રાંચી: ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કારના કેસમાં સમાજનો એક એવો શરમજનક નિર્ણય સામે આવ્યો છે કે જેને સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. સમાજે ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ આરોપી પાસેથી મળેલા 20,000 રૂપિયાથી ચિકન અને દારૂની પાર્ટી યોજી હતી. આ શરમજનક ઘટના ઝારખંડના ગુમલા જિલ્લામાં બની છે.
20,000 રૂપિયાની ચિકન-દારૂ પાર્ટી
પંચાયતના નિર્ણય બાદ આરોપીએ 20,000 રૂપિયા ચૂકવ્યા. આ રકમથી પંચાયતના લોકો દ્વારા માંસ અને દારૂની પાર્ટી કરવામાં આવી હતી. જ્યારે બાકી રહેલા 80,000 રૂપિયા એક સપ્તાહમાં ચૂકવવાનો આદેશ આરોપીને આપવામાં આવ્યો હતો. ગામમાં દુષ્કર્મ જેવી ગંભીર ઘટના બાદ ઉજવણી ચાલી રહી હતી, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને આરોપી સુનીલ લોહરાને ધરપકડ કરી લીધી હતી.
ગુમલાના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
આ ઘટના ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા એક ગામની છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મોહનકુમારે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે ત્રણ વર્ષની બાળકી સાથે થયેલી ક્રૂર ઘટનાને પંચાયત મારફતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ગામના દબાણને કારણે મામલો પોલીસ સુધી પહોંચતો નહોતો. ત્યાર બાદ ઘાઘરા પોલીસ ગામે પહોંચી, પીડિતાની માતાના નિવેદનને આધારે FIR નોંધાવી અને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીએ બાળકીના ઘરમાં જ કર્યો હતો બળાત્કાર
શનિવારે સાંજે લગભગ ચાર વાગ્યે સુનીલ લોહરા પીડિતાના ઘરે પહોંચ્યો. તે સમયે ઘરમાં મહિલા પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે હતી. સુનીલે મહિલાને કહ્યું હતું કે તમારી દીકરી મને આપો, હું તેને સંભાળી લઉં, તમે તમારું કામ કરો. ત્યાર બાદ તે બાળકી ને લઈને એક રૂમમાં ગયો, જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું.

શરમજનક ઘટનાને દબાવવાનો પ્રયાસ
જ્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં રડવા લાગી, ત્યારે તેની માતા દોડી આવી. ત્યાર બાદ મામલો પંચાયત સુધી પહોંચ્યો. પંચાયતના કેટલાક સભ્યોએ ઘટનાને ગામમાં જ દબાવી દેવાની યોજના બનાવી. સૌપ્રથમ બાળકીની સારવાર એક ખાનગી ડોક્ટર પાસે કરાવવામાં આવી. ત્યાર બાદ રવિવારે ગામમાં બેઠક યોજાઈ, જેમાં કેસને દબાવવા માટે આરોપી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો હતો.






