Home Blog Page 4570

દીપિકા પહોંચી JNU; હિંસા વિરુદ્ધના દેખાવોને આપ્યું સમર્થન…

બોલીવૂડ દીપિકા પદુકોણે 7 જાન્યુઆરી, મંગળવારે સાંજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ખાતે ગઈ હતી અને ગયા રવિવારે થયેલી હિંસામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરવા અને સંપ દર્શાવવા માટે શાંતિપૂર્ણ દેખાવોમાં હાજરી આપી હતી. તેણે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.


ગયા રવિવારે જેએનયૂમાં 12 જેટલા બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા અને ગર્લ્સ હોસ્ટેલ સહિત કેમ્પસમાં તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષા આઈશી ઘોષ સહિત 18 જણને ઈજા થઈ હતી.














ટોચના ઉદ્યોગપતિઓ CM ઉદ્ધવ ઠાકરેને મળ્યા…

રતન ટાટા, મુકેશ અંબાણી, ઉદય કોટક, એસ.પી. હિન્દુજા, આનંદ મહિન્દ્ર, હર્ષ ગોએન્કા, અદી ગોદરેજ, ગૌતમ સિંઘાનિયા, દીપક પારેખ, બાબા કલ્યાણી સહિત ટોચના ઉદ્યોગપતિઓ 7 જાન્યુઆરી, મંગળવારે મુંબઈમાં સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. આ બેઠક મહારાષ્ટ્ર રાજ્યના આર્થિક વિકાસમાં તેજી લાવવા અને રાજ્યના અર્થતંત્રને 2025ની સાલ સુધીમાં ટ્રિલિયન ડોલરના સપનાને સાકાર કરવામાં ઉદ્યોગજગતનો સહયોગ મેળવવા અંગેની હતી. આ બેઠકનું આયોજન અગ્રગણ્ય ઉદ્યોગ સંસ્થા CIIના સહયોગમાં કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા ગઠબંધન ‘મહાવિકાસ આઘાડી’ની સરકાર છે.

મુખ્ય પ્રધાન બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આ પહેલી જ વાર ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી હતી.

બેઠકમાં ઠાકરેએ રાજ્યના વિકાસ માટે પોતાની સરકારની ભૂમિકાની રજૂઆત કરી હતી અને વર્તમાન આર્થિક સ્થિતિ તેમજ આર્થિક વિકાસ અંગે ઉદ્યોગપતિઓ પાસેથી એમના વિચારો જાણ્યા હતા.

આ બેઠકમાં મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશના આર્થિક વિકાસમાં મહારાષ્ટ્ર રાજ્યનું મોટું યોગદાન રહ્યું છે. દેશના GDP દરમાં મહારાષ્ટ્રનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આમાં ઉદ્યોગ ક્ષેત્રનો મોટો હિસ્સો છે.

નાના પાટેકરનાં વકીલે કેસને લગતા પુરાવાનો નાશ કર્યો છેઃ તનુશ્રી દત્તાનો આરોપ

મુંબઈ – પોતાની સાથે જાતીય ગેરવર્તન કર્યાનો બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર ઉપર આરોપ મૂક્યો છે. આ પ્રકરણ હજી કાનૂની સ્તરે છે. મુંબઈની કોર્ટે તનુશ્રીએ કરેલા કેસમાં 17 જાન્યુઆરીએ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

તનુશ્રી તેનાં વકીલ નીતિન સાતપુતેની સાથે આજે અહીં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થઈ હતી.

પત્રકાર પરિષદમાં તનુશ્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે છેડતીનો કેસ પાછો ખેંચી લેવા માટે નાના પાટેકરના વકીલ નિલેશ પાવસકર મારી પર દબાણ કરી રહ્યા છે. 2005ની સાલથી મેં નાના પાટેકર વિરુદ્ધ કરેલા કેસની વિગતોનો પાવસકરે નાશ કરી દીધો છે.

જોકે તનુશ્રીનાં વકીલ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એક મહિલા વિરુદ્ધ અભદ્ર ભાષાનો કથિતપણે ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે સાતપુતે સામે ફરિયાદ નોંધી હતી.

