‘મારી વાત RBIએ માની’: અર્થવ્યવસ્થા વિશે રાહુલનો સરકારને કટાક્ષ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના અર્થતંત્રને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધતાં ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું કેટલાય મહિનાઓથી સાવધ કરતો હતો, એનો રિઝર્વ બેન્કે પણ સ્વીકાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ધ્યાન હટાવવાથી નહીં, બલકે ખર્ચ વધારવા અને ગરીબોના હાથોમાં પૈસા આપવાથી અર્થતંત્ર પાટે ચઢશે.

ખર્ચ કરવાની જરૂર, ઋણ આપવાની જરૂર નહીં

રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે RBIએ હવે પુષ્ટિ કરી છે, જે હું મહિનાઓથી ચેતવણી આપતો હતો. સરકારે હવે વધુ ખર્ચ કરવાની જરૂર છે, લોનો આપવાની જરૂર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિઓના ટેક્સ માફ કરવાની જરૂર નથી. ખપત દ્વારા અર્થતંત્ર ફરી શરૂ કરો. મિડિયા દ્વારા ધ્યાન ભંગ કરવાથી ના તો ગરીબોની મદદ થશે અને ના આર્થિક કટોકટી ગાયબ થશે.

તેમણે ટ્વીટ સાથે એક ન્યૂઝપેપરના ન્યૂઝ શેર કર્યા હતા, જેમાં રિઝર્વ બેન્કના રિપોર્ટ વિશે લખ્યું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ખપતને ગંભીર ઝટકો લાગ્યો છે. ગરીબને વધુ નુકસાન થયું છે. આવામાં અર્થતંત્રને પાટે ચઢવા માટે ઘણો સમય લાગશે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં જે કાપ મૂક્યો છે, એનાથી મૂડીરોકાણને પ્રોત્સાહન નથી મળ્યું, બલકે કંપનીઓએ એનો ઉપયોગ દેવાં ઘટાડવાનો અને કેશ બેલેન્સ વધારવામાં કર્યો છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે લાંબા સમય સુધી દેશમાં લોકડાઉન લાગુ રહ્યું હતું. આનાથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે.