Home Blog Page 4644

રાશિ ભવિષ્ય 23/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 23/09/2020

(મયંક રાવલ)

રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા પાંચ ‘પોસ્ટપેઇડ પ્લસ પ્લાન’

મુંબઈઃ રિલાયન્સ જિયોએ ભારતીય યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા પાંચ પ્લાન જિયો પોસ્ટપેઇડ પ્લસ લોન્ચ કર્યા છે. જિયોના બંડલ્ડ પોસ્ટપેઇડ મોબાઇલ પ્લાનની નવી રેન્જમાં પરવડી શકે એવા પ્લાન, ઇન્ટનેશનલ કોલિંગ અને રોમિંગ બેનિફિટ્સ, નેટફિલક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો, ફેમિલી બંડલ્ડ પ્લાન્સ અને ઇન્ટરનેશનલ સહિત એન્ટરટેઇનમેન્ટ સર્વિસિઝનો એક શાનદાર પોર્ટફોલિયો સામેલ છે. કોવિડ પછી વિશ્વમાં પેસેન્જરોને ફ્લાઇટની અંદર ક્નેક્ટિવિટીની સાથે-સાથે ભારતીય એરસ્પેસમાં પહેલી વાર ક્નેક્ટિવિટી સર્વિસ મળી શકશે.

જિયો પોસ્ટપેઇડ પ્લસની પાંચ ટેરિફ યોજનાઓ

રિલાયન્સના જિયો પોસ્ટપેઇડ પ્લસની પાંચ ટેરિફ યોજનાઓ છે, એમાં અફોર્ડેબલ નવો પોસ્ટપેઇડ પ્લાન રૂ. 399નો છે, જેમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને SMS મેસેજીસ, 75GB ડેટા પર બિલિંગ સાઇકલ અને નહીં વાપરેલો ડેટા 200 GB સુધી રોલઓવર કરી શકાશે અને કોમ્પ્લિમેન્ટરી સબસ્ક્રિપ્શનમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની +હોટસ્ટાર. આ ઉપરાંત યુઝર્સ જિયોસાવન, જિયો સિનેમા અને જિયો ટીવીની સુવિધા પણ મળી શકશે.

બીજો પ્લાન 599 રૂપિયાનો છે અને એમાં એન્ટરટેઇનમેન્ટ કોલિંગ અને SMSની સુવિધાઓ છે. આ ઓફરમાં યુઝર્સને બિલિંગ સાઇકલમાં 100 GB ઓફર છે અને તમને જિયો પોસ્ટપેઇડ પ્લસ પરિવાર યોજના હેઠળ એક વધારાનું સિમ કાર્ડ મળશે.

રિલાયન્સ જિયોના અન્ય ત્રણ પ્લાન

અન્ય ત્રણ પ્લાન 799 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાના છે. જેમાં 799 રૂપિયાવાળા પ્લાનમાં 150 GB પર સાઇકલ, અને ફેમિલી પ્લાન હેઠળ બે વધારાના સિમ કાર્ડ આપવામાં આવ્યા છે. જ્યારે 999 રૂપિયા અને 1499વાળા પ્લાનમાં 500 GB ડેટા ક્રમશઃ 500 GB રોલઓવર અને 200 GB અને 300 GB માસિક ડેટા મળે છે.

જિયો પોસ્ટપેઇડ પ્લસ સર્વિસને લોન્ચ કરતાં રિલાયન્સ જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે જિયો પોસ્ટપેઇડ પ્લસને દરેક પોસ્ટપેઇડ ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એ વિશ્વાસપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાવાળી કનેક્ટિવિટીની જરૂરિયાતને પૂરી કરે છે. આ ઉપરાંત એ પ્રીમિયમ એન્ટરટેઇનમેન્ટ, સહજ અને અફોર્ડેબલ આંતરરાષ્ટ્રીય રોમિંગ, અત્યાધુનિક ફીચર્સ સાથે મહત્ત્વપૂર્ણ રૂપે ગ્રાહકોનો એક ઉમદા અનુભવ પૂરો પાડશે. અમે ગ્રાહકોને ઉમદા સર્વિસનો અનુભવ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને અમને આશા છે કે દેશમાં પ્રત્યેક પોસ્ટ પેઇડ યુઝર્સ એનો ઉપયોગ કરશે.

