Home Blog Page 4682

ભારત JEE, NEET રાષ્ટ્રીય પરીક્ષાઓ મોકૂફ રાખેઃ ગ્રેટા થનબર્ગ

સ્ટોકહોમઃ પર્યાવરણ રક્ષણનાં જાગતિક હિમાયતી અને સ્વીડિશ કિશોરી ગ્રેટા થનબર્ગે ભારતમાં IIT અને મેડિકલ પ્રવેશ માટેની JEE અને NEET પરીક્ષાઓ હાલના કોરોના સંકટમાં યોજવાનું મોકૂફ રાખવાની ભારતમાં થઈ રહેલી માગણીને સમર્થન આપ્યું છે.

થનબર્ગે કહ્યું છે કે ભારતમાં ‘જેઈઈ’ અને ‘નીટ’ પરીક્ષાઓ લેવામાં આવે એ બહુ અનુચિત છે, કારણ કે કોરોના વાઈરસ મહામારીના સંકટ સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની ફરજ પાડવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ડીએમકે પાર્ટીના પ્રમુખ એમ.કે. સ્ટાલીન સહિત અનેક રાજકીય નેતાઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે જ્યાં સુધી કોરોના વાઈરસનો ફેલાવો નિયંત્રણમાં આવી ન જાય ત્યાં સુધી આ બંને પરીક્ષા સ્થગિત કરી દેવી જોઈએ.

ગ્રેટા થનબર્ગે ભારતમાં થઈ રહેલી માગણીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે આ બહુ ખોટું થઈ રહ્યું છે. હું કોવિડ-19ના સમયમાં જેઈઈ, નીટ રાષ્ટ્રીય પરીક્ષોને મોકૂફ રાખવાની માગણીને સમર્થન કરું છું.

સુશાંત સિંહ રાજપૂતને ઝેર અપાયું હતું: સુબ્રમણ્યમ સ્વામીનો દાવો

મુંબઈઃ ભાજપના રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ મૂક્યો હતો કે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેના મોત પહેલાં ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે જાણીજોઈને તેના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં વિલંબ કરવામાં આવ્યો હતો, કેમ કે ત્યાં સુધીમાં તે ઝેર પેટના પાચક દ્રવ્યો સાથે ભળીને ઓગળી જાય અને હત્યારાઓની ઓળખ મળી ન શકે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે હત્યારાઓની વિકૃત માનસિકતા અને એની પહોંચ ધીમે-ધીમે સામે આવી રહી છે. ઓટોપ્સીમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવ્યો હતો.

ગઈ કાલે નેટિઝન્સે (યુઝર્સે) માગ કરી હતી કે આ મામલે તપાસ કરી રહેલી CBIએ સુશાંત સિંહની ઓટોપ્સી કરવાવાળા કૂપર હોસ્પિટલના ડોક્ટરોથી પૂછપરછ કરવી જોઈએ.

સ્વામીએ ટ્વીટમાં કહ્યું હતું કે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે અટકાયતમાં લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો રિયા દ્વારા આપવામાં આવેલા પુરાવા અને મહેશ ભટ્ટની સાથે તેમની વાતચીતમાં વિરોધાભાસ હોય તો CBIની પાસે એને ધરપકડ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.

હાલમાં જ રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે વોટ્સએપ દ્વારા વાતચીતના સ્ક્રીન શોટ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા છે, જેમાં નેટઝન્સે આરોપ લગાવ્યો હતો કે રિયાને ‘શુગર ડેડી’ મહેશ ભટ્ટએ એને સુશાંત સાથે બ્રેકઅપ કરવા માટે ઉશ્કેરી હતી.

1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેનો કદાચ ફરી શરૂ કરાશે

મુંબઈઃ એવી ચર્ચા છે કે ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવ પર્વની સમાપ્તિ બાદ, 1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી આ સેવા બંધ કરી દેવામાં આવી છે.

હવે મહારાષ્ટ્ર સરકાર લોકડાઉનને લગતા બાકીના નિયંત્રણો દૂર કરીને અને જનજીવનને પ્રસ્થાપિત કરવા માટે મહાનગરની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવાને ફરી શરૂ કરે એવી ધારણા છે.

