જ્ઞાનવાપી, મથુરા અને સંભલ મસ્જિદઃ SCના સમાધાનનો બંને પક્ષનો ઇનકાર

નવી દિલ્હી: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ જમીન વિવાદ અને ઉત્તર પ્રદેશના સંભલ જમા મસ્જિદ વિવાદમાં હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતી આધારિત વિવાદ નિવારણ પ્રક્રિયામાં જોડાવાથી ઇનકાર કર્યો છે. બંને પક્ષોનું કહેવું છે કે આ મામલાઓનો નિકાલ કાનૂની આધાર પર અદાલત દ્વારા જ થવો જોઈએ. તેમને મતે આ મુદ્દો માત્ર એક સ્થળનો નહીં, પરંતુ સમગ્ર સમુદાય સાથે જોડાયેલો છે.

સુપ્રીમ કોર્ટનો પરસ્પર સહમતથી સમાધાનનો પ્રસ્તાવ

 
સુપ્રીમ કોર્ટ પ્રશાસને તાજેતરમાં ત્રણેય કેસોના તમામ પક્ષકારોને પત્ર મોકલી “સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મિડિયેટેડ એડજ્યુડિકેશન એન્ડ ડિસ્પ્યુટ્સ હાર્મોનાઇઝેશન એક્રોસ નેશન (સમાધાન સમારોહ-2026)” હેઠળ સમાધાન દ્વારા ઉકેલ શોધવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

બંને પક્ષોએ કહ્યું હતું કે  આવા સમાધાનમાં ભાગ નહીં લઈએ

આ પહેલનો સમાપન 21થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશેષ લોક અદાલતમાં થવાનો છે. જોકે હિંદુ પક્ષના અરજદારો તેમ જ ત્રણેય મસ્જિદોની વ્યવસ્થાપન સમિતિઓએ સુપ્રીમ કોર્ટ તથા સંબંધિત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળોને જાણ કરી છે કે તેઓ આ મધ્યસ્થી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતા નથી.

લોક અદાલત કે મધ્યસ્થી દ્વારા સમાધાન યોગ્ય નથીઆ મામલાઓ સાથે જોડાયેલા વકીલો અને પક્ષકારોનું કહેવું છે કે ધાર્મિક સ્થળોના માલિકી હક, બંધારણીય અધિકારો અને વ્યાપક જનહિત સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મુદ્દાઓનો નિર્ણય અદાલત દ્વારા જ થવો જોઈએ, લોક અદાલત અથવા મધ્યસ્થી દ્વારા નહીં. મસ્જિદ વ્યવસ્થાપન સમિતિઓના પ્રતિનિધિઓએ પણ જણાવ્યું હતું કે તેઓ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના પક્ષમાં છે, પરંતુ આ કેસોને મધ્યસ્થી માટે મોકલવા ઇચ્છતા નથી.

લોક અદાલતમાં જવાની શક્યતા લગભગ ખતમ
સૂત્રોના જણાવ્યાનુસાર બંને પક્ષોના આ વલણ બાદ હવે આ ચર્ચિત કેસો ઓગસ્ટમાં યોજાનારી વિશેષ લોક અદાલતમાં સામેલ થાય તેવી શક્યતા લગભગ નથી.

હવે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટને કરવો પડશે
આ માટે સુપ્રીમ કોર્ટે એક ઓનલાઈન પોર્ટલ અને કેન્દ્રીય સંકલન વ્યવસ્થા પણ સ્થાપિત કરી છે. ત્રણેય વિવાદોમાં વ્યાપક કાનૂની અને બંધારણીય પ્રશ્નો સામેલ છે, જેમાં 1991ના પૂજા સ્થળ અધિનિયમની વ્યાખ્યા અને તેની લાગુ પડતી મર્યાદા સંબંધિત મુદ્દાઓ પણ સામેલ છે. આ તમામ મામલાઓ પર અંતિમ નિર્ણય હાલમાં સુપ્રીમ કોર્ટમાં બાકી છે.