નાના પાટેકરનાં વકીલે કેસને લગતા પુરાવાનો નાશ કર્યો છેઃ તનુશ્રી દત્તાનો આરોપ

મુંબઈ – પોતાની સાથે જાતીય ગેરવર્તન કર્યાનો બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર ઉપર આરોપ મૂક્યો છે. આ પ્રકરણ હજી કાનૂની સ્તરે છે. મુંબઈની કોર્ટે તનુશ્રીએ કરેલા કેસમાં 17 જાન્યુઆરીએ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.

તનુશ્રી તેનાં વકીલ નીતિન સાતપુતેની સાથે આજે અહીં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત થઈ હતી.

પત્રકાર પરિષદમાં તનુશ્રીએ એવો આક્ષેપ કર્યો હતો કે છેડતીનો કેસ પાછો ખેંચી લેવા માટે નાના પાટેકરના વકીલ નિલેશ પાવસકર મારી પર દબાણ કરી રહ્યા છે. 2005ની સાલથી મેં નાના પાટેકર વિરુદ્ધ કરેલા કેસની વિગતોનો પાવસકરે નાશ કરી દીધો છે.

જોકે તનુશ્રીનાં વકીલ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એક મહિલા વિરુદ્ધ અભદ્ર ભાષાનો કથિતપણે ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે સાતપુતે સામે ફરિયાદ નોંધી હતી.

ફરિયાદી મહિલા 47 વર્ષની છે. બાન્દ્રા (ઈસ્ટ)ના ખેરવાડી વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એણે એવો આક્ષેપ કર્યો છે કે પોતાનો વિનયભંગ કરવાના ઈરાદા સાથે સાતપુતેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. એ ઘટના ગઈ બીજી નવેંબરે થઈ હતી જ્યારે બાળકો માટેનું એક ઉદ્યાન બાંધવાના મુદ્દે મહિલાને સાતપુતે સાથે બોલાચાલી થઈ હતી. મહિલાનો આરોપ છે કે સાતપુતેએ પોતાને મોબાઈલ પર ફોન કર્યો હતો અને એને ગાળો આપી હતી. એને પગલે મહિલાએ ગઈ 4 નવેંબરે મહારાષ્ટ્ર મહિલા પંચમાં ફરિયાદ નોંધાવી હતી. એને પગલે પોલીસે સાતપુતે સામે આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે પોલીસને તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે એ મહિલાએ સાતપુતે સામે ખોટી ફરિયાદ કરી હતી તેથી પોલીસે એ મહિલા તથા એક અન્ય શખ્સની ધરપકડ કરી હતી.