Home Blog Page 4681

BSEનું ઇન્ડિયા INX ગોલ્ડ ક્વોન્ટો, સિલ્વર ક્વોન્ટો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ લોંચ કરશે

મુંબઈ: બીએસઈનાં ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX)ને ગોલ્ડ ક્વોન્ટો અને સિલ્વર ક્વોન્ટો ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ લોંચ કરવા નિયમનકાર સંસ્થાની મંજૂરી મળી ગઈ છે. ઇન્ડિયા INX પર આ ક્વોન્ટો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડિંગ 31 ઓગસ્ટ, 2020ને સોમવારથી શરૂ થશે.

ગોલ્ડ ક્વોન્ટો ફ્યુચર્સમાં ઇન્ડિયનગોલ્ડ સ્પોટ પ્યોરિટી 995 અને સિલ્વર ક્વોન્ટો ફ્યુચર્સમાં ઇન્ડિયન સિલ્વર સ્પોટ પ્યોરિટી 999નું ટ્રેડિંગ થશે. આ બંને કોન્ટ્રાક્ટના સિમ્બોલ અનુક્રમે GOLDQ અને SILVERQ છે. આ બંને કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાક્ટ વેલ્યુ (ક્વોટેડ પ્રાઇસ *1) અમેરિકન ડોલર છે, કોન્ટ્રાક્ટ સાઇઝ 1 છે, કિંમતમાં લઘુતમ વધઘટ (ટિક સાઇઝ) 1 છે તથા ટિક વેલ્યુ 1 અમેરિકન ડોલર છે. ગોલ્ડ ક્વોન્ટો ફ્યુચર્સ માટે ક્વોટેશન 10 ગ્રામદીઠ ભારતીય ગોલ્ડની ક્વોટ કરેલી કિંમત (ઉદાહરણ તરીકે બિડ 50000 – 50000 આસ્ક) છે અને સિલ્વર ક્વોન્ટો ફ્યુચર્સ માટે ક્વોટ કરેલી કિલોગ્રામદીઠ ભારતીય સિલ્વરની કિંમત (ઉદાહરણ તરીકે બિડ 60000 – 60001 આસ્ક) છે. બંને ક્વોન્ટો ફ્યુચર્સ માટે ઉપલબ્ધ કોન્ટ્રાક્ટ બાર (12) સીરિયલ મંથલી કોન્ટ્રાક્ટ છે. બંને ક્વોન્ટો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકન ડોલર (US $)માં રોકડમાં સેટલ થશે. ફાઇનલ સેટલમેન્ટ કિંમતની દ્રષ્ટિએ IBJA PM ફિક્સ પર બંને કોન્ટ્રાક્ટ્સ એક્સપાઇરી ડેના રોજ નજીકના રાઉન્ડ ઓફ મૂલ્ય પર સેટલ થશે. ટ્રેડિંગ કલાકો સોમવારથી શુક્રવારના રોજ સવારે 4.30થી સાંજના 5 વાગ્યા સુધી (સેશન 1) તથા સાંજના 5 વાગ્યાથી સવારના 2.30 વાગ્યા સુધી (સેશન 2) રહેશે.

આ ક્વોન્ટો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સના લોંચ પર ઇન્ડિયા INXના એમડી અને સીઇઓ વી. બાલાસુબ્રમનિયમે કહ્યું હતું કે, અમને ગોલ્ડ ક્વોન્ટો અને સિલ્વર ક્વોન્ટો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ લોંચની જાહેરાત કરવાની ખુશી છે. અમારું માનવું છે કે, આ પ્રોડક્ટ્સ વિદેશી કોમોડિટીમાં રોકાણ કરવા માટે બજારના સહભાગીઓને આકર્ષશે અને એમાં વિદેશી બજાર સાથે જોડાયેલું વિનિમય દરનું જોખમ પણ જોડાયેલું નહીં હોય.

