અનલોક-4: મેટ્રો રેલવે, સિંગલ સ્ક્રીન થિયેટરો કદાચ ફરી ખુલે

નવી દિલ્હીઃ આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારની તકો વધે એ માટે કેન્દ્ર સરકાર અનલોક-4 અંતર્ગત અનેક ક્ષેત્રોમાં છૂટછાટો આપવા વિચારી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર કેટલીક વધારે છૂટછાટો આપે એવી ધારણા છે, પરંતુ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ છૂટછાટોનો અમલ જે તે રાજ્ય સરકારોએ હાથ ધરેલા મૂલ્યાંકનના આધારે કરાશે.

લોકલ ટ્રેન સેવા અને મેટ્રો ટ્રેન સેવાને ફરી શરૂ કરવા માટે સરકારને અનેક સૂચનો મળ્યા છે. એવી જ રીતે, થિયેટરો, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ્સ અને એવા જ બીજાં સ્થળોને પણ ફરી ખોલવા દેવાની પણ વિનંતીઓ મળી છે. પરંતુ, આ પ્રવૃત્તિઓ કરવા દેવી કે નહીં એનો આખરી નિર્ણય લેવાનો હજી બાકી છે.

સરકાર સપ્ટેંબરના પહેલા અઠવાડિયાથી લોકલ ટ્રેન સેવા્ ફરી શરૂ કરવા વિચારે છે. એવી જ રીતે, સિંગલ-સ્ક્રીનવાળા થિયેટરોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કડક પાલન સાથે ફરી ખોલવા દેવામાં આવે એવી ધારણા છે. સરકાર ઓડિટોરિયમ્સને પણ છૂટછાટો આપવા વિચારે છે. પરંતુ, એ બધાએ થર્મલ સ્ક્રીનિંગ, ટેમ્પરેચર ચેક તથા હોલની ક્ષમતા હોય એના કરતાં ઓછી સંખ્યામાં લોકોને ભેગા કરવા જેવા સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનું રહેશે.

સરકાર શાળાઓ અને કોલેજોને હજી ફરી શરૂ કરવા માગતી નથી. એવી જ રીતે, મનોરંજન પાર્ક્સ તથા મલ્ટી-સ્ક્રીન મૂવી હોલ્સને પણ હમણાં શરૂ કરવાની સરકારની ઈચ્છા નથી.