અનલોક અંતર્ગત ઘણી સેવાઓ અને ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ કરાઈ છે અને તેમાં વધુ ને વધુ છૂટછાટો અપાઈ છે, પરંતુ લોકલ ટ્રેન સેવા શરૂ કરાઈ ન હોવાથી શહેરનું જનજીવન હજી મહદ્દઅંશે ઠપ છે.

હાલ મધ્ય અને પશ્ચિમ તથા હાર્બર લાઈનો પર માત્ર મર્યાદિત સંખ્યામાં લોકલ ટ્રેનો દોડાવવામાં આવે છે. એમાં માત્ર આવશ્યક સેવાઓ પૂરી પાડતા સરકારી વિભાગોનાં કર્મચારીઓને જ સફર કરવાની છૂટ છે.

હવે આવતીકાલે રાજ્યના પ્રધાનમંડળની બેઠક યોજાવાની છે અને એમાં લોકડાઉન નિયંત્રણોમાં છૂટછાટ તથા લોકલ ટ્રેનોને ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવાય એવી ધારણા છે.

દરમિયાન, પત્રકારોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની પરવાનગી આપતો નિર્ણય રાજ્ય સરકાર લે એવી પણ શક્યતા છે. રાજ્ય વિધાનસભા, મંત્રાલય દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં આવેલા હોવાથી પત્રકારોને રોજ ત્યાં જઈને સમાચારો મેળવવાના રહે છે, પરંતુ લોકલ ટ્રેનોમાં પ્રવાસની મનાઈ હોવાથી તેઓ ત્યાં જઈ શકતા નથી તેથી ઘણા સમાચારો લોકો સુધી પહોંચી શકતા નથી. તેથી હવે પત્રકારોને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવે એવી પત્રકાર સંગઠનો તરફથી સરકારને સતત માગણી કરવામાં આવી રહી છે.

200, 500ની કરન્સી નોટોનું ચલણ હવે વધ્યું છે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2019-20માં 2000 રૂપિયાના મૂલ્યની નવી નોટો છાપી નથી. આ સમયગાળામાં 2000 રૂપિયાની નોટો ચલણમાં ઓછી છે, રિઝર્વ બેન્કના 2019-20ના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. જોકે આ અહેવાલમાં ખુલાસો થયો છે કે 200 અને 500 રૂપિયાની નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.  

2000 રૂપિયાનું ચલણ ઘટ્યું

માર્ચ, 2018ના અંત સુધી 2000 રૂપિયાની 33,632 લાખની નોટો ચલણમાં હતી, જે માર્ચ 2019-20માં એ ઘટીને 32,910 લાખ થઈ હતી. માર્ચ, 2020ના અંત સુધીમાં એ વધુ ઘટીને 27,398 લાખ નોટો થઈ હતી. અહેવાલ અનુસાર કુલ કરન્સીમાં 2000ની નોટોનો હિસ્સો માર્ચ, 2020ના અંત સુધી ઘટીને 2.4 ટકા થયો છે, જે માર્ચ, 2019ના અંત સુધીમાં એ ત્રણ ટકા અને માર્ચ, 2018ના અંત સુધીમાં 3.3 ટકા હતો, એમ અહેવાલ કહે છે.

500 અને 200 રૂપિયાની નોટોમાં વધારો

વર્ષ 2018થી ત્રણ વર્ષ દરમ્યાન 200 અને 500 રૂપિયાની નોટોનો ચલણમાં વધારો થયો છે. વર્ષ 2018માં 37,053 કરોડ રૂપિયા મૂલ્યની 18,526 લાખ 200 રૂપિયાની નોટ ચલણમાં હતી. વર્ષ 2019માં  80010 કરોડ રૂપિયાના મૂલ્યની 40005 લાખ  200 રૂપિયાની નોટ ચલણમાં હતી. જ્યારે માર્ચ, 2020 સુધીમાં 1,07,293 કરોડના મૂલ્યની 53,646 લાખ 200ની નોટો ચલણમાં હતી.  

વર્ષ 2018માં 7,73,429 કરોડના મૂલ્યની 1,54,690 લાખ 500 રૂપિયાની નોટો ચલણમાં હતી, વર્ષ 2019માં 10,75,881 કરોડ રૂપિયાના મૂલ્યની 2,15,176 લાખ 500 રૂપિયાની નોટો ચલણમાં હતી. એટલે કે પાછલાં બે વર્ષોમાં આશરે સાત લાખ કરોડના મૂલ્યની વધુ 500 રૂપિયાની નોટ અને આશરે ત્રણ ગણી વધુ 200 રૂપિયાની નોટો ચલણમાં હતી.

