(મયંક રાવલ)
પંચાંગ 22/10/2020
ટ્રેન ભાડામાં વધારા અંગે રેલવે તંત્રની સ્પષ્ટતા
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તહેવારો ચાલતા હોવાને કારણે સ્પેશિયલ ટ્રેનોનાં ભાડાંમાં વધારો કર્યાના અહેવાલોનું ખંડન કર્યું છે. રેલવેના જણાવ્યા મુજબ તહેવારોના સમયે પેસેન્જર ભાડામાં વધારાના સમાચારો સંપૂર્ણ રીતે ભ્રામક અને ખોટા છે. જોકે કેટલાક મિડિયા અહેવાલોમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે રેલવેએ તહેવારોની સીઝનમાં પેસેન્જરોની મજબૂરીનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે અને એણે જે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું એલાન કર્યું છે, એના માટે ભાડાંમાં 10 ટકાથી 30 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ ન્યૂઝ વિશે રેલવેએ ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી, જ્યારે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું.
ભારતીય રેલવેએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના નામે ટ્રેન ભાડાં વધારવાના સમાચારો પર નિવેદન જારી કરીને ખંડન કર્યું છે. રેલવે દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેસ્ટિવલ સીઝનમાં રેલવે પેસેન્જર ભાડાંમાં વધારા સંબંધિત સમાચારો ભ્રામક અને ખોટા છે. નિયમો મુજબ તહેવારોની સીઝન, ગરમીઓની રજાઓવાળી સીઝનમાં ભારે માગ દરમ્યાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોનાં ભાડા અલગ હોય છે અને ટાઇમ ટેબલને હિસાબે ચાલતી નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી ઊંચાં હોય છે.
રેલવેએ આ વર્ષે 20 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનનું એલાન કર્યું છે. આ ઘોષણાની સાથે એ પણ જણાવ્યું હતું કે આ ટ્રેનોનાં ભાડાં નિયમિત મે/એક્સપ્રેસ ટ્રેનોની તુલનાએ 10થી 30 ટકા વધુ હશે. આમ છતાં રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલને નામે પેસેન્જરો પાસેથી વધુ ભાડાં વસૂલી રહી છે. આ ટ્રેનો દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને પેસેન્જરોની ભારે ભીડને જોતાં કોલકાતા, પટના, વારાણસી, લખનઉ, સહિત દેશનાં કેટલાંક સ્ટેશનોની વચ્ચે ચલાવવામાં આવી રહી છે.
આ સિવાય રેલવે 666 નિમિત મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો 30 નવેમ્બર પછી નહીં દોડે. ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો માટે વધુ ભાડાં વસૂલવાના સમાચારો પર વિરોધ પક્ષની પાર્ટીઓ સવાલ પણ ઊભા કરવા લાગી હતી, જેમ કે કોંગ્રેસે એને નામે કેન્દ્ર સરકાર પર વધેલાં ભાડાવધારો તત્કાલ પાછો ખેંચવા માટે કહ્યું હતું. પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વધેલાં ભાડાં પરત ના ખેંચે, પણ એના પર સબસિડી અલગથી આપે, જેથી તહેવારોની સીઝનમાં સામાન્ય પેસેન્જર સરળતાથી ટ્રેન પ્રવાસ કરી શકે.
BSE ઈન્ડિયા-INX પર દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ
મુંબઈઃ ગુજરાતના ગાંધીનગર સ્થિત દેશના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ, ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX)ના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તાજેતરમાં 6.67 અબજ યુએસ ડોલર (આશરે રૂ.48,913 કરોડ)ના દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો હતો.
બીએસઈના ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડિંગ વોલ્યુમ 16 જાન્યુઆરી, 2017થી શરૂ થયા પછી ઝડપથી વધી રહ્યું છે. તેના દૈનિક સરેરાશ વોલ્યુમમાં ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર મહિનાની તુલનાએ 21.87 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં INX ઈન્ડિયા પરનું ચક્રવૃદ્ધિ ટર્નઓવર વધીને 1.19 ટ્રિલ્યન ડોલર થયું છે.એ જ પ્રમાણે મે મહિનામાં શરૂ કરવામાં આવેલા રૂપી ડેરિવેટિવ્ઝમાં 19 ઓક્ટોબર સુધીમાં 10 અબજ યુએસ ડોલરથી અધિકનાં કામકાજ થયાં છે અને ઈન્ડિયા INX ગિફ્ટ IFSC ખાતેના કામકાજના 78 ટકા બજાર હિસ્સા સાથે મોખરે રહ્યું છે.
