અનુપમ ખેર ફરી અમેરિકા રહેવા જતા રહેશે

મુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર ફરી ન્યૂયોર્કમાં રહેવા જવાના છે. ભારતમાં (મુંબઈમાં) આઠ મહિના રહ્યા બાદ પાછા ફરતા પહેલાં એમણે સોશિયલ મિડિયા પર એમના બે મિત્ર – અનિલ કપૂર અને સતિષ કૌશિકનો આભાર માન્યો છે.

એમણે એમ કહીને અનિલ કપૂર અને કૌશિકનો આભાર માન્યો છે કે કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે એમને આઠ મહિના મુંબઈમાં અટવાઈ જવું પડ્યું. આ મુશ્કેલ સમયગાળા દરમિયાન મિત્રો તરફથી મળેલા સહકાર બદલ એમણે તેમનો આભાર માન્યો છે.

ખેરે એમના આ બંને મિત્ર માટે ઈન્સ્ટાગ્રામ પર લાગણીભરી એક નોંધ પોસ્ટ કરી છે. એમાં તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એમના આ બંને મિત્રને પોતાના પરિવારજન જેવા ગણાવ્યા છે.

પોતાની પોસ્ટમાં ત્રણેય મિત્રોની સાથે તસવીરો શેર કરીને એમણે લખ્યું છે કે પોતે અમેરિકા જશે, પણ ત્યાં એમને આ બે મિત્રોની ખોટ ખૂબ જ સાલશે. લોકડાઉનના 8 મહિનાનો સમયગાળાને સરળ અને યાદગાર બનાવવા બદલ આ બંને મિત્રોનો આભાર.

એમણે લખ્યું છે કે અનિલ અને સતિષના સહકારને કારણે કોરોનાસંકટના મહિનાઓમાં એમનું જીવન જીવવું સરળ બની રહ્યું છે.

ખેરે લખ્યું છે કે સતિષ કૌશિક સાથે એમની મિત્રતા 45 વર્ષ જૂની છે.

સતિષ કૌશિકે પણ અનુપમ ખેરને જવાબમાં લખ્યું છે કે તમારી સાથેના 8 મહિના ઘણા સરસ રહ્યા. આપણે ઘણા મહત્ત્વના વિષયો પર ચર્ચા કરી. ભોપાલમાં આપણે બંનેએ ‘ધ લાસ્ટ શો’ ફિલ્મના શૂટિંગમાં ભાગ પણ લીધો હતો. તે આપણી મિત્રતાનું સૌથી મોટું પ્રતીક બની રહેશે.

ખેરે ભારતમાં સૌથી લાંબો સમય સુધી જોવાયેલી હિન્દી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મે 20 ઓક્ટોબરે રિલીઝ થયાના 25 વર્ષ પૂરા કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]