2000 રૂપિયાની નોટો આ વર્ષે નથી છપાઈ

વર્ષ 2019-20માં 2000 રૂપિયાની કરન્સી નોટ છાપવાનો કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો. ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SPMCIL)ની તરફથી 2000 રૂપિયાની નોટ કોઈ નવો પુરવઠો નથી પૂરો પાડવામાં આવ્યો. 2019-20માં બેન્ક નોટો માટે ઓર્ડર એક વર્ષ પહેલાંની તુલનાએ 13.1 ટકા ઘટ્યો છે.  

પાછલાં બે વર્ષમાં સરક્યુલેશન ઓછું થયું
પાછલા બે વર્ષોમાં 5512 લાખ 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટ્યું છે. જો મૂલ્યમાં જોઈએ તો વર્ષ 2018માં કુલ નોટોના 37.3 ટકા એટલે કે 6,72,642 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 નોટો ચલણમાં હતી. વર્ષ 2019માં 6,58,199 કરોડના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી, જે માર્ચ 2020માં ઘટીને 5,47,952 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિટાની નોટો ચલણમાં હતી. આમ બે વર્ષમાં 1,10,247 કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.

બેન્ક નોટોના પુરવઠોમાં 23.3 ટકાનો ઘટાડો

વર્ષ 2019-20માં બેન્ક નોટો પુરવઠોનો પુરવઠો પણ પાછલા વર્ષની તુલનાએ 23.3 ટકા ઓછો હતો, એનું મુખ્ય કારણ કોવિડ-19 રોગચાળાને પગલે લાગુ થયેલું લોકડાઉન છે.

500 રૂપિયાની 1463 કરોડ નોટો છપાઈ

વર્ષ 2019-20માં 500 રૂપિયાની 1463 કરોડ નોટોની છપાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમાં 1200 કરોડ નોટોનો પુરવઠો પૂરો પડાયો હતો, જે વર્ષ 2018-19માં 1169 કરોડ નોટોની છપાઈના ઓર્ડર પર 1147 કરોડ નોટોનો પુરવઠો પૂરો પાડવામાં આવી હતી.

100 રૂપિયાની 330 કરોડ નોટો છપાઈ

વર્ષ 2019-20માં 100 રૂપિયાની 330 કરોડ નોટો છપાઈનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ જ પ્રકારે 50 રૂપિયાની 240 કરોડ નોટો, 200 રૂપિયાની 205 કરોડ નોટ, 10 રૂપિયાની 147 કરોડ નોટો અનમે 20 રૂપિયાની 125 કરોડ નોટો છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમાંનો મોટા ભાગનો પુરવઠો નાણાં વર્ષ દરમ્યાન કરવામાં આવ્યો હતો.

ત્રણ લાખ નકલી નોટો પકડાઈ

વર્ષ 2019-20માં બેન્કિંગ ક્ષેત્રમાં પકડી ગયેલી નકલી નોટોમાંથી 4.6 ટકા રિઝર્વ બેન્કના સ્તરે પકડવામાં આવી હતી. જ્યારે 95.4 ટકા નકલી નોટો અન્ય બેન્કોના સ્તરે પકડવામાં આવી હતી. કુલ મળીને 2,96,695 નકલી નોટો પકડવામાં આવી હતી.

200 રૂપિયાની નકલી નોટોમાં સૌથી મોટો વધારો

પાછલા વર્ષની તુલના કરવામાં આવે તો 10ની નકલી નોટોમાં 144.6 ટકા, 50 રૂપિયાની નકલી નોટોમાં 28.7 ટકા, 200ની નકલી નોટોમાં 151.2 ટકા તથા 500 રૂપિયાની નકલી નોટોમાં 37.5 ટકાનો વધારો થયો હતો.

નોટબંધી પછી નવી નોટો ચલણમાં આવી

રિઝર્વ બેન્કની 2000, 500, 200, 100, 50, 20 અને 10 રૂપિયાની નવી ડિઝાઈનવાળી નોટ જારી કરી હતી.

