રેલવેના એસી કોચમાંથી બેડશીટ,ધાબળા, તકિયાની રૂ. 1.27 કરોડની ચોરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના એસી કોચોમાં દરરોજ રાત્રે અંદાજે આઠ લાખ મુસાફરો મુસાફરી કરે છે. આવા મુસાફરોને સૂવા માટે બે બેડશીટ, એક ધાબળા, એક તકિયો, તકિયાનું એક કવર અને એક ફેસ ટુવાલ (બેડરોલ) આપવામાં આવે છે. ટિકિટ સાથે આ સુવિધા મફતમાં મળે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મુસાફરી પૂર્ણ થયા પછી દર 1000 મુસાફરોમાં લગભગ એક મુસાફર બેડરોલનો કોઈ ને કોઈ સામાન પોતાની સાથે લઈ જાય છે.

‘રેલ્વેના તમામ 69 વિભાગો પાસેથી RTI (માહિતીનો અધિકાર) હેઠળ માહિતી માગવામાં આવી હતી, તેમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. 69માંથી 54 રેલવે વિભાગોએ જવાબ આપ્યો હતો. આ જવાબોના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે કોરોના મહામારી પછી જ્યારે બેડરોલ સેવા ફરી શરૂ થઈ હતી, ત્યારથી જાન્યુઆરી, 2022થી મે, 2026 સુધીમાં ઓછામાં ઓછા 1.27 કરોડ બેડરોલની વસ્તુઓ ચોરી થઈ ગઈ છે. આંકડાઓ દર્શાવે છે કે 2022થી 2025 વચ્ચે ચોરીની ઘટનાઓમાં 56 ટકા વધારો થયો છે. તેને ચોરી કહો કે પછી લોકોનો લોભ, પરંતુ સમસ્યા સતત વધી રહી છે.

 

104.51 કરોડ રૂપિયાનું નુકસાન

RTIના આંકડાઓ અનુસાર ચોરીને કારણે બેડરોલના કોન્ટ્રેક્ટરોને ચાર વર્ષમાં અંદાજે 104.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોન્ટ્રેક્ટરો દ્વારા નિમાયેલા કોચ એટેન્ડન્ટ્સનું કહેવું છે કે ચોરીથી થયેલા નુકસાનની ભરપાઈ તેમના પગારમાંથી કરવામાં આવે છે. રેલવે મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મુદ્દો અત્યંત ગંભીર છે અને આવાં કૃત્યો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે ચોરીના કેસોમાં રેલવેના પોતાના કર્મચારીઓની સંડોવણીનો કોઈ પુરાવો મળ્યો નથી. RTIના આંકડાઓ મુજબ રેલવેના સાત ઝોનના 10 મંડળોમાં કુલ ચોરીની 67 ટકા ઘટનાઓ નોંધાઈ હતી. તેમાં બિકાનેર, જોધપુર, જયપુર, રાંચી, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સોનપુર, દાનાપુર અને બિલાસપુરનો સમાવેશ થાય છે.

સૌથી વધુ ફેસ ટુવાલની ચોરી

ચીજવસ્તુ  ચોરી કરવામાં આવેવી માત્રા  (રૂ. લાખમાં)
ફેસ ટોવેલ  46.54
બેડશીટ  41.13
તકિયાના કવર  23.59
ધાબળા  12.95
તકિયા  2.76

 

જોધપુર મંડળમાં સૌથી વધુ ધાબળાની ચોરી

જોધપુર મંડળમાં સૌથી વધુ ધાબળાની ચોરી થઈ હતી. અહીં 3.4 લાખથી વધુ ધાબળા ગાયબ થયા હતા, જે આ મંડળમાં મુસાફરો દ્વારા ચોરી કરાયેલા કુલ સામાનના 42 ટકા જેટલા છે. 2022 પછી બિકાનેર વિભાગમાં આવી ચોરીઓમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. અહીં ચોરી થયેલી વસ્તુઓની સંખ્યા 2.99 લાખથી વધીને 12.34 લાખ થઈ ગઈ. ત્યાર બાદ સોનપુર વિભાગનો ક્રમ આવે છે, જ્યાં 2022 પછી ચોરી થયેલી વસ્તુઓની સંખ્યા 36,448થી વધીને 3.01 લાખ થઈ ગઈ. બીજી તરફ દિલ્હી મંડળમાં ચોરીના કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અહીં ચોરીની ઘટનાઓ 79 ટકા ઘટીને 3.27 લાખથી 68,013 રહી ગઈ. ત્યાર બાદ અમદાવાદમાં 83 ટકા અને સમસ્તીપુરમાં 86 ટકા ચોરીની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો હતો.