ફરિયાદી મહિલા 47 વર્ષની છે. બાન્દ્રા (ઈસ્ટ)ના ખેરવાડી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એણે એવો આક્ષેપ કર્યો છે કે પોતાનો વિનયભંગ કરવાના ઈરાદા સાથે સાતપુતેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એ ઘટના ગઈ બીજી નવેંબરે થઈ હતી જ્યારે બાળકો માટેનું એક ઉદ્યાન બાંધવાના મુદ્દે મહિલાને સાતપુતે સાથે બોલાચાલી થઈ હતી. મહિલાનો આરોપ છે કે સાતપુતેએ પોતાને મોબાઈલ પર ફોન કર્યો હતો અને એને ગાળો આપી હતી. એને પગલે મહિલાએ ગઈ 4 નવેંબરે મહારાષ્ટ્ર મહિલા પંચમાં ફરિયાદ નોંધાવી હતી. એને પગલે પોલીસે સાતપુતે સામે આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે એ મહિલાએ સાતપુતે સામે ખોટી ફરિયાદ કરી હતી તેથી પોલીસે એ મહિલા તથા એક અન્ય શખ્સની ધરપકડ કરી હતી.

ઈરાનની સંસદમાં સુલેમાનીનો બદલો લેવા કરાયો સંકલ્પ

તેહરાન: ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલી હત્યા પછી હવે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે. ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે ઈરાનની સંસદમાં અમેરિકન સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન થયું. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો. અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓ એકબીજા પર આકરા નિવેદન કરી રહ્યા છે.

ઈરાની મીડિયા અનુસાર, સંસદમાં બિલ પાસ થયા પહેલા અમેરિકા અને ઈઝરાયલની સખ્ત નિંદા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા-ઈઝરાયલને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો. આ અગાઉ પાંચ જાન્યુઆરીએ સંસદમાં સાંસદોએ અમેરિકાની મોતના નારા લગાવ્યા હતા. સોમવારે સુલેમાનીની અંતિમ યાત્રા દરમ્યાન લોકોના ટોળાં તેહરાનના રસ્તાઓ પર ઉતરી આવ્યા. હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચેલા આ લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી.

તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક નિવાસીએ તેમના કમાન્ડરના પોસ્ટર લઈને આવ્યા હતા અને જોર જોરથી નારા લગાવ્યા હતા. તેમના કમાન્ડરને અંતિમ વિદાઈ આપતી વખતે દેશના સર્વોચ્ચ નેતા ખામનેઈ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. નમાઝ દરમ્યાન પણ તેમનો અવાજ અનેક વખત રુંધાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બગદાદ આંતરાષ્ટ્રીય વિમાનમથક પર અમેરિકાએ ડ્રોન વડે હુમલો કર્યો હતો જેમાં સુલેમાનીનું મોત થયું હતું. હુમલો ઈરાન માટે મોટા ઝટકા સમાન છે અને પશ્ચિમ એશિયામાં નવા સ્તર પર યુદ્ધની આશંકાઓને પ્રોત્સાહન મળ્યું છે. ઈરાને 2015 પરમાણુ સમજૂતીમાંથી છૂટા પડવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અને વખત કહી ચૂક્યા છે કે, ઈરાન અમેરિકન પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડશે તો તેમને કડક વલણ દાખવી જવાબ આપવામાં આવશે.

દિલ્હીની નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરી ફાંસી

નવી દિલ્હીઃ વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચારેય દોષીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન મીડિયાને બહાર રાખવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા આપવામાં આવી ચુકી છે.

ચારેય આરોપીઓને ફાંસીને સજાના એલાન બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે અમારા માટે ખુબ મોટો દિવસ છે. અમે છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યાં હતા. નિર્ભયાના માતાએ કહ્યું કે, ઝડપથી ચારેય આરોપીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે.

પટિયાલા હાઉસ કૉર્ટમાં દોષિતોનાં વકીલે દલીલ કરી કે તેઓ પોતાના ક્લાયન્ટને નથી મળી શક્યા. દોષિતોનાં વકીલે દાવો કર્યો કે તેમના ક્લાયન્ટને જેલમાં ટૉર્ચર કરવામાં આવ્યા છે. નિર્ભયાનાં દોષિતોએ કૉર્ટમાં નવી અરજી દાખલ કરી છે. દોષિતોનાં વકીલે કહ્યું કે, “તેમના ક્લાયન્ટ ક્યૂરેટિવ પિટિશન દાખ કરવા ઇચ્છે છે.” દોષિ મુકેશ તરફથી રજૂ થયેલા વકીલ એમ.એલ. શર્માએ કહ્યું કે, “તેમનો ક્લાયન્ટ સુપ્રીમ કૉર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા ઇચ્છે છે. તિહાડ જેલ ઑથોરિટીની રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે.”