સપ્ટેંબરમાં પણ શાળા-કોલેજો ફરી શરૂ થવાની શક્યતા નહીંવત્

મુંબઈઃ કોરોના વાઈરસ ચેપી રોગચાળો વધુ ફેલાવાની દહેશત હોવાને કારણે કેન્દ્ર સરકાર દેશભરમાં શાળા-કોલેજો સપ્ટેંબરમાં પણ ફરી ખોલવા ઈચ્છતી ન હોવાનું કહેવાય છે. જોકે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ખોલવા દેવી જોઈએ એ મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર અનલોક-4ની માર્ગદર્શિકા ટૂંક સમયમાં જ બહાર પાડવાની છે, પરંતુ શિક્ષણ મંત્રાલયે શાળા-કોલેજો ફરી ખોલવા માટે હજી સુધી કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી, કારણ કે મહારાષ્ટ્ર સહિત મોટા ભાગના રાજ્યો એ માટે તૈયાર નથી.

તે છતાં યુનિવર્સિટીઓ, IITs અને IIMs જેવી ઉચ્ચ સ્તરીય શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણની પ્રવૃત્તિઓ આરોગ્યને લગતા નિયમો અંતર્ગત ફરી શરૂ કરવી જોઈએ એવી માગણી કરવામાં આવી છે અને એ મુદ્દે ખૂબ ચર્ચા ચાલી રહી છે.

ઘણાં મોટેરાંઓ જેમ વર્ક-ફ્રોમ-હોમ કરે છે તેમ, વિદ્યાર્થીઓ ઘેરથી જ ભણે એવી પદ્ધતિ લાગુ કરી શકાય એમ નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન્સ કે લેપટોપ્સની સુવિધા નથી. તેથી તેઓ ઘેર રહીને ઓનલાઈન ભણી શકે એમ નથી.

ગ્રામિણ વિસ્તારોમાં તો આ સમસ્યા વધારે મોટી છે. ત્યાં તો ટેક્નોલોજીનો જ અભાવ છે. ફાસ્ટ ઈન્ટરનેટ સેવા સાથેના સ્માર્ટફોન એવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી, તેથી વિદ્યાર્થીઓ ભણી શકે એમ નથી.

સંજય દત્ત પહોંચ્યો અંબાણી હોસ્પિટલ…

બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર થયું હોવાનું નિદાન થયું છે. આ માટે વધુ તબીબી ટેસ્ટ કરાવવા માટે એ 25 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં બાન્દ્રાસ્થિત એના નિવાસસ્થાનેથી અંધેરી (વેસ્ટ)સ્થિત કોકિલાબેન અંબાણી હોસ્પિટલે જવા રવાના થયો હતો. એની સાથે એની પત્ની માન્યતા અને બહેન પ્રિયા દત્ત-રોન્કો પણ હતી. સંજય એની પ્રાથમિક સારવાર મુંબઈમાં કરાવશે અને પછી આગળની સારવાર માટે અમેરિકા જશે. એને પાંચ વર્ષના અમેરિકન વિઝા મળી ગયા હોવાનું કહેવાય છે.

IPL2020: ગેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પંજાબ ટીમને રાહત

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનના આરંભ પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલનો કોરોના વાઈરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. UAE માટે IPL 2020માં ભાગ લેવા માટે ફ્લાઇટ પકડતાં પહેલાં ગેલે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગેલે આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી આક્રમક બેટ્સમેન ક્રિસ ગેલે ઓલિમ્પિક્સ ગોલ્ડમેડલ વિજેતા દોડવીર ઉસૈન બોલ્ટની બર્થડે પાર્ટીમાં ભાગ લીધો હતો. બોલ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બોલ્ટ અને ગેલ ખાસ મિત્રો છે. તેથી ગેલને લઈને શંકા હતી, પણ તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

જો ગેલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોત તો તેણે IPL 2020માંથી તે બહાર થવું પડ્યું હોત, કેમ કે BCCI દ્વારા સખત SOP જારી કરવામાં આવી છે, જેનું સખતાઈથી પાલન કરવામાં આવનાર છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના રોગચાળાને કારણે IPL 2020 મેચો દુબઈ, અબુધાબી, શારજાહના સ્ટેડિયમોમાં પ્રેક્ષકો વગર રમાવાની છે, કેમ કે ક્રિકેટરોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું થાય.

બોલ્ટ કોરોનાગ્રસ્ત

એથ્લીટ બોલ્ટના કોરોના પોઝિટિવ થવાથી કેટલાય લોકોને આશ્ચર્ય થયું છે, કેમ કે બોલ્ટ વિશ્વનો સૌથી મોટો દોડવીર (એથ્લીટ) છે, તેમ છતાં તે કોરોના વાઇરસથી આગળ ન નીકળી શક્યો.

ગેલ કિગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ થવા તૈયાર

ગેલ નજીકના ભવિષ્યમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ છે. જોકે હાલમાં તે કેરેબિયન પ્રીમિયર લીગના 2020ની મેચોમાં નહોતો રમ્યો. ગેલે ઢાકા T20 લીગ પછી એક પણ ક્રિકેટ મેચ નથી રમી.

કિંગ્સ ઇલેવન પંજાબે IPL લીગમાં પોતાના ખરાબ રેકોર્ડમાંથી આ વખતે બહાર આવવા દ્રઢ સંકલ્પ કર્યો છે, જે 2014ની IPL  ટુર્નામેન્ટમાં ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના હાથે હારી ગઈ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ IPL ટુર્નામેન્ટમાં હજી સુધી કપ જીતી શકી નથી.

કબજો મળવામાં વિલંબ થાય તો ફ્લેટ ખરીદનાર વળતર માટે હકદાર બનેઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટને ઠેરવ્યું છે કે ફ્લેટ ખરીદનાર વ્યક્તિને જો એના ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય કે ફ્લેટમાં નક્કી કરાયેલી સુવિધાઓ આપવામાં ડેવલપર નિષ્ફળ જાય તો ફ્લેટ ખરીદનાર એની પાસેથી વળતર મેળવવાને હકદાર બને છે.

સર્વોચ્ચ અદાલતે એ બાબતની નોંધ પણ લીધી છે કે ફ્લેટનો એગ્રીમેન્ટ ડેવલપરના હિતનું રક્ષણ થાય એ રીતે જ તૈયાર કરવામાં આવે એ યોગ્ય નથી. આ બાબત એકતરફી ગણાય, જે ચલાવી શકાય નહીં.

ન્યાયમૂર્તિઓ વાય.વી. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફની બનેલી બેન્ચે કહ્યું કે થયેલા કોન્ટ્રાક્ટ અનુસાર નિર્ધારિત સમયગાળાની અંદર જો ડેવલપર ફ્લેટનો કબજો આપવામાં એની કોન્ટ્રાક્ટલક્ષી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો એને ઊણપ તરીકે ગણાવી શકાય. ગ્રાહકે નક્કી થયેલા દરે ફ્લેટ ખરીદ્યો હોય તે છતાં એનો ફ્લેટ મળવામાં એને વિલંબ થાય તે છતાં ડેવલપરની દલીલની તરફેણ કરાય તો  એ ન્યાયની કસુવાવડ થઈ એવું કહેવાય.

ન્યાયાધીશોએ એ બાબતની પણ નોંધ લીધી છે કે ડેવલપરની ભૂલને કારણે ફ્લેટ ખરીદનારને ઘણી તકલીફ અને વ્યથા ભોગવવા પડતા હોય છે. ફ્લેટ ખરીદનારાઓ ફ્લેટના આધારે એમની જિંદગીનું ભવિષ્ય ઘડતા હોય છે, જે કાયદેસર ગણાય. ખરીદેલા ફ્લેટનો સમયસર કબજો મળે અને પોતે એનો ઉપયોગ કરી શકે એનો ગ્રાહકને અધિકાર છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવા કેસમાં આવ્યો છે જેમાં નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રીડ્રેસલ કમિશને ફ્લેટ ખરીદનાર 339 વ્યક્તિઓએ નોંધાવેલી ગ્રાહક ફરિયાદ સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો અને ઊલટાનું, ડીએલએફ સધર્ન હોમ્સ પ્રા.લિ. તથા એનાબેલ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ. કંપનીઓના બચાવનો સ્વીકાર કર્યો હતો. બિલ્ડરોએ એવી દલીલ કરી હતી કે રહેણાંક ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય તે છતાં બિલ્ડરો એમની કોન્ટ્રાક્ટ પ્રમાણેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે એવું કહી ન શકાય અને આનાથી ગ્રાહકને વળતરનો અધિકાર પણ મળતો નથી.

કેસમાં આ પ્રકારના વલણ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સહમત થયા નહોતા અને તેમણે ગ્રાહકોનો પક્ષ લીધો હતો.

