‘ચીન વિશે મોદી કેમ કંઈ બોલ્યા નહીં?’

નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ચીનના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું ચાલુ રાખ્યું છે અને મોદી સરકાર પર ફરી પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ચીને ભારતની 1200 સ્ક્વેર કિ.મી. જમીન પર કબજો કરી લીધો છે. છતાં ભારતમાતાની આ જમીન વિશે કહેવા માટે વડા પ્રધાન મોદી પાસે કેમ એક પણ શબ્દ કેમ નથી? એવો તેમણે સવાલ કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન ચીનનું નામ કેમ નથી લઈ રહ્યા? કેમ કે તેઓ નથી ઇચ્છતા કે દેશના લોકોનું ધ્યાન એના પર જાય કે ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે.

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે છ કલાકે રાષ્ટ્રને સંબોધન પહેલાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને દેશને જણાવવું જોઈએ કે કઈ તારીખ સુધીમાં ચીની સૈનિકોને ભારતીય સીમાથી બહાર હાંકી કાઢવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘આદરણીય વડા પ્રધાન, છ કલાકના સંબોધનમાં દેશને જણાવજો કે કઈ તારીખે ચીનને ભારતીય ક્ષેત્રથી બહાર ખદેડી કાઢશો. ધન્યવાદ.’

ભારત અને ચીન વચ્ચે છેલ્લા આશરે છ મહિનાથી સરહદ પર તણાવ છે. આ ટેન્શન ઓછું કરવા માટે બંને દેશોની વચ્ચે રાજકીય અને સૈન્ય સ્તરે કેટલીય બેઠકો થઈ ચૂકી છે. બંને દેશોની સીમા પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત છે.
વડા પ્રધાને ગઈ કાલે શું કહ્યું?

કોવિડ-19 રોગચાળો ફેલાયા પછી સાતમા રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું કે લોકડાઉન ભલે પૂરું થઈ ગયું હોય, પણ કોરોના વાઇરસ ખતમ નથી થયો. વડા પ્રધાન મોદીએ આગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી રોગચાળાની વેક્સિન ન આવે ત્યાં સુધી આ બીમારી સામે દેશની લડાઈને નબળી પડવા દેવાની નથી.