ગાડી પર લાગેલું હશે ‘FASTag’ ત્યારે જ ટોલ ટેક્સમાં મળશે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશના બધા નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર રિટર્ન યાત્રા ડિસ્કાઉન્ટ અથવા કોઈ પણ અન્ય ડિસ્કાઉન્ટ માટે ફાસ્ટેગ (FASTag)ના ઉપયોગને ગઈ કાલે ફરજિયાત કરી દીધો છે. આ સંબંધે નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે પણ વાહનચાલક 24 કલાકની અંદર રિટર્ન યાત્રાનું ડિસ્કાઉન્ટ અથવા કોઈ અન્ય સ્થાનિક ડિસ્કાઉન્ટ માટે દાવો કરે તો તેમના વાહન પર એક કાયદેસર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે.

આ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ડિજિટલ ચુકવણીના ઉપયોગને પ્રોત્સાહનની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ પ્રકારનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે ટોલની ટેક્સની ચુકવણી માત્ર પ્રીપેડ પ્રકારો, સ્માર્ટ કાર્ડ અથવા ફાસ્ટેગ વગેરે દ્વારા કરી શકાશે.

આવી રીતે લાભ મળશે

જે કેસોમાં 24 કલાકની અંદર રિટર્ન યાત્રા માટે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, એમાં રસીદ અથવા સૂચનાની કોઈ જરૂર નહીં હોય અને સંબંધિત નાગરિકને ડિસ્કાઉન્ટ આપોઆપ મળી જશે. એના માટે 24 કલાકની અંદર રિટર્ન યાત્રા જરૂરી હશે અને સંબંધિત વાહન પર એક કામ કરતો ફાસ્ટેગ લાગેલુ હોવું જોઈએ.

જાણો ફાસ્ટેગ (FASTag)

ફાસ્ટેગ ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે, જેનાથી ટોલ ટેક્સની ઓટોમેટિક ચુકવણી થઈ જાય છે. આ વાહનની વિન્ડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. ફાસ્ટેગની મદદથી તમારે ટોલ ટેક્સ માટે વાહનને ટોલ પ્લાઝા પર રોકવું નહીં પડે. તમારું વાહન જેવું ટોલ પ્લાઝાને પાર કરશે, વાહનના વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવામાં આવેલું ફાસ્ટેગથી લિંક્ડ બેન્ક ખાતા-પ્રિપેડ વોલેટથી ટોલ ટેક્સ ઓટોમેટિક કપાઈ જશે. ફાસ્ટેગ રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નિક પર કામ કરે છે. ફાસ્ટેગની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. જ્યાં સુધી એ ટોલ પ્લાઝા પર રિડેબલ હોય છે, ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાય છે અને એનાથી છેડછાડ નથી કરી શકાતી.