મહારાષ્ટ્રઃ બળવાખોર ખડસેએ આખરે ભાજપ છોડ્યું, એનસીપીમાં જોડાશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે. એના સિનિયર નેતા એકનાથ ખડસેએ પાર્ટીને છોડી દીધી છે અને હવે તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાવાના છે. ભાજપના રાજ્ય એકમથી નારાજ થયેલા ખડસેએ પાર્ટી છોડી દેવાનો આખરે નિર્ણય લીધો છે.

અહેવાલો અનુસાર, ખડસે આવતા શુક્રવારે બપોરે એનસીપીમાં વિધિસર પ્રવેશ કરશે. આ જાહેરાત એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કરી છે.

અધર બેકવર્ડ ક્લાસ (OBC) નેતા ખડસેની વિદાયથી ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો પડવાની સંભાવના છે. જળગાંવ જિલ્લાના ખડસેની રાજકીય કારકિર્દી 1987માં શરૂ થઈ હતી. એ પહેલા કોઠાડી ગામના સરપંચ બન્યા હતા. ત્યારબાદ 1989ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર મુક્તાઈનગર બેઠક પરથી પહેલી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1995માં જ્યારે ભાજપ-શિવસેનાની સંયુક્ત સરકાર મહારાષ્ટ્રમાં રચાઈ હતી ત્યારે ખડસે નાણાં અને સિંચાઈ પ્રધાન નિમાયા હતા. 2009-2014 સુધી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીની સંયુક્ત સરકાર હતી અને ખડસે વિધાનસભામાં વિપક્ષી નેતા હતા. 2015માં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખડસેને મહેસુલ પ્રધાન બનાવ્યા હતા. પરંતુ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપ થવાને કારણે 2016ની 3 જૂને એમણે તે પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ખડસેને ટિકિટ આપી નહોતી. એને કારણે તે પાર્ટીથી નારાજ થયા હતા. પાર્ટીએ એને બદલે ખડસેના પુત્રી રોહિણી ખડસેને ટિકિટ આપી હતી, પરંતુ ચૂંટણીમાં રોહિણીનો શિવસેનાના નેતા સામે પરાજય થયો હતો. 2019 સુધી એકનાથ ખડસે મુક્તાઈનગર બેઠક પરથી સતત છ વાર ચૂંટાયા હતા.

ખડસે ભાજપ છોડી દેશે એવી ઘણા મહિનાઓથી ચર્ચા હતી. એ એનસીપીમાં જોડાય એવી પણ ચર્ચા હતી. રાજ્યના ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા અનિલ દેશમુખ સાથે એમણે ગુફતેગુ કર્યા બાદ અટકળોએ જોર પકડ્યું હતું. આજે પત્રકાર પરિષદમાં જયંત પાટીલની જાહેરાત સાથે એ અટકળોનો અંત આવી ગયો છે.

ખડસેની સાથે ભાજપના 10-15 વિધાનસભ્યો પણ એનસીપીમાં જોડાય એવી ધારણા છે.

મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે, જેને મહાવિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસ પર ખડસેનો ફરી આરોપ

ખડસેએ આજે પત્રકાર પરિષદમાં ફરી એવો આરોપ મૂક્યો હતો કે ભાજપના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમનું જીવન બરબાદ કરી નાખ્યું છે. એમણે કહ્યું કે હું ભાજપમાં માત્ર દેવેન્દ્ર ફડણવીસથી જ નારાજ છું. પક્ષે તો મને ઘણું બધું આપ્યું છે.

દરમિયાન, ફડણવીસે કહ્યું છે કે ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કે નહીં એની મને હજી જાણકારી નથી. જો એમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો હોય તો એ વિષય પ્રદેશ પ્રમુખ (ચંદ્રકાંત પાટીલ)નો છે. ખડસે ભાજપમાંથી છૂટા ન થાય એ માટે અમારા પ્રદેશ પ્રમુખે ઘણા પ્રયાસો કર્યા છે.