જિયો પોસ્ટપેઇડ પ્લસ યુઝર્સનો વાઇ-ફાઇ કોલિંગની સુવિધા ભારત અને વિદેશ પ્રવાસ દરમ્યાન મળશે. જિયો પોસ્ટપેઇડ પ્લસ કનેક્શનવાળા ભારતીયો માટે અમેરિકા અને UAEની મુલાકાત દરમ્યાન કોઈ વધારાના આંતરરાષ્ટ્રીય રોમિંગ ચાર્જ લાગુ નહીં થાય. આ સિવાય વાઇ-ફાઇ કોલિંગની સાથે આંતરરાષ્ટ્રીય કોલ એક રૂપિયા જેટલી સસ્તી થશે. જિયોએ આ ઘોષણા કરી છે કે જિયો પોસ્ટપેઇડ પ્લસ યુઝર્સ આંતરરાષ્ટ્રીય રૂટસ પર ફ્લાઇટની અંદર વાઇ-ફાઇ મેળવનારા પહેલાં ભારતીયો હશે.

સંભવિત જિયો પ્રિપેડ ગ્રાહકો તેમ જ અન્ય ઓપરેટરોના પોસ્ટપેઇડ ગ્રાહકો જિયો પોસ્ટપેઇડ પ્લસ યોજનાઓ પર સ્વિચ કરવા માટે કનેક્શનની સરળ હોમ ડિલિવરી અને નંબર ડાઉનટાઇમ નંબર પોર્ટિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે.

 

 

 

1 નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ ફરી શરૂ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)એ વર્ષ 2020-21ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે એ સાથે જ આવતી 1 નવેમ્બરથી ફર્સ્ટ યર અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે.

(પ્રતીકાત્મક તસવીર)

દારો કે એડમિશન માટેની ક્વોલિફાઈંગ પરીક્ષાઓના પરિણામની જાહેરાતમાં વિલંબ થાય તો યુનિવર્સિટીઓ 18 નવેમ્બર સુધીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરી શકશે, એમ યૂજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

તેણે એમ ઉમેર્યું પણ છે કે શિક્ષણની પ્રક્રિયા ઓફ્ફલાઈન/ઓનલાઈન/બ્લેન્ડેડ માધ્યમમાં પણ ચાલુ રાખી શકાશે.

દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની રેગ્યૂલેટર સંસ્થા, યૂજીસીએ લીધેલા આ નિર્ણય અનુસાર, તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોએ એડમિશનની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી કરવાની રહેશે. તેઓ બાકીની ખાલી સીટ 30 નવેમ્બર સુધીમાં ભરી શકશે.

કોરોના વાઈરસ મહાબીમારીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવા માટે રચવામાં આવેલી એક સમિતિએ કરેલી ભલામણો-માર્ગદર્શિકાઓનો યૂજીસીએ સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, યૂજીસીએ સમિતિના રિપોર્ટનો સ્વીકાર કરી લીધો છે.

પોખરિયાલે કહ્યું છે કે કોરોના લોકડાઉન અને તે સંબંધિત સમસ્યાઓને કારણે માતા-પિતા/વાલીઓને પડેલી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સત્ર માટે 30 નવેમ્બર, 2020 સુધી લેવામાં આવેલા એડમિશન્સને રદ કરવા માટે કે માઈગ્રેશનની સ્થિતિમાં આવેલા ફર્સ્ટ યર કોલેજના વિદ્યાર્થીઓને ફી પૂરેપૂરી રીફંડ કરવામાં આવશે.

