સી પ્લેનની ઉડાન પૂર્વે રિવરફ્રન્ટના માર્ગોની સજાવટ શરૂ

અમદાવાદઃ રિવરફ્રન્ટ પરથી જ સી પ્લેનની સવારી શરૂ થશે અને સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાય એ સેવા શરૂ કરવામાં આવશે. શહેરના રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેનથી ઉડાન ભરશે. શહેરના ચંદ્રનગર વાસણા પાસે આવેલા બ્રિજ નીચેના ભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવે એ પૂર્વે રંગરોગાન પુરજોશમાં ચાલી રહ્યું છે. સાબરમતી પરના રિવરફ્રન્ટને સી પ્લેન રૂપે એક નવું આકર્ષણ મળવાનું છે. નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કની એકદમ નજીક સી પ્લેન માટેનું કાર્યાલય અને જેટી તૈયાર કરવામાં આવી છે. સી પ્લેનની અમદાવાદથી કેવડિયાની ઉડાન અને નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના ડિવાઇડરનું રંગરોગાન ઝડપી કરવામાં આવી રહ્યું છે. ઉસ્માનપુરા, પાલડી, વાસણા પાસેના રિવરફ્રન્ટના ડિવાઇડર પર મોટી સંખ્યામાં કલરકામના કારીગરો કામ કરી રહ્યા છે.

સી પ્લેનની જેટી નજીક આવેલા બાબા સાહેબ આંબેડકર બ્રિજ નીચેની જગ્યાઓને સ્વચ્છ કરી સુંદરતા આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. વૃક્ષ, વેલા અને છોડને પણ કારીગરો આકાર આપી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)