ફ્લેટમાલિકોના વકીલે દલીલ કરી હતી કે એમને ફ્લેટનો કબજો આપવામાં બેથી ચાર વર્ષનો વિલંબ કરાયો હતો, જે ગેરવાજબી કહેવાય.

ગણેશોત્સવમાં કોરોનાને દૂર કરવા વિઘ્નહર્તાને કાલાવાલા

અમદાવાદઃ ગણેશોત્સવની જ્યારથી સાર્વજનિક રીતે ઉજવણી વધી ગઈ છે, ત્યારથી જુદી-જુદી થિમ સાથેના વિઘ્નહર્તાની વિશાળ મૂર્તિઓ સાથેના પંડાલ જોવા મળે છે,  પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે શ્રદ્ધાળુઓએ ઘરમાં જ ગણપતિની સ્થાપના કરી છે. જોકે ઘરમાં આવેલા ગજાનનને શણગારવાનું અને નવા મેસેજ સાથેની થિમ ઊભી કરવાનું ભક્તો નથી ચૂકતા.

અમદાવાદ શહેરના જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા નિર્માણમાં રહેતાં અનુષ્કા ઐયરે ઘરમાં ગણેશોત્સવ ઉજવતા સોશિયલ મિડિયાની જુદી-જુદી ઇમોજિસ, કોરોના કાળમાં સાવધાની દર્શાવતાં ચિત્રો, એપ્લિકેશન્સ,  સેનિટાઇઝર  મૂક્યાં છે.

અમરાઇવાડીના આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જોગીએ કોરોના દૂર થાય એની પ્રાર્થના સાથે કોરોના વાયરસ, સાવધાની સાવચેતી દર્શાવતાં બોર્ડ મૂક્યાં છે.

ગણેશોત્સવ 2020 માં ઠેર-ઠેર લોકોએ ઘેર પધારેલા ગણેશજીને કોરોના રોગચાળા અને અન્ય આફતમાંથી મુક્તિ મળે એવી થિમ તૈયાર કરી ગજાનનને પ્રાર્થનાઓ કરી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

અનલોક-4: મેટ્રો રેલવે, સિંગલ સ્ક્રીન થિયેટરો કદાચ ફરી ખુલે

નવી દિલ્હીઃ આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારની તકો વધે એ માટે કેન્દ્ર સરકાર અનલોક-4 અંતર્ગત અનેક ક્ષેત્રોમાં છૂટછાટો આપવા વિચારી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર કેટલીક વધારે છૂટછાટો આપે એવી ધારણા છે, પરંતુ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ છૂટછાટોનો અમલ જે તે રાજ્ય સરકારોએ હાથ ધરેલા મૂલ્યાંકનના આધારે કરાશે.

લોકલ ટ્રેન સેવા અને મેટ્રો ટ્રેન સેવાને ફરી શરૂ કરવા માટે સરકારને અનેક સૂચનો મળ્યા છે. એવી જ રીતે, થિયેટરો, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ્સ અને એવા જ બીજાં સ્થળોને પણ ફરી ખોલવા દેવાની પણ વિનંતીઓ મળી છે. પરંતુ, આ પ્રવૃત્તિઓ કરવા દેવી કે નહીં એનો આખરી નિર્ણય લેવાનો હજી બાકી છે.

સરકાર સપ્ટેંબરના પહેલા અઠવાડિયાથી લોકલ ટ્રેન સેવા્ ફરી શરૂ કરવા વિચારે છે. એવી જ રીતે, સિંગલ-સ્ક્રીનવાળા થિયેટરોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કડક પાલન સાથે ફરી ખોલવા દેવામાં આવે એવી ધારણા છે. સરકાર ઓડિટોરિયમ્સને પણ છૂટછાટો આપવા વિચારે છે. પરંતુ, એ બધાએ થર્મલ સ્ક્રીનિંગ, ટેમ્પરેચર ચેક તથા હોલની ક્ષમતા હોય એના કરતાં ઓછી સંખ્યામાં લોકોને ભેગા કરવા જેવા સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે.

સરકાર શાળાઓ અને કોલેજોને હજી ફરી શરૂ કરવા માગતી નથી. એવી જ રીતે, મનોરંજન પાર્ક્સ તથા મલ્ટી-સ્ક્રીન મૂવી હોલ્સને પણ હમણાં શરૂ કરવાની સરકારની ઈચ્છા નથી.