90% વિદ્યાર્થીઓ શાળાઓમાં ફરી આવતાં થયાં: ચીનની સરકારનો દાવો

બીજિંગઃ ચીનના શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કોવિડ-19 રોગચાળાની વચ્ચે દેશભરમાં 90 ટકા વિદ્યાર્થીઓ શાળામાં ફરી આવતાં થઈ ગયા છે. ચીનમાં 19 સપ્ટેમ્બર સુધી કમસે કમ 24.2 કરોડ વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટીઓમાં પરત ફર્યા છે, એમ મંત્રાલયના પ્રવક્તા ઝુ મેઇએ મિડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું, ચીનમાં ઓન-કેમ્પસ શિક્ષણ સામાન્ય દિવસો સ્થપાઈ રહ્યાનું જણાય છે, એમ ઝુએ જણાવ્યું હતું.  

દેશમાં હજી ઘણા નવા લોકો રાહ જોઈ રહ્યા છે કોવિડ-19ના નિયંત્રણને ઓછું કરવા માટે ફરીથી બધું પૂર્વવત્ ખોલવામાં આવે, એમ પ્રવક્તાએ કહ્યું હતું. સ્કૂલ શિક્ષણ એક સુરક્ષિત અને વ્યાપક તરીકેથી સામાન્ય થઈ રહ્યું છે, જે આનંદની વાત છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. તાજા કોવિડ-19ના કેસોને કારણે ઝિંજિંયાંગ સિવાય સમગ્ર ચીનમાં સ્કૂલોને એક સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે કોરોના વાઇરસ વિશે ગયા ડિસેમ્બરમાં હુવેઇ પ્રાંતની રાજધાની વુહાન શહેરમાં જાણ થઈ હતી. ચીને અત્યાર સુધી માત્ર 85,297 કેસો અને 4634 મોતની પુષ્ટિ કરી છે.

RCBની જીતથી કોહલી ખુશ; ચહલની બોલિંગના કર્યાં વખાણ

દુબઈઃ આઈપીએલ-2020માં ગઈ કાલે પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને એની પહેલી જ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પર 10-રનથી મળેલા વિજય માટે કેપ્ટન વિરાટ કોહલીએ સ્વાભાવિક રીતે જ ખુશી વ્યક્ત કરી છે અને આ વિજય માટે તેના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની ગેમચેન્જર બોલિંગની પ્રશંસા કરી છે.

કોહલીએ કહ્યું કે રિસ્ટ સ્પિનર ચહલે સાબિત કરી આપ્યું છે કે એ કોઈ પણ પ્રકારની પિચ પર વિકેટ ખેરવી શકે છે.

ગઈ કાલની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ કરવા કહ્યું હતું. બેંગલોરે તેના હિસ્સાની 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન કર્યા હતા. ઓપનર દેવદત્ત પડીક્કલે 56 અને એબી ડીવિલિયર્સે 51 રન કર્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર અને ઓપનર જોની બેરસ્ટો 61 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે અને મનીષ પાંડે (34)એ બીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. પાંડેને આઉટ કરીને ચહલે તે ભાગીદારીને તોડી હતી. ચહલે તેના હિસ્સાની ચાર ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે દાવની 16મી ઓવરમાં બેરસ્ટો અને વિજય શંકર, એમ બે અન્ય કિંમતી વિકેટ ઉપરાછાપરી બોલમાં લીધી હતી, જેને કારણે મેચ બેંગલોરની તરફેણમાં આવી ગઈ હતી અને હૈદરાબાદ ટીમની ચેલેન્જનો દેખીતી રીતે જ અંત આવી ગયો હતો.

કોહલીએ કહ્યું કે ગયા વર્ષની સ્પર્ધામાં અમે શરૂઆતથી સતત છ મેચ હાર્યા હતા, પણ આ વખતે પહેલી જ મેચમાં જીતવા મળ્યું એની ખુશી છે.