વરસાદમાં મોઢેરાના સૂર્યમંદિરનો નયનરમ્ય નજારોઃ મોદીએ શેર કર્યો વિડિયો

પાટણ/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોઢેરાના સૂર્યમંદિરનો એક નયનમ્ય વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. એમાં સૂર્ય મંદિર પર વરસાદ વરસી રહ્યો છે, જે અદભુત છે. શું તમે ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર વિશે જાણો છો?  આ કોણે અને ક્યારે બનાવ્યું. હાલ આમાં સૂર્યની પૂજા કેમ બંધ છે?  શું તમે જાણો છો કે ક્યારેક ભગવાન રામ પણ અહી ગયા હતા. 

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના પાટણથી 30 કિલોમીટર દક્ષિણ તરફ મોઢેરા ગામ છે. ઇરાની શૈલીના આ ઐતિહાસિક મંદિરના સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે 1026માં બનાવ્યું હતું. સોલંકી રાજવંશે સૂર્ય પોતાના કુળદેવતા માનતા હતા, એટલા માટે એ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

મંદિરના ગર્ભગૃહ પર સૂર્યની પહેલી કિરણ પડે છે

મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું હતું કે સૂર્યોદય થાય ત્યારે સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહને પ્રકાશિત કરે. મંદિરના પહેલા હિસ્સામાં ગર્ભગૃહ અને બીજામાં સભામંડપ છે. ગર્ભગૃહની અંદરની લંબાઈ, 51 ફૂટ, નવ ઇંચ અને પહોળાઈ 25 ફૂટ, આઠ ઇંચ છે. મંદિરના સભામંડપમાં કુલ 52 પિલર છે. આ પિલર્સ પર અલગ-અલગ દેવી-દેવતાઓનાં ચિત્ર, રામાયણ અને મહાભારતના પ્રસંગોને સરસ રીતે દર્શાવવામાં આવ્યાં છે.

હાલ સૂર્ય પૂજા નહીં

રાજ્યના મોઢેરા સૂર્ય મંદિર પર અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું. એમાં મંદિરને ઘણું નુકસાન થયું હતું. એણે મંદિરની મૂર્તિઓને ખંડિત કરી હતી. હાલ આ મંદિરમાં પૂજા નિષેધ છે. હાલ ભારતીય પુરાતત્ત્વ વિભાગ (ASI) એની જાળવણી કરી રહ્યું છે.

ભગવાન રામ અહીં આવ્યા હતા

મોઢેરાના મંદિરનો ઉલ્લેખ કેટલાંય પુરાણોમાં પણ આવે છે. સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં કહેવામાં આવ્યું હતું કે પ્રાચીન કાળમાં મોઢેરાની સાપાસનો વિસ્તાર ધર્મરન્યના નામે જાણીતો હતો. પુરાણો અનુસાર ભગવાન રામે રાવણના સંહાર પછી ગુરુ વશિષ્ઠ એક એવું સ્થાન બતાવવા કહ્યું કે તેઓ ક્યાં જઈને આત્મશુદ્ધિ કરી શકે અને બ્રહ્મ હત્યાથી મુક્તિ મેળવી શકે? ત્યારે ગુરુ વશિષ્ઠે અહીં આવવાની સલાહ આપી હતી.

દેશમાં બે સૂર્ય મંદિર

દેશમાં બે વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિર છે. એક દેશના પૂર્વ એટલે કે ઓડિસા રાજ્યમાં છે. એનું નામ કોણાર્ક સૂર્ય મંદિર, જે પ્રસિદ્ધ મંદિર છે. બીજું દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુજરાતમાં બનેલું મોઢેરા સૂર્ય મંદિર. જે પાટણથી 30 કિલોમીટરે દક્ષિણમાં સ્થિત છે.

મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં 39,287 લોકોને નોકરી અપાવાઈઃ નવાબ મલિક

મુંબઈઃ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, રોજગાર ખાતાના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે જણાવ્યું છે કે રાજ્ય સરકારે કોરોના સંકટના સમયગાળા દરમિયાન હજારો લોકોને નોકરી અપાવી છે.

મલિકે કહ્યું કે એકલા ગયા જુલાઈ મહિનામાં જ રાજ્ય સરકારે ઓનલાઈન રોજગાર મેળા અને મહાસ્વયં વેબપોર્ટલ  (https://rojgar.mahaswayam.gov.in)  મારફત 21,572 જણને નોકરી ઉપલબ્ધ કરાવી છે.

 કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવા અને તેને કારણે ગયા માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કરાયા બાદ દેશભરમાં અનેક વેપાર-ઉદ્યોગ ઠપ થઈ ગયા હતા. ટ્રેન સેવા અને વાહનવ્યવહાર પણ બંધ કરી દેવાયા હતા. એને પરિણામે રોજગારની મોટી સમસ્યા ઊભી થઈ હતી.

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક

મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, રોજગાર અને ઉદ્યોજકતા વિભાગે લોકડાઉનના સમયગાળામાં ઓનલાઈન રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. તે મેળા અને મહાસ્વયં વેબપોર્ટલ મારફત ગયા એકલા જુલાઈ મહિનામાં જ 21,572 જણને નોકરી ઉપલબ્ધ કરાવાઈ હતી.

એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના સમયગાળામાં 17,715 બેરોજગારોને રોજગાર આપવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં કુલ 39,287 બેરોજગારોને નોકરી મળી છે.

ઓગસ્ટ મહિનામાં પણ એ કામ ચાલુ જ રખાયું છે. રાજ્યભરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓનલાઈન રોજગાર મેળાની જિલ્લાવાર મોટી ઝુંબેશ શરૂ કરાઈ છે.

રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રાલયે ગયા જુલાઈમાં રાજ્યભરમાં યોજેલા મેળામાં 204 ઉદ્યોજકોએ ભાગ લીધો હતો. એમાં 21,572 ખાલી જગ્યા ભરવામાં આવી હતી. એ માટે ઉમેદવારોની ઓનલાઈન મુલાકાત લેવામાં આવી હતી. તમામ નોકરીવાંચ્છુ ઉમેદવારોને નોકરી મળે એ માટેના પ્રયાસો ચાલુ છે, એમ નવાબ મલિકે વધુમાં કહ્યું છે, જેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ છે અને ચેંબૂર ઉપનગરના અણુશક્તિ નગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે.

સુરેશ રૈના જમ્મુ-કશ્મીરમાં ક્રિકેટને ઉત્તેજન આપવા તૈયાર

શ્રીનગરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હાલમાં જ નિવૃત્તિ જાહેર કરનાર ઓલરાઉન્ડર સુરેશ રૈના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં ક્રિકેટને ઉત્તેજન આપવા અને એનો ફેલાવો કરવા ઉત્સૂક છે. તે આ પ્રદેશમાં ગરીબ બાળકોને ક્રિકેટની તાલીમ સાથે તક પૂરી પાડવા ઈચ્છે છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મેલા રૈનાએ જમ્મુ-કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહને એક પત્ર લખીને પોતાની આ ઈચ્છા દર્શાવી છે. એણે કહ્યું છે કે ક્રિકેટની રમતે મને જે કંઈ આપ્યું છે તેની હું આમ કરીને વળતી સેવા બજાવવા માગું છું. મારી 15 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં મેં ક્રિકેટ વિશે જ્ઞાન અને કૌશલ્ય હાંસલ કર્યા છે એ હવે હું નવી પેઢીને પાસ કરવા માગું છું.

33 વર્ષીય રૈનાએ કહ્યું છે કે મારો ઉદ્દેશ્ય જમ્મુ અને કશ્મીરની શાળાઓ, કોલેજો અને ગ્રામિણ વિસ્તારો સહિત અનેક સ્તરે ટેલેન્ટેડ યુવાનો અને બાળકોને શોધવાનો છે. ક્રિકેટ એ માત્ર રમત નથી, પરંતુ તેમાં એક એવી પ્રક્રિયા પણ સમાયેલી છે જે વ્યક્તિઓના જૂથનું વ્યાવસાયિક મૂલ્યો, શિસ્ત દ્વારા ઘડતર કરે. આ રમત દ્વારા માનસિક અને શારીરિક, બંને રીતે ફિટ રહી શકાય છે. જ્યારે કોઈ પણ બાળક (છોકરો કે છોકરી) કોઈ પણ રમતની તાલીમ લેવાનું શરૂ કરે છે એ સાથે જ તે આપોઆપ શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવતો થઈ જાય છે અને તે શારીરિક સુસજ્જતાના મહત્ત્વથી વાકેફ થાય છે. આ બધા આપણા દેશનું ભવિષ્ય બની શકે છે.

