ઈરાનમાં સુલેમાનીની અંતિમયાત