કોહલીએ વધુમાં કહ્યું કે યુઝી (ચહલ) બોલિંગમાં આવ્યો અને એણે મેચને સંપૂર્ણપણે અમારી ફેવરમાં લાવી દીધી હતી. પિચનો આટલી સરસ રીતે ફાયદો ઉઠાવી શકે એવા બહુ ઓછા સ્પિનરો છે, પણ યુઝીએ બતાવી આપ્યું કે એના કાંડામાં એવી કળા છે જે મેચનું પાસું પલટી શકે. એણે બતાવી આપ્યું છે કે કોઈ પણ પિચ પર એ વિકેટ ઝડપી શકે છે. એણે મેચને ચેન્જ કરી નાખી હતી.

પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં અડધી સદી ફટકારનાર ઓપનર દેવદત્ત પડીક્કલની બેટિંગના પણ કોહલીએ વખાણ કર્યા હતા. તો ડીવિલિયર્સ વિશે કહ્યું કે છેલ્લી ત્રણ ઓવરમાં એણે ફટકાબાજી કરતાં અમે 160નો સ્કોર પાર કરી શક્યા હતા.

ડ્રગ્સ કનેક્શન મામલે નેટિઝન્સનાં પ્રત્યાઘાતઃ કંગનાને સમર્થન, દીપિકાનો વિરોધ

મુંબઈઃ બોલિવુડના આજકાલ માઠા દિવસો ચાલી રહ્યા હોય એવું લાગે છે, કેમ કે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એન્ગલમાં તપાસ શરૂ થયા પછી રોજ કંઈને કંઈ ધમાકેદાર સમાચાર બહાર આવી રહ્યા છે. અભિનેત્રી દીપિકા પદુકોણનું નામ ડ્રગ્સ મામલે ઊછળ્યું એ ગઈ કાલના સૌથી મોટા સમાચાર હતા. એ પછી સહ-અભિનેત્રી કંગના રણોતે એક ટ્વીટ કરીને દીપિકા પર કટાક્ષ કર્યો હતો. એ પછી કંગનાનાં સમર્થકોએ દીપિકા વિરુદ્ધ પ્રત્યાઘાત આપ્યાં અને ‘પંગા’ અભિનેત્રી કંગનાને સમર્થન આપ્યું હતું. ચાલો, જોઈએ નેટિઝન્સ શું કહે છે…

વિવિધ અહેવાલો અને વાઇરલ સ્ક્રીનશોટ્સ અનુસાર – એક ઝડપી રિકેપ- તપાસ એજન્સી NCBએ જયા સાહાના ફોન પરથી થયેલી કેટલીક ચેટ પ્રાપ્ત કરી હતી.

અહેવાલો અનુસાર, ડ્રગ્સ મામલાની તપાસ કરી રહેલી એનસીબી એજન્સીના અધિકારીઓએ દીપિકા અને એની મેનેજર કરિશ્મા પ્રકાશ વચ્ચે થયેલી એક ચેટ ‘રીસ્ટોર’ કરી છે. એમાં દીપિકા, કરિશ્મા પાસે ડ્રગ્સની માગણી કરી રહી છે. એમાં અમિત અને શૈલ નામના બે જણના નામ પણ આવે છે. આમાં હજી વધારે સ્પષ્ટ થયું નથી કે અમિત અને શૈલ કોણ છે. એવો દાવો કરાયો છે કે આ ચેટમાં દીપિકાનું કોડનેમ D છે અને કરિશ્માનું કોડનેમ K છે.