જમ્મુ અને કશ્મીર પોલીસે ગયા અઠવાડિયે રૈનાને આમંત્રણ આપ્યું હતું કે તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આવીને ક્રિકેટની ટેલેન્ટને ડેવલપ કરે.

‘મારી વાત RBIએ માની’: અર્થવ્યવસ્થા વિશે રાહુલનો સરકારને કટાક્ષ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના અર્થતંત્રને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધતાં ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું કેટલાય મહિનાઓથી સાવધ કરતો હતો, એનો રિઝર્વ બેન્કે પણ સ્વીકાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ધ્યાન હટાવવાથી નહીં, બલકે ખર્ચ વધારવા અને ગરીબોના હાથોમાં પૈસા આપવાથી અર્થતંત્ર પાટે ચઢશે.

ખર્ચ કરવાની જરૂર, ઋણ આપવાની જરૂર નહીં

રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે RBIએ હવે પુષ્ટિ કરી છે, જે હું મહિનાઓથી ચેતવણી આપતો હતો. સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે, લોનો આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિઓના ટેક્સ માફ કરવાની જરૂર નથી. ખપત દ્વારા અર્થતંત્ર ફરી શરૂ કરો. મિડિયા દ્વારા ધ્યાન ભંગ કરવાથી ના તો ગરીબોની મદદ થશે અને ના આર્થિક કટોકટી ગાયબ થશે.

તેમણે ટ્વીટ સાથે એક ન્યૂઝપેપરના ન્યૂઝ શેર કર્યા હતા, જેમાં રિઝર્વ બેન્કના રિપોર્ટ વિશે લખ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ખપતને ગંભીર ઝટકો લાગ્યો છે. ગરીબને વધુ નુકસાન થયું છે. આવામાં અર્થતંત્રને પાટે ચઢવા માટે ઘણો સમય લાગશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં જે કાપ મૂક્યો છે, એનાથી મૂડીરોકાણને પ્રોત્સાહન નથી મળ્યું, બલકે કંપનીઓએ એનો ઉપયોગ દેવાં ઘટાડવાનો અને કેશ બેલેન્સ વધારવામાં કર્યો છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે લાંબા સમય સુધી દેશમાં લોકડાઉન લાગુ રહ્યું હતું. આનાથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે.

ભારત અમારું હરીફ નહીં, ભાગીદાર છેઃ ચીની રાજદૂત

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ગલવાન પહાડી વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને ભારતસ્થિત ચીનના રાજદૂતે કમનસીબ ઘટના તરીકે ઓળખાવી છે.

ચાઈના-ઈન્ડિયા યૂથ વેબિનારને સંબોધિત કરતાં ચીની રાજદૂત સૂન વેઈદોંગે કહ્યું કે ચીનની સરકાર ભારતને તેના હરીફ તરીકે નહીં, પણ ભાગીદાર તરીકે જુએ છે.

વેઈદોંગે કહ્યું કે ચીન સરકારને આશા છે કે તે ભારત સાથેના સીમાવિવાદને દ્વિપક્ષી સંબંધોમાં ઉચિત સ્થાને રાખશે.

ચીની રાજદૂતે વધુમાં કહ્યું કે બંને દેશ આપસના વિવાદોને વાટાઘાટ અને મસલત દ્વારા યોગ્ય રીતે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે, જેથી દ્વિપક્ષી સંબંધો વહેલી તકે ફરી પાટે ચડે.

આ વેબિનારમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. સૂન વેઈદોંગે કહ્યું કે, ભારત અને ચીન પ્રાચીન સંસ્કૃતિવાળા દેશ છે અને તેમણે એકબીજાનો આદર કરતાં, એકબીજા સાથે સમાન વર્તાવ કરતાં શીખવું જોઈએ.

ગલવાન વેલીમાં થયેલી ઘટના કમનસીબ તેમજ ઈતિહાસની એક સંક્ષિપ્ત ક્ષણ સમાન હતી. બંને દેશે વિવાદોને બાજુ પર રાખી દેવાની જરૂર છે, એમ પણ વેઈદોંગે કહ્યું.

