1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેનો કદાચ ફરી શરૂ કરાશે

મુંબઈઃ એવી ચર્ચા છે કે ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવ પર્વની સમાપ્તિ બાદ, 1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી આ સેવા બંધ કરી દેવામાં આવી છે.

હવે મહારાષ્ટ્ર સરકાર લોકડાઉનને લગતા બાકીના નિયંત્રણો દૂર કરીને અને જનજીવનને પ્રસ્થાપિત કરવા માટે મહાનગરની જીવાદોરી સમાન લોકલ ટ્રેન સેવાને ફરી શરૂ કરે એવી ધારણા છે.

અનલોક અંતર્ગત ઘણી સેવાઓ અને ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ કરાઈ છે અને તેમાં વધુ ને વધુ છૂટછાટો અપાઈ છે, પરંતુ લોકલ ટ્રેન સેવા શરૂ કરાઈ ન હોવાથી શહેરનું જનજીવન હજી મહદ્દઅંશે ઠપ છે.

હાલ મધ્ય અને પશ્ચિમ તથા હાર્બર લાઈનો પર માત્ર મર્યાદિત સંખ્યામાં લોકલ ટ્રેનો દોડાવવામાં આવે છે. એમાં માત્ર આવશ્યક સેવાઓ પૂરી પાડતા સરકારી વિભાગોનાં કર્મચારીઓને જ સફર કરવાની છૂટ છે.

હવે આવતીકાલે રાજ્યના પ્રધાનમંડળની બેઠક યોજાવાની છે અને એમાં લોકડાઉન નિયંત્રણોમાં છૂટછાટ તથા લોકલ ટ્રેનોને ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચા કરી નિર્ણય લેવાય એવી ધારણા છે.

દરમિયાન, પત્રકારોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવાની પરવાનગી આપતો નિર્ણય રાજ્ય સરકાર લે એવી પણ શક્યતા છે. રાજ્ય વિધાનસભા, મંત્રાલય દક્ષિણ મુંબઈના ચર્ચગેટમાં આવેલા હોવાથી પત્રકારોને રોજ ત્યાં જઈને સમાચારો મેળવવાના રહે છે, પરંતુ લોકલ ટ્રેનોમાં પ્રવાસની મનાઈ હોવાથી તેઓ ત્યાં જઈ શકતા નથી તેથી ઘણા સમાચારો લોકો સુધી પહોંચી શકતા નથી. તેથી હવે પત્રકારોને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવે એવી પત્રકાર સંગઠનો તરફથી સરકારને સતત માગણી કરવામાં આવી રહી છે.