આ ચેટ વાઇરલ થતાં દીપિકા ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સમાં ચમકી છે. આના પર પ્રતિક્રિયા આપતાં અને દીપિકાનાં ‘રિપીટ આફ્ટર Me’ મુવમેન્ટની મજાક ઉડાડતાં કંગના રણોતે લખ્યું હતુ કે ‘મારી જેવું કરો, ડીપ્રેશન નશાકારક દવાઓના સેવનનું જ પરિણામ છે. પોતાને ઉત્તમ દરજ્જાના ગણાવતા અને સરસ ઉછેરનો દાવો કરતા કહેવાતા ભદ્ર સમાજના શ્રીમંત સ્ટાર્સનાં સંતાનો જ તેમના મેનેજરને પૂછે છે, ”MAAL HAI KYA?”.

આમ લખીને કંગનાએ હેશટેગમાં આ દર્શાવ્યું છે – #boycottBollywoodDruggies #DeepikaPadukone”.

બસ ત્યારથી #BoycottBollywoodDruggies ટ્રેન્ડમાં આવી ગયું છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે બધા બોલીવૂડ ડ્રગીઝ બહિષ્કાર કરવાને લાયક છે .#BoycottBollywoodDruggies #SSRAIIMSReport”.

વાંચો એવા અમુક ટ્વીટ્સ…

 

એવી આશા રખાય છે કે દીપિકા આ વિવાદમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે ટૂંક સમયમાં જ કોઈક નિવેદન બહાર પાડશે.

હવે સહકારી બેન્કો પણ આવશે RBIની દેખરેખ હેઠળ

નવી દિલ્હીઃ બેન્ક ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવા માટે બેન્કિંગ રેગ્યુલેશન બિલને લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. આ નવા કાનૂન હેઠળ દેશની સહકારી બેન્કો ભારતીય રિઝર્વ બેન્કની દેખરેખ હેઠળ આવી જશે અને તેના દાયરા હેઠળ કામ કરશે. એનાથી સહકારી બેન્કોમાં લોકોએ જમા કરાવેલા નાણાંની પણ સુરક્ષા કરી શકાશે. દેશમાં સહકારી બેન્કોની સતત કથળતી નાણાકીય સ્થિતિ અને છેતરપિંડીના મામલા સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સંશોધનનો નિર્ણય લીધો હતો.

હવે શું થશે?

આ પહેલાં કેન્દ્ર સરકારે સહકારી બેન્કોને રિઝર્વ બેન્કની હેઠળ લાવવા માટે જૂનમાં એક વટહુકમ જારી કરવામાં આવ્યો હતો. હવે નવો કાયદો આ વટહુકમની જગ્યા લેશે. હવે દેશની 1482 અર્બન અને 58 મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક RBI હેઠળ આવશે. આ એક્ટ દ્વારા RBIની પાસે એ સત્તા હશે કે એ કોઈ પણ બેન્કના પુનર્ગઠન અથવા વિલીનીકરણનો નિર્ણય લઈ શકે.

એના માટે એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સના મોરાટોરિયમમાં રાખવાની જરૂર નહીં હોય. આ સિવાય RBI જો બેન્ક પર મોરાટોરિયમ લાગુ કરશે તો પછી કો-ઓપરેટિવ બેન્ક કોઈ લોન જારી નહીં કરી શકે અને ના તો જમા રહેલી મૂડીનું કોઈ મૂડીરોકાણ કરી શકશે.

જમાકર્તાઓનાં હિતોનું રક્ષણ કરવા માટે બેન્ક કોઈ પણ મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર બોર્ડને ભંગ કરી શકશ અને મેનેજમેન્ટ પોતાના હાથોમાં લઈ શકશે. એટલું જ નહીં, RBI જો ઇચ્છે તો આ બેન્કોના આ નિયમથી અલગ કેટલીક રાહત નોટિફિકેશન દ્વારા કરી શકે છે. આ રાહત નોકરીઓ, બોર્ડ ડિરેક્ટરોની યોગ્યતાના નિયમ અને ચેરમેનની નિયુક્તિ જેવા મામલામાં પણ આપી શકશે.

