‘કમળકુંડ ચોક’ સાથે દેવી-દેવતાઓની પ્રતિમાઓ અને ફોટા છે. આ ઉપરાંત અહીં નવગ્રહ, પદ્મલક્ષ્મી, નારાયણ સભા, માતૃછાયા, પિતૃભવ, પૃથ્વી પ્રભાવ અને વિદ્યાસાગર નામના ખંડો છે, જેની દીવાલો પર પીછવાઇ પેઇન્ટિંગ્સ છે. કાચના ઝુમ્મરોથી સુશોભિત આ હવેલીમાં વૈકુંઠ વિચાર, ઉત્સવ, શરદપૂનમ, ચંદ્રપ્રકાશ, શેષનાગ, સ્વર્ણમુકટ, નાગનારાયણ, અંબુજ આભૂષણ, વસંત ચોક અને ‘શરદપૂનમ ઓરડો’ પણ આવેલો છે. તહેવારોમાં આખી હવેલી રોશનીથી ઝગમગી ઉઠે છે. અફસોસની વાત એ છે કે અહીંથી પસાર થતાં અનેક સ્થાનિક લોકો પણ આ ઇમારતની ભવ્યતાથી અજાણ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