વેઈદોંગે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે ભારત પ્રતિ ચીનની નીતિમાં કોઈ ફેરફાર કરાયો નથી.

રાશિ ભવિષ્ય 26/08/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


 લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


 મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


 આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 32 લાખને પાર, 1059નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 67,151 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1059 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 32,34,474 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 59,449 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 24,67,758 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,07,267 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. સક્રિય કેસનો દર પણ ઘટીને 22 ટકા થયો છે.   

3.95 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 25 ઓગસ્ટે દેશમાં નવ લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 25 ઓગસ્ટ સુધી કુલ 395 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 6.58 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

વિદ્યાર્થીઓ-વાલીઓ ઇચ્છે છે કે JEE-NEET પરીક્ષા લેવાયઃ શિક્ષણપ્રધાન

નવી દિલ્હીઃ શિક્ષણપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કોરોના રોગચાળાની વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસક્રમો માટે અખિલ ભારતીય પરીક્ષા આયોજિત કરવાના નિર્ણય પર કહ્યું હતું કે પરીક્ષાના આયોજન માટે વાલીઓ અને વિદ્યાર્થી સતત દબાણ કરી રહ્યા છે, લોકો ઇચ્છે છે કે પરીક્ષા આયોજિત કરવામાં આવે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રવેશ માટે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) અને મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આગામી મહિને આયોજિત થવાની છે, પણ કોરોના વાઇરસ રોગચાળાની વચ્ચે NEET-JEEની પરીક્ષાઓ ટાળવાની માગ કેટલાય રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે.

80 ટકા વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે

JEEની ટેસ્ટ આપનારા 80 ટકા વિદ્યાર્થીઓ પહેલેથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. અમે માતા-પિતા અને વિદ્યાર્થીઓના સતત દબાણમાં છીએ, તેઓ અમને સવાલ કરી રહ્યા છે કે અમે JEE અને NEETની મંજૂરી કેમ નથી આપી રહ્યા?  વિદ્યાર્થીઓ બહુ ચિંતિત છે. તેમના એમ હતું કે અમે ક્યાં સુધી આ પરીક્ષાની તૈયારી કરતા રહીએ?, એમ તેમણે કહ્યું હતું.

JEE માટે રજિસ્ટર્ડ થયેલા 8.58 લાખ વિદ્યાર્થીઓમાંથી 7.25 લાખ ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધાં છે. અમે વિદ્યાર્થીઓની સાથે છીએ, તેમની સુરક્ષા પહેલાં થાય, પછી તેમનું શિક્ષણ, એમ તેમણે કહ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી JEE મેઇન અને NEET પરીક્ષાનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. JEE  મેઇન પરીક્ષા એક સપ્ટેમ્બરથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત કરવામાંઆવશે અને NEET  પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે.

કોરોના સંક્રમણથી બચવા માટે વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના બધા નિયમો એડમિટ કાર્ડમાં દર્શાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીનું ટેમ્પરેચર વધુ હશે તેમના માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે JEE અને NEET પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ માસ્ક અને હાથમાં મોજાં પહેરવાનાં રહેશે. આ ઉફરાંત પરીક્ષા પર હેન્ડ સેનિટાઇઝર લઈ જવાનું રહેશે.

 

 

 

 

 

 

તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે?

તમે જેમને ચાહો છો તેઓ તમને સાચો પ્રેમ કરે છે કે નહિ, એવો પ્રશ્ન ક્યારેય થાય છે? કોઈ ની સાથે બંધાયેલ મધુર સંબંધ સાચો છે કે ખોટો, તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે?