કૉર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાનાં પરિવારે કૉર્ટથી માગ કરતા કહ્યું કે, “તમામ ચારેય દોષિઓની વિરુદ્ધ જલદીથી જલદી ડેથ વૉરંટ જાહેર કરી દેવામાં આવે.” નિર્ભયાનાં માતાનાં વકીલે કહ્યું કે, “ડેથ વૉરંટ બાદ પણ દોષિતોની પાસે તક હશે. દોષિતોની કોઈપણ અરજી ક્યાંય પણ પેન્ડિંગ નથી. આ કારણે કૉર્ટ ડેથ વૉરંટ જાહેર કરી શકે છે.” સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, “નિષ્ણાતો અરજીની વિરુદ્ધ છે. સરકારી વકીલે કહ્યું કે દોષી ફક્ત ટાળવાની વાત કરે છે.”

ચાર-દિવસની ટેસ્ટ મેચનો આઈડિયાઃ કોહલી, તેંડુલકર સાથે ઈરફાન પઠાણ અસહમત

વડોદરા – ટેસ્ટ મેચોને પાંચને બદલે ચાર-ચાર દિવસની કરવા અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક વિચાર તાજેતરમાં વહેતો મૂક્યો છે. એનો પ્રસ્તાવ છે કે 2023થી 2031ની સાલ સુધીના સમયગાળામાં દરેક ટેસ્ટ મેચને ચાર-દિવસની કરવી જોઈએ. એણે આ વિશે ક્રિકેટ રમતાં દેશોના આગેવાનો પાસેથી પ્રતિસાદ મગાવ્યા છે.

ભારત સહિત અનેક દેશમાંથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી, સચીન તેંડુલકર, ગૌતમ ગંભીર, રિકી પોન્ટિંગ તથા બીજા ઘણાં આ પ્રસ્તાવ સાથે સહમત થયા નથી.

આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. એ કોહલી તથા અન્ય મહારથીઓથી અલગ વિચાર ધરાવે છે.

કોહલીએ કહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં વધુ પડતા ફેરફારો કરવાની જરૂર નથી.

પરંતુ ઈરફાન પઠાણે કહ્યું છે કે ટેસ્ટ મેચમાં એક દિવસ ઘટાડીને એને ચાર-દિવસની કરવાથી પ્રક્રિયા પરિણામલક્ષી બની રહેશે. મેચમાં પરિણામની શક્યતા વધી જશે, એવો પઠાણના કહેવાનો અર્થ છે.

એક મુલાકાતમાં પઠાણે વધુમાં કહ્યું કે, હું તો છેલ્લા અમુક વર્ષોથી કહેતો જ આવ્યો છું કે ટેસ્ટ મેચોને ચાર-દિવસની જ કરી દેવી જોઈએ. આપણે ભારતમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં ચાર-દિવસવાળી મેચો જ રમીએ છીએ. એમાં આપણને પરિણામો મળે છે. તો આ કોન્સેપ્ટને ટેસ્ટ મેચોમાં શા માટે અપનાવવો ન જોઈએ? એ વાત ખરી છે કે આજકાલ ટેસ્ટમેચોમાં પરિણામ આવતા થયા છે, પરંતુ જો ટેસ્ટ મેચો ચાર-દિવસની જ હશે તો દરેક મેચમાં પરિણામ આવી શકશે. હું તો ચાર-દિવસની ટેસ્ટમેચના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું.

વડોદરાનિવાસી અને 35 વર્ષીય ઈરફાન પઠાણ હાલમાં જ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ચાર-દિવસની ટેસ્ટમેચની અજમાયશ કરવામાં આવી હતી. 2017ના વર્ષના અંતભાગમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી એ 4-દિવસની હતી જ્યારે 2019ના પ્રારંભમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે ચાર-દિવસની ટેસ્ટ મેચ રમાઈ હતી.

હિંસા જેએનયુમાં થઇ અને અનિલ કપૂરને આખી રાત ઊંઘ ન આવી

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલા હુમલાઓને બોલીવુડની હસ્તીઓએ પણ વખોડી કાઢ્યો છે. આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રાજકુમાર રાવ સહિતની હસ્તીઓએ હુમલાને ‘ભયાનક’, ‘દુઃખદ’ની સાથે ‘બર્બર’ કૃત્ય સમાન ગણાવ્યો છે. આ સાથે તમામ હસ્તીઓએ માંગ કરી છે કે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.

ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમ્યાન અનિલ કપૂરે પણ જેએનયું હિંસા પર તેમની પ્રતિક્રિયા આપી છે.  અનિલ કપૂરે કહ્યું કે, ‘હું ખૂબ પરેશાન હતો. હુમલાના દૃશ્યો જોઈને રાતભર ઊંઘી શકયો નથી. આ હુમલાની નિંદા કરું છું. ખૂબ દુખદ બાબત છે. વિચારી રહ્યો છું કે શું થઈ રહ્યું છે. હિંસાથી કંઇ મળવાનું નથી. જેમણે પણ આ હુમલો કર્યો છે તેઓ ખુલ્લા પડવા જોઈએ.

અભિનેતા આદિત્ય રોય કપૂરે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં આ પ્રકારની હિંસાને કોઈ જ સ્થાન નથી. ગુનેગારોને સજા મળવી જ જોઈએ. ‘મલંગ’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં દિશા પટની, કુનાલ ખેમુ, અનિલ કપૂર તથા આદિત્ય રોય કપૂર છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

મોદી સરકારની નીતિઓનો વિરોધઃ આવતીકાલે ટ્રેડ યૂનિયનોની હડતાળ

નવી દિલ્હીઃ મોદી સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ, પ્રાઈવેટાઈઝેશન અને શ્રમ સુધાર નીતિઓ વિરુદ્ધ 10 કેન્દ્રીય વ્યાપાર સંઘ આવતીકાલે દેશવ્યાપી હડતાળ કરશે. સીપીએમ સાથે જોડાયેલા CITU એ દાવો કર્યો છે કે આ દેશવ્યાપી હડતાળમાં આશરે 25 કરોડ કર્મચારીઓ ભાગ લેશે. આમાં INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC ની સાથે જ ક્ષેત્રીય સ્વતંત્ર મહાસંઘો અને સંઘોના કાર્યકર્તા હડતાળમાં ભાગ લેશે.

શ્રમ મંત્રી સંતોષ ગંગવારે ગત સપ્તાહે એક બેઠક કરી, પરંતુ કેન્દ્રીય વ્યાપાર સંઘોને પોતાની હડતાળ બંધ કરવા માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા. CITU દ્વારા જાહેર એક અધિકારિક નિવેદન અનુસાર 4 વર્ષથી વધારેનો સમય પસાર થયો પરંતુ જુલાઈ 2015 બાદ કોઈપણ ભારતીય શ્રમ સમ્મેલન આયોજિત કરવામાં આવ્યું નથી. છેલ્લે ઓગસ્ટ 2015 માં મંત્રીઓના સમૂહ સાથે 12 મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી તે મામલે કંઈ જ આગળ વધ્યુ નથી.

નિવેદન અનુસાર સંકટગ્રસ્ત અર્થવ્યવસ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ સરકાર પ્રાઈવેટાઈઝેશન અને PSUS ના વેચાણમાં વ્યસ્ત છે. પ્રાકૃતિક સંસાધન અને અન્ય રાષ્ટ્રીય સંપત્તિ જે રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય વિકાસ માટે હાનિકારક છે.

ઈરાનમાં સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી જતાં 35નાં મરણ

તેહરાન – અમેરિકાના સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે ઈરાકમાં હવાઈ હુમલો કરીને જેને મારી નાખ્યા હતા તે ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની આજે ઈરાનમાં કાઢવામાં આવેલી અંતિમયાત્રા વખતે નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 35 જણ માર્યા ગયા છે અને બીજાં 48 જણ ઘાયલ થયા છે.

ઈરાન ટીવી ચેનલે અહેવાલમાં જણાવ્યું કે જનરલ સુલેમાનીના વતન કેરમાનમાં એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એમાં હજારો લોકો સામેલ થયા હતા, પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી.

સરકારી ટીવી ચેનલે નાસભાગના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે કમનસીબે નાસભાગમાં અમારા જ કેટલાક સાથીઓને ઈજા થઈ છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે.

નાસભાગની દુર્ઘટનાનાં વિડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકોને રસ્તા પર નિર્જિવ અવસ્થામાં પડેલા જોઈ શકાય છે. બીજા લોકો બૂમો પાડી રહ્યાં હતા અને મદદ કરી રહ્યા હતા.

આવું જ વિરાટ સરઘસ સોમવારે ઈરાનના પાટનગર તેહરાનમાં કાઢવામાં આવ્યું હતું, જેમાં 10 લાખ લોકો સામેલ થયા હતા. તેહરાનના બંને મુખ્ય માર્ગો પર લોકોની અપાર ભીડ જામી હતી.