તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે?

તમે જેમને ચાહો છો તેઓ તમને સાચો પ્રેમ કરે છે કે નહિ, એવો પ્રશ્ન ક્યારેય થાય છે? કોઈ ની સાથે બંધાયેલ મધુર સંબંધ સાચો છે કે ખોટો, તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે?

હું તમને કહીશ કે સામી વ્યક્તિ વિશે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં એ જુઓ કે તમારું પોતાનું હૃદય કેટલું વિશાળ છે! તમારા સાથીનો તમે શું સંપૂર્ણ સ્વીકાર કરો છો? એ જાણવું ખુબ રસપ્રદ છે કે તમારું મન હંમેશા સકારાત્મક બાબતો પ્રત્યે જ શંકાશીલ બનતું હોય છે. અન્ય વ્યક્તિની પ્રમાણિકતા ઉપર તમે શંકા કરો છો, પણ જયારે તમે કોઈને અપ્રમાણિક કહો છો ત્યારે ખાતરીપૂર્વક કહો છો! વિચારો, જયારે તમને કોઈ પૂછે છે કે “શું તમે ખુશ છો?” તો તમે સંકોચાઈને કહો છો કે “કદાચ! મને પાક્કી ખાતરી નથી.” પણ તમારી ઉદાસી અંગે તમને ક્યારેય શંકા હોતી નથી. કોઈ તમને કહે છે “હું તને પ્રેમ કરું છું. ” તો તમારી પ્રથમ પ્રતિક્રિયા હોય છે: “સાચે જ?” તો જાણી લો કે શંકા હંમેશા સકારાત્મક અનુભવો, ભાવનાઓ પ્રત્યે જ ઉદ્ભવતી હોય છે. તમારા સાથીનો જેવા છે તેવા સ્વરૂપમાં સ્વીકાર કરો.

કોઈ સંબંધને બાંધવાનો પ્રયત્ન ન કરો. તમે સહજ, સરળ અને જેવા છો તેવા જ રહો. જો તમે કોઈ સંબંધને બાંધવાના, ખીલવવાના પ્રયત્નો કરશો તો તમે અસહજ વર્તન કરવા માંડશો. જરા કલ્પના કરી જુઓ, કોઈ વ્યક્તિ સતત તમને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરે છે તો તમને કેવું લાગશે? તમે એમનાથી દૂર થતા જશો, નહિ? તમે કોને ચાહી શકો? જે સરળ, સહજ અને નિખાલસ હોય તેને કે જે તમને સતત પ્રભાવિત કરવાના પ્રયાસો કરે તેને? તો અન્ય વ્યક્તિ પણ તમારી પાસેથી સહજ અને નિખાલસ વ્યવહાર ઈચ્છે છે. સંબંધોમાં હંમેશા સાચા, સરળ, સહજ નિખાલસ અને ક્ષમાશીલ રહો. વર્તમાન ક્ષણ માં રહો.

તમારું પોતાનું મન શું તમારાં નિયંત્રણમાં છે? તમારાં ખુદનાં મનને શું તમે જાણી શકો છો? તો અન્ય વ્યક્તિનાં મનને કઈ રીતે જાણી શકાય? તો કોઈ પણ સંબંધમાં અન્ય વ્યક્તિ ઉપર નિયંત્રણ કરવાની વૃત્તિ છોડો.

જે તમારું છે, તે તમારું જ રહેશે. અને જે તમારાથી દૂર જાય છે, તે ક્યારેય તમારું હતું જ નહીં એ નિશ્ચિતપણે જાણી લો. આટલું જાણી લેશો તો તમે પ્રગાઢ શાંતિનો અનુભવ કરશો. અને હંમેશા શાંત રહો, તમારી આંતરિક સ્વતંત્રતાને પિછાણો . અને જુઓ કે સમગ્ર જગત તમારું પોતાનું છે. આ સત્ય સમજ્યા સિવાય કોઈને પોતાના બનાવવાના ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તેઓ તમારાથી દૂર સરકી જશે. આટલા માટે જ અધ્યાત્મનું થોડું જ્ઞાન હોવું બહુ અગત્યનું છે.

આ જ્ઞાન તમને હંમેશા કેન્દ્રસ્થ રાખશે. આંતરિક શક્તિનો અનુભવ થશે. અને પછી સહજપણે જ બધું જ તમને પ્રાપ્ત થશે. ભગવદ્દ ગીતામાં પણ એ જ કહ્યું છે કે જે બ્રહ્માંડની ચેતના સાથે સંયોજાઇને રહે છે, તેની સર્વ ઈચ્છાઓ પુરી થાય છે. યોગ, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા તમે વધુને વધુ શાંત, પ્રસન્ન અને કેન્દ્રસ્થ બનતા જાઓ છો, અને બ્રહ્માંડ તમને વધુ ને વધુ આપવા તત્પર રહે છે. શાંત રહો, પ્રસન્ન રહો, હૃદયના નીરવ સ્થાનમાં વિશ્રામ કરો અને જુઓ કે સઘળું તમારું જ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)