ATMમાંથી એકવારમાં રૂ.5,000થી વધારે કાઢવા પર ચાર્જ?
નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં બેંક ગ્રાહકોને એક આંચકો લાગે એવી શક્યતા છે. હવે બેન્ક ATMમાંથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રોકડ કાઢવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડે એવી શક્યતા છે. અહેવાલો મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હજી આના પર વિચાર કરી રહી છે. જો તમે ATMથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રોકડ ઉપાડશો તો આ રકમ પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ATMમાંથી ઉપાડના નિયમોને આઠ વર્ષ પછી બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ નવા નિયમોમાં પાંચ વાર ATMમાંથી મફત ઉપાડની સુવિધા સામેલ નહીં હોય. તમારે અલગથી ચુકવણી કરવાની રહેશે. જો રૂ. 5000થી વધુ રકમ ઉપાડ પર લાગુ થશે.
રૂ. 5000થી વધુ રોકડ ઉપાડ પર રૂ. 24નો ચાર્જ
અહેવાલ મુજબ ATMમાંથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રૂપિયા ઉપાડવા પર ગ્રાહકોએ રૂ. 24 ચાર્જ રૂપે વધારાના ચૂકવવા પડશે. ATMLથી હાલના નિયમો મુજબ રોકડ ઉપાડ મહિનામાં પાંચ વાર મફત થઈ શકશે. જો એક મહિનામાં પાંચ વારથી વધુ રોકડ ઉપાડ કરવામાં આવે તો છઠ્ઠા ઉપાડ પર રૂ. 20 ચાર્જ ચૂકવવો પડે છે.
RBIની સમિતિની ભલામણ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એક સમિતિ દ્વારા ભલામણોને આધારે ATMમાંથી રોકડ ઉપાડ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જોકે આ અહેવાલ જાહેર નથી કરવામાં આવ્યો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) હેઠળ માગવામાં આવેલી માહિતીમાં આ જાણકારી આપવામાં આવી છે.

અહેવાલ RBIને ગયા ઓક્ટોબરમાં સોંપાયો
રિઝર્વ બેન્કના ATM ચાર્જની સમીક્ષા માટે રચાયેલી સમિતિએ ભલામણો કરી હતી. જને આધારે બેન્ક આઠ વર્ષ પછી ATM ચાર્જમાં ફેરફાર કરી શકે છે. RTIમાં અપાયેલી માહિતી અનુસાર રિઝર્વ બેન્ક સમિતિએ રોકડ ઉપાડ (કેશ વિથડ્રોઅલ)ને ઓછો કરવાનું સૂચન કર્યું હતું. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન્સના CEO વીજી કન્નને રોકડ ઉપાડની આદતને ઓછી કરવા માટે અહેવાલ સુપરત કર્યો હતો. તેમણે 22 ઓક્ટોબર, 2019એ રિઝર્વ બેન્કને આ અહેવાલ સોંપ્યો હતો. જોકે એ જાહેર કરવામાં નહોતો આવ્યો. RTI કાર્યકર્તા શ્રીકાંત એલે RTI હેઠળ રિઝર્વ બેન્કથી આ સંબંધે માહિતી માગી હતી.
સી પ્લેનની ઉડાન પૂર્વે રિવરફ્રન્ટના માર્ગોની સજાવટ શરૂ
અમદાવાદઃ રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે. શહેરના ચંદ્રનગર વાસણા પાસે આવેલા બ્રિજ નીચેના ભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પૂર્વે રંગરોગાન પુરજોશમાં ચાલી રહ્યું છે.
સાબરમતી પરના રિવરફ્રન્ટને સી પ્લેન રૂપે એક નવું આકર્ષણ મળવાનું છે. નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કની એકદમ નજીક સી પ્લેન માટેનું કાર્યાલય અને જેટી તૈયાર કરવામાં આવી છે. સી પ્લેનની અમદાવાદથી કેવડિયાની ઉડાન અને નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના ડિવાઇડરનું રંગરોગાન ઝડપી કરવામાં આવી રહ્યું છે. ઉસ્માનપુરા, પાલડી, વાસણા પાસેના રિવરફ્રન્ટના ડિવાઇડર પર મોટી સંખ્યામાં કલરકામના કારીગરો કામ કરી રહ્યા છે.
સી પ્લેનની જેટી નજીક આવેલા બાબા સાહેબ આંબેડકર બ્રિજ નીચેની જગ્યાઓને સ્વચ્છ કરી સુંદરતા આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. વૃક્ષ, વેલા અને છોડને પણ કારીગરો આકાર આપી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
મહારાષ્ટ્રઃ બળવાખોર ખડસેએ આખરે ભાજપ છોડ્યું, એનસીપીમાં જોડાશે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે. એના સિનિયર નેતા એકનાથ ખડસેએ પાર્ટીને છોડી દીધી છે અને હવે તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાવાના છે. ભાજપના રાજ્ય એકમથી નારાજ થયેલા ખડસેએ પાર્ટી છોડી દેવાનો આખરે નિર્ણય લીધો છે.
અહેવાલો અનુસાર, ખડસે આવતા શુક્રવારે બપોરે એનસીપીમાં વિધિસર પ્રવેશ કરશે. આ જાહેરાત એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કરી છે.
અધર બેકવર્ડ ક્લાસ (OBC) નેતા ખડસેની વિદાયથી ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો પડવાની સંભાવના છે. જળગાંવ જિલ્લાના ખડસેની રાજકીય કારકિર્દી 1987માં શરૂ થઈ હતી. એ પહેલા કોઠાડી ગામના સરપંચ બન્યા હતા. ત્યારબાદ 1989ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર મુક્તાઈનગર બેઠક પરથી પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1995માં જ્યારે ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકાર મહારાષ્ટ્રમાં રચાઈ હતી ત્યારે ખડસે નાણાં અને સિંચાઈ પ્રધાન નિમાયા હતા. 2009-2014 સુધી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીની સંયુક્ત સરકાર હતી અને ખડસે વિધાનસભામાં વિપક્ષી નેતા હતા. 2015માં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખડસેને મહેસુલ પ્રધાન બનાવ્યા હતા. પરંતુ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપ થવાને કારણે 2016ની 3 જૂને એમણે તે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખડસેને ટિકિટ આપી નહોતી. એને કારણે તે પાર્ટીથી નારાજ થયા હતા. પાર્ટીએ એને બદલે ખડસેના પુત્રી રોહિણી ખડસેને ટિકિટ આપી હતી, પરંતુ ચૂંટણીમાં રોહિણીનો શિવસેનાના નેતા સામે પરાજય થયો હતો. 2019 સુધી એકનાથ ખડસે મુક્તાઈનગર બેઠક પરથી સતત છ વાર ચૂંટાયા હતા.
ખડસે ભાજપ છોડી દેશે એવી ઘણા મહિનાઓથી ચર્ચા હતી. એ એનસીપીમાં જોડાય એવી પણ ચર્ચા હતી. રાજ્યના ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા અનિલ દેશમુખ સાથે એમણે ગુફતેગુ કર્યા બાદ અટકળોએ જોર પકડ્યું હતું. આજે પત્રકાર પરિષદમાં જયંત પાટીલની જાહેરાત સાથે એ અટકળોનો અંત આવી ગયો છે.
ખડસેની સાથે ભાજપના 10-15 વિધાનસભ્યો પણ એનસીપીમાં જોડાય એવી ધારણા છે.
મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે, જેને મહાવિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ પર ખડસેનો ફરી આરોપ
ખડસેએ આજે પત્રકાર પરિષદમાં ફરી એવો આરોપ મૂક્યો હતો કે ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમનું જીવન બરબાદ કરી નાખ્યું છે. એમણે કહ્યું કે હું ભાજપમાં માત્ર દેવેન્દ્ર ફડણવીસથી જ નારાજ છું. પક્ષે તો મને ઘણું બધું આપ્યું છે.
દરમિયાન, ફડણવીસે કહ્યું છે કે ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કે નહીં એની મને હજી જાણકારી નથી. જો એમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હોય તો એ વિષય પ્રદેશ પ્રમુખ (ચંદ્રકાંત પાટીલ)નો છે. ખડસે ભાજપમાંથી છૂટા ન થાય એ માટે અમારા પ્રદેશ પ્રમુખે ઘણા પ્રયાસો કર્યા છે.
અનુપમ ખેર ફરી અમેરિકા રહેવા જતા રહેશે
મુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર ફરી ન્યૂયોર્કમાં રહેવા જવાના છે. ભારતમાં (મુંબઈમાં) આઠ મહિના રહ્યા બાદ પાછા ફરતા પહેલાં એમણે સોશિયલ મિડિયા પર એમના બે મિત્ર – અનિલ કપૂર અને સતિષ કૌશિકનો આભાર માન્યો છે.
એમણે એમ કહીને અનિલ કપૂર અને કૌશિકનો આભાર માન્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે એમને આઠ મહિના મુંબઈમાં અટવાઈ જવું પડ્યું. આ મુશ્કેલ સમયગાળા દરમિયાન મિત્રો તરફથી મળેલા સહકાર બદલ એમણે તેમનો આભાર માન્યો છે.
ખેરે એમના આ બંને મિત્ર માટે ઈન્સ્ટાગ્રામ પર લાગણીભરી એક નોંધ પોસ્ટ કરી છે. એમાં તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એમના આ બંને મિત્રને પોતાના પરિવારજન જેવા ગણાવ્યા છે.
પોતાની પોસ્ટમાં ત્રણેય મિત્રોની સાથે તસવીરો શેર કરીને એમણે લખ્યું છે કે પોતે અમેરિકા જશે, પણ ત્યાં એમને આ બે મિત્રોની ખોટ ખૂબ જ સાલશે. લોકડાઉનના 8 મહિનાનો સમયગાળાને સરળ અને યાદગાર બનાવવા બદલ આ બંને મિત્રોનો આભાર.
એમણે લખ્યું છે કે અનિલ અને સતિષના સહકારને કારણે કોરોનાસંકટના મહિનાઓમાં એમનું જીવન જીવવું સરળ બની રહ્યું છે.
ખેરે લખ્યું છે કે સતિષ કૌશિક સાથે એમની મિત્રતા 45 વર્ષ જૂની છે.
સતિષ કૌશિકે પણ અનુપમ ખેરને જવાબમાં લખ્યું છે કે તમારી સાથેના 8 મહિના ઘણા સરસ રહ્યા. આપણે ઘણા મહત્ત્વના વિષયો પર ચર્ચા કરી. ભોપાલમાં આપણે બંનેએ ‘ધ લાસ્ટ શો’ ફિલ્મના શૂટિંગમાં ભાગ પણ લીધો હતો. તે આપણી મિત્રતાનું સૌથી મોટું પ્રતીક બની રહેશે.
ખેરે ભારતમાં સૌથી લાંબો સમય સુધી જોવાયેલી હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મે 20 ઓક્ટોબરે રિલીઝ થયાના 25 વર્ષ પૂરા કર્યા છે.
‘ચીન વિશે મોદી કેમ કંઈ બોલ્યા નહીં?’
નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ચીનના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું ચાલુ રાખ્યું છે અને મોદી સરકાર પર ફરી પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ચીને ભારતની 1200 સ્ક્વેર કિ.મી. જમીન પર કબજો કરી લીધો છે. છતાં ભારતમાતાની આ જમીન વિશે કહેવા માટે વડા પ્રધાન મોદી પાસે કેમ એક પણ શબ્દ કેમ નથી? એવો તેમણે સવાલ કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન ચીનનું નામ કેમ નથી લઈ રહ્યા? કેમ કે તેઓ નથી ઇચ્છતા કે દેશના લોકોનું ધ્યાન એના પર જાય કે ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે.
#WATCH PM चीन का नाम नहीं ले रहे हैं क्योंकि वो नहीं चाहते कि देश के लोगों का ध्यान इस पर जाए कि चीन ने हमारी ज़मीन पर कब्ज़ा कर लिया है। चीन ने हमारी 1200 स्क्वायर किलोमीटर ज़मीन पर कब्ज़ा किया है। PM के पास भारत माता की ज़मीन पर कहने के लिए एक भी शब्द क्यों नहीं है:राहुल गांधी https://t.co/k2tl1QPHsC pic.twitter.com/pwfvURzW5d
— ANI_HindiNews (@AHindinews) October 21, 2020
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે છ કલાકે રાષ્ટ્રને સંબોધન પહેલાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને દેશને જણાવવું જોઈએ કે કઈ તારીખ સુધીમાં ચીની સૈનિકોને ભારતીય સીમાથી બહાર હાંકી કાઢવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘આદરણીય વડા પ્રધાન, છ કલાકના સંબોધનમાં દેશને જણાવજો કે કઈ તારીખે ચીનને ભારતીય ક્ષેત્રથી બહાર ખદેડી કાઢશો. ધન્યવાદ.’
ભારત અને ચીન વચ્ચે છેલ્લા આશરે છ મહિનાથી સરહદ પર તણાવ છે. આ ટેન્શન ઓછું કરવા માટે બંને દેશોની વચ્ચે રાજકીય અને સૈન્ય સ્તરે કેટલીય બેઠકો થઈ ચૂકી છે. બંને દેશોની સીમા પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત છે.
વડા પ્રધાને ગઈ કાલે શું કહ્યું?
કોવિડ-19 રોગચાળો ફેલાયા પછી સાતમા રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું કે લોકડાઉન ભલે પૂરું થઈ ગયું હોય, પણ કોરોના વાઇરસ ખતમ નથી થયો. વડા પ્રધાન મોદીએ આગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી રોગચાળાની વેક્સિન ન આવે ત્યાં સુધી આ બીમારી સામે દેશની લડાઈને નબળી પડવા દેવાની નથી.
ટ્રમ્પ કે બાઈડન? ભારતીય-અમેરિકન હિન્દુ મતદારો વિભાજિત
વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે હવે માત્ર બે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહી ગયો છે અને કેટલાક રાજ્યોમાં તો મતદાનની પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હિન્દુ સમર્થકો અને એમના હરીફ ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડનના હિન્દુ સમર્થકોમાં મોટું રાજકીય વિભાજન થઈ ગયું છે.
અમેરિકામાં હિન્દુઓનું રાજકીય મહત્ત્વ ઘણું વધી ગયું છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ અને બાઈડનના પ્રચારકાર્યોમાં દેશમાં વસતા હિન્દુ મતદારોને રિઝવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બંને નેતાએ એમનો ચૂંટણી પ્રચાર ગયા ઓગસ્ટ મહિનાથી શરૂ કરી દીધો છે.
અમેરિકામાં આશરે 20 લાખ જેટલા હિન્દુ લોકો વસતા હોવાનો અંદાજ છે.
ગયા રવિવારે ટ્રમ્પ અને બાઈડનના અમેરિકન-હિન્દુ સમર્થકો વચ્ચે એક વર્ચ્યુઅલ જાહેર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના પરથી માલૂમ પડ્યું હતું કે અમેરિકામાં હિન્દુ સમાજ આ બંને નેતાઓમાં વિભાજિત થઈ ગયો છે.
‘2020 પ્રમુખપદની ચૂંટણી: અમેરિકાના હિન્દુ પ્રશ્નો અંગેની ડીબેટ’ વિષય તે વેબિનારમાં એક જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે બાઈડન તો મુસ્લિમો પાછળ ઘેલા છે, તો બીજા જૂથે એવો આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ તો જાતિવાદી છે.
મુંબઈમાં મહિલાઓને મોટી રાહતઃ લોકલ ટ્રેનમાં પ્રવાસ ફરી શરૂ…

























