1 નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ ફરી શરૂ

નવી દિલ્હીઃ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)એ વર્ષ 2020-21ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે એ સાથે જ આવતી 1 નવેમ્બરથી ફર્સ્ટ યર અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે.

(પ્રતીકાત્મક તસવીર)

દારો કે એડમિશન માટેની ક્વોલિફાઈંગ પરીક્ષાઓના પરિણામની જાહેરાતમાં વિલંબ થાય તો યુનિવર્સિટીઓ 18 નવેમ્બર સુધીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરી શકશે, એમ યૂજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

તેણે એમ ઉમેર્યું પણ છે કે શિક્ષણની પ્રક્રિયા ઓફ્ફલાઈન/ઓનલાઈન/બ્લેન્ડેડ માધ્યમમાં પણ ચાલુ રાખી શકાશે.

દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની રેગ્યૂલેટર સંસ્થા, યૂજીસીએ લીધેલા આ નિર્ણય અનુસાર, તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોએ એડમિશનની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી કરવાની રહેશે. તેઓ બાકીની ખાલી સીટ 30 નવેમ્બર સુધીમાં ભરી શકશે.

કોરોના વાઈરસ મહાબીમારીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કેલેન્ડર નક્કી કરવા માટે રચવામાં આવેલી એક સમિતિએ કરેલી ભલામણો-માર્ગદર્શિકાઓનો યૂજીસીએ સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, યૂજીસીએ સમિતિના રિપોર્ટનો સ્વીકાર કરી લીધો છે.

પોખરિયાલે કહ્યું છે કે કોરોના લોકડાઉન અને તે સંબંધિત સમસ્યાઓને કારણે માતા-પિતા/વાલીઓને પડેલી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ સત્ર માટે 30 નવેમ્બર, 2020 સુધી લેવામાં આવેલા એડમિશન્સને રદ કરવા માટે કે માઈગ્રેશનની સ્થિતિમાં આવેલા ફર્સ્ટ યર કોલેજના વિદ્યાર્થીઓને ફી પૂરેપૂરી રીફંડ કરવામાં આવશે.