ટ્રેન ભાડામાં વધારા અંગે રેલવે તંત્રની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તહેવારો ચાલતા હોવાને કારણે સ્પેશિયલ ટ્રેનોનાં ભાડાંમાં વધારો કર્યાના અહેવાલોનું ખંડન કર્યું છે. રેલવેના જણાવ્યા મુજબ તહેવારોના સમયે પેસેન્જર ભાડામાં વધારાના સમાચારો સંપૂર્ણ રીતે ભ્રામક અને ખોટા છે. જોકે કેટલાક મિડિયા અહેવાલોમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે રેલવેએ તહેવારોની સીઝનમાં પેસેન્જરોની મજબૂરીનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે અને એણે જે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું એલાન કર્યું છે, એના માટે ભાડાંમાં 10 ટકાથી 30 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ ન્યૂઝ વિશે રેલવેએ ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી, જ્યારે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું.

ભારતીય રેલવેએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના નામે ટ્રેન ભાડાં વધારવાના સમાચારો પર નિવેદન જારી કરીને ખંડન કર્યું છે. રેલવે દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેસ્ટિવલ સીઝનમાં રેલવે પેસેન્જર ભાડાંમાં વધારા સંબંધિત સમાચારો ભ્રામક અને ખોટા છે. નિયમો મુજબ તહેવારોની સીઝન, ગરમીઓની રજાઓવાળી સીઝનમાં ભારે માગ દરમ્યાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોનાં ભાડા અલગ હોય છે અને ટાઇમ ટેબલને હિસાબે ચાલતી નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી ઊંચાં હોય છે.

રેલવેએ આ વર્ષે 20 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનનું એલાન કર્યું છે. આ ઘોષણાની સાથે એ પણ જણાવ્યું હતું કે આ ટ્રેનોનાં ભાડાં નિયમિત મે/એક્સપ્રેસ ટ્રેનોની તુલનાએ 10થી 30 ટકા વધુ હશે. આમ છતાં રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલને નામે પેસેન્જરો પાસેથી વધુ ભાડાં વસૂલી રહી છે. આ ટ્રેનો દુર્ગા પૂજા, દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજાને ધ્યાનમાં રાખીને પેસેન્જરોની ભારે ભીડને જોતાં કોલકાતા, પટના, વારાણસી, લખનઉ, સહિત દેશનાં કેટલાંક સ્ટેશનોની વચ્ચે ચલાવવામાં આવી રહી છે.

આ સિવાય રેલવે 666 નિમિત મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનો 30 નવેમ્બર પછી નહીં દોડે. ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો માટે વધુ ભાડાં વસૂલવાના સમાચારો પર વિરોધ પક્ષની પાર્ટીઓ સવાલ પણ ઊભા કરવા લાગી હતી, જેમ કે કોંગ્રેસે એને નામે કેન્દ્ર સરકાર પર વધેલાં ભાડાવધારો તત્કાલ પાછો ખેંચવા માટે કહ્યું હતું. પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વધેલાં ભાડાં પરત ના ખેંચે, પણ એના પર સબસિડી અલગથી આપે, જેથી તહેવારોની સીઝનમાં સામાન્ય પેસેન્જર સરળતાથી ટ્રેન પ્રવાસ કરી શકે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]