ડિપોઝિટર્સની પાંચ લાખ રૂપિયાની રકમ સુરક્ષિત

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949માં સંશોધનનો નિર્ણય ગ્રાહકોનાં હિતમાં છે. જો કોઈ બેન્ક ડિફોલ્ટ કરે તો બેન્કમાં જમા રહેલી પાંચ લાખ રૂપિયાની રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. નાણાપ્રધાને એક ફેબ્રુઆરી, 2020એ રજૂ થયેલા બજેટમાં જ એને એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરવામાં આવી હતી.

હવે જો કોઈ બેન્ક ડૂબી જાય અથવા તો નાદાર થઈ જાય તો એના ડિપોઝિટર્સને મહત્તમ પાંચ લાખ રૂપિયા મળશે, પછી ભલે એના ખાતામાં કેટલી પણ રકમ જમા હોય. RBIની સબસિડિયરી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC)ના જણાવ્યા મુજબ વીમાનો અર્થ જમા રકમ કેટલી પણ હોય, પણ ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળશે.


બેન્ક નાદાર થતાં DICGC ડિપોઝિટર્સને ચુકવણી કરશે

DICGC એક્ટ હેઠળ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈ હેઠળ જો કોઈ બેન્ક ડૂબી જાય અથવા નાદાર થઈ જાય તો કોર્પોરેશન દરેક જમાકર્તાઓને ચુકવણી કરવા માટે જવાબદાર છે. એની જમા રકમ પર પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. તમારાં એક બેન્કની અનેક શાખાઓમાં ખાતાં હશે તો બધાં ખાતાંઓમાં જમા નાણાં અને વ્યાજને જોડવામાં આવશે.
ત્યાર બાદ માત્ર પાંચ લાખ રૂપિયા સુધીની જમા રકમને સુરક્ષિત માનવામાં આવશે. કોઈ પણ બેન્કમાં એકથી વધુ એકાઉન્ટ અને FD છે તો બેન્કના નાદાર થવા કે ડૂબ્યા પછી પાંચ લાખ રૂપિયા જ મળવાની ગેરન્ટી છે.

રિયા, શૌવિક ચક્રવર્તીની અદાલતી કસ્ટડીની મુદત 6 ઓક્ટોબર સુધી લંબાવાઈ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુ કેસમાં બહાર આવેલા માદક દ્રવ્યોના સેવન-ધંધાના મામલે કરાતી તપાસના સંબંધમાં પકડાયેલા ચક્રવર્તી બહેન-ભાઈ  – રિયા અને શૌવિકની અદાલતી કસ્ટડીની મુદત સ્પેશિયલ કોર્ટે 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.

સ્પેશિયલ કોર્ટે રિયા અને શૌવિકે જામીન માટે નોંધાવેલી અરજીને આજે નકારી કાઢી હતી. કોર્ટે રિયા અને શૌવિક ઉપરાંત ધરપકડ કરાયેલા અન્ય તમામ લોકોની અદાલતી કસ્ટડીને 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના તપાસનીશ અધિકારીઓએ આ તમામની ધરપકડ કરી છે.

રિયા અને શૌવિકને આજે અહીં સ્પેશિયલ જજ જી.બી. ગુરવ સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં. એનસીબીની માગણીને માન્ય રાખીને જજે તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડીની મુદત લંબાવી દીધી હતી. અન્ય આરોપીઓને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે.

સ્પેશિયલ કોર્ટે આ બીજી વાર ચક્રવર્તી ભાઈ-બહેનની જામીન અરજી નકારી કાઢી છે. અગાઉ 11 સપ્ટેમ્બરે કોર્ટે એમની જામીન નકારી કાઢી હતી.

34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સીબીઆઈ આ કેસમાં અલગ રીતે તપાસ કરી રહી છે. ચક્રવર્તી ભાઈ-બહેન તથા અન્યો પર આરોપ છે કે તેમણે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.

એનસીબી એજન્સી આ કેસમાં ડ્રગ્સના મામલે તપાસના સંબંધમાં અત્યાર સુધીમાં 18 જણની ધરપકડ કરી ચૂકી છે.

રિયાનાં વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે રિયા અને શૌવિક, બંનેએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એની સુનાવણી બુધવારે કરવામાં આવનાર છે.

મરાઠી-હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી આશાલતા (79)નું કોરોનાને કારણે નિધન

મુંબઈઃ મરાઠી તથા બોલીવૂડની 100 જેટલી ફિલ્મો તેમજ રંગભૂમિનાં પીઢ અભિનેત્રી આશાલતા વાબગાવકરનું આજે સવારે અવસાન થયું છે. એમને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી હતી. ચાર દિવસ સુધી બીમારી સામે ઝઝૂમ્યાં બાદ મહારાષ્ટ્રના સતારા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે એમનું અવસાન થયું હતું. એ 79 વર્ષનાં હતાં.

ગોવામાં જન્મેલાં આશાલતા સોની મરાઠી ટીવી ચેનલ માટે મરાઠી ટીવી સિરિયલ ‘આઈ માઝી કાળૂબાઈ’નું શૂટિંગ કરતાં હતાં. ત્યાં એ બીમાર પડી ગયાં હતાં. 16 સપ્ટેમ્બરે એમની તબિયત વધારે ખરાબ થતાં એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એમનાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું તેથી એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. આખરે આજે વહેલી સવારે લગભગ 4.30 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. આશાલતા ઉપરાંત તે સિરિયલના સેટ પરના બીજા આશરે 27 જણને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.

સતારા શહેરની નજીકના હિંગોલી ગામના એક ફાર્મ હાઉસમાં શૂટિંગ કરવામાં આવતું હતું. કહેવાય છે કે મુંબઈથી આવેલા એક ડાન્સ ગ્રુપનાં સભ્યોમાંથી ટીવી સિરિયલના સેટ પર કોરોનાનો ચેપ લાગ્યો હતો.

આશાલતાની તબિયત અચાનક વધારે બગડતાં એમને સતારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

સિરિયલનાં નિર્માતા અલકા કુબલ છે. કોરોના સંકટ છતાં સિરિયલનું શૂટિંગ શરૂ કરવાની પરવાનગી મળતાં કોરોના સંબંધિત નિયમોના પાલન સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તે છતાં આટલા બધા લોકોને એક સાથે કોરોનાનો ચેપ કેમ લાગ્યો એ વિશે સવાલો ઊભા થયા છે.

આશાલતાનાં નિધનથી સમગ્ર મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફરી વળી છે.

જાણીતા મરાઠી તેમજ હિન્દી ફિલ્મો-સિરિયલોના અભિનેતા અશોક સરાફ અને આશાલતાએ એક જ મરાઠી ફિલ્મ સાથે અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આશાલતાએ ‘નવરી મિળે નવર્યાલા’, ‘માહેરચી સાડી’, ‘વહિનીચી માયા’, ‘ઉંબરઠા’, ‘સુત્રધાર’ જેવી સુપરહિટ મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

‘ઝંજીર’ ફિલ્મમાં આશાલતાએ અમિતાભ બચ્ચનની સાવકી માતાની ભૂમિકા કરી હતી. તે ઉપરાંત અપને પરાયે, દાવા, અગ્નિસાક્ષી, ઝોરદાર, ખૂન કા કર્ઝ, અંકુશ, આઝાદ દેશ કે ગુલામ, ઘાયલ, બિલ્લૂ બાદશાહ, ગૈરકાનૂની, ફર્ઝ કી જંગ, હત્યા, મરતે દમ તક, વતન કે રખવાલે, સરફરોશ, રાજતિલક, શરાબી, વોહ સાત દિન, સદમા, કૂલી, નમક હલાલ, શૌકીન, આહિસ્તા આહિસ્તા જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.