હું તમને કહીશ કે સામી વ્યક્તિ વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં એ જુઓ કે તમારું પોતાનું હૃદય કેટલું વિશાળ છે! તમારા સાથીનો તમે શું સંપૂર્ણ સ્વીકાર કરો છો? એ જાણવું ખુબ રસપ્રદ છે કે તમારું મન હંમેશા સકારાત્મક બાબતો પ્રત્યે જ શંકાશીલ બનતું હોય છે. અન્ય વ્યક્તિની પ્રમાણિકતા ઉપર તમે શંકા કરો છો, પણ જયારે તમે કોઈને અપ્રમાણિક કહો છો ત્યારે ખાતરીપૂર્વક કહો છો! વિચારો, જયારે તમને કોઈ પૂછે છે કે “શું તમે ખુશ છો?” તો તમે સંકોચાઈને કહો છો કે “કદાચ! મને પાક્કી ખાતરી નથી.” પણ તમારી ઉદાસી અંગે તમને ક્યારેય શંકા હોતી નથી. કોઈ તમને કહે છે “હું તને પ્રેમ કરું છું. ” તો તમારી પ્રથમ પ્રતિક્રિયા હોય છે: “સાચે જ?” તો જાણી લો કે શંકા હંમેશા સકારાત્મક અનુભવો, ભાવનાઓ પ્રત્યે જ ઉદ્ભવતી હોય છે. તમારા સાથીનો જેવા છે તેવા સ્વરૂપમાં સ્વીકાર કરો.

કોઈ સંબંધને બાંધવાનો પ્રયત્ન ન કરો. તમે સહજ, સરળ અને જેવા છો તેવા જ રહો. જો તમે કોઈ સંબંધને બાંધવાના, ખીલવવાના પ્રયત્નો કરશો તો તમે અસહજ વર્તન કરવા માંડશો. જરા કલ્પના કરી જુઓ, કોઈ વ્યક્તિ સતત તમને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરે છે તો તમને કેવું લાગશે? તમે એમનાથી દૂર થતા જશો, નહિ? તમે કોને ચાહી શકો? જે સરળ, સહજ અને નિખાલસ હોય તેને કે જે તમને સતત પ્રભાવિત કરવાના પ્રયાસો કરે તેને? તો અન્ય વ્યક્તિ પણ તમારી પાસેથી સહજ અને નિખાલસ વ્યવહાર ઈચ્છે છે. સંબંધોમાં હંમેશા સાચા, સરળ, સહજ નિખાલસ અને ક્ષમાશીલ રહો. વર્તમાન ક્ષણ માં રહો.

તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે? તમારાં ખુદનાં મનને શું તમે જાણી શકો છો? તો અન્ય વ્યક્તિનાં મનને કઈ રીતે જાણી શકાય? તો કોઈ પણ સંબંધમાં અન્ય વ્યક્તિ ઉપર નિયંત્રણ કરવાની વૃત્તિ છોડો.

જે તમારું છે, તે તમારું જ રહેશે. અને જે તમારાથી દૂર જાય છે, તે ક્યારેય તમારું હતું જ નહીં એ નિશ્ચિતપણે જાણી લો. આટલું જાણી લેશો તો તમે પ્રગાઢ શાંતિનો અનુભવ કરશો. અને હંમેશા શાંત રહો, તમારી આંતરિક સ્વતંત્રતાને પિછાણો . અને જુઓ કે સમગ્ર જગત તમારું પોતાનું છે. આ સત્ય સમજ્યા સિવાય કોઈને પોતાના બનાવવાના ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તેઓ તમારાથી દૂર સરકી જશે. આટલા માટે જ અધ્યાત્મનું થોડું જ્ઞાન હોવું બહુ અગત્યનું છે.

આ જ્ઞાન તમને હંમેશા કેન્દ્રસ્થ રાખશે. આંતરિક શક્તિનો અનુભવ થશે. અને પછી સહજપણે જ બધું જ તમને પ્રાપ્ત થશે. ભગવદ્દ ગીતામાં પણ એ જ કહ્યું છે કે જે બ્રહ્માંડની ચેતના સાથે સંયોજાઇને રહે છે, તેની સર્વ ઈચ્છાઓ પુરી થાય છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા તમે વધુને વધુ શાંત, પ્રસન્ન અને કેન્દ્રસ્થ બનતા જાઓ છો, અને બ્રહ્માંડ તમને વધુ ને વધુ આપવા તત્પર રહે છે. શાંત રહો, પ્રસન્ન રહો, હૃદયના નીરવ સ્થાનમાં વિશ્રામ કરો અને જુઓ કે સઘળું તમારું જ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)