શાહનવાઝ, રૂડીને કોરોના થયોઃ બિહાર ચૂંટણીપ્રચારમાં અવરોધ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બધી પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપ માટે માઠા સમાચાર છે. ભાજપના બે મોટા સ્ટાર પ્રચારક નેતા શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી કોરોના સંક્રમિત થયા છે. આ સાથે ઉપ મુખ્ય પ્રધાન સુશીલ મોદી અને આરોગ્યપ્રધાન મંગલ પાંડેની તબિયત પણ ઠીક નથી. જોકે સુશીલ મોદીનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે, પણ આ બંને નેતાઓએ પોતાને હાલ આઇસોલેટ કરી લીધા છે.

ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી

કોરોના સંકટની વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ યોજવામાં આવી રહી છે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે છે. પહેલા તબક્કામાં 16 જિલ્લાઓની 71 સીટો પર મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 17 જિલ્લાઓમાં 94 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં 15 જિલ્લાઓમાં 78 સીટો પર મતદાતાઓ તેમના મદાધિકારનો ઉપયોગ કરશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

બિહારમાં અત્યાર સુધી 1019 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,08,238 થઈ ગઈ છે અને અત્યાર સુધી 1,96,208 લોકો ઠીક થઈ ચૂક્યા છે. 11,010 દર્દીઓની સારવાર ચાલી રહી છે. બિહારમાં 93,89,946 સેમ્પલોની તપાસ થઈ ચૂકી છે.

 વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર

બિહાર ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં બુધવારે 1411 ઉમેદવારો નામાંકન દાખલ કર્યું હતું. ત્રીજા તબક્કામાં 78 સીટો માટે સાત નવેમ્બરે મતદાન થવાનું છે. એના પહેલાં બીજા તબક્કામાં મતદાન ત્રીજી નવેમ્બરે છે. મત ગણતરી 10 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં કુલ 71 વિધાનસભા ક્ષેત્રો માટે 1066 ઉમેદવારો તથા બીજા તબક્કાની 94 સીટો માટે કુલ 1464 ઉમેદવારો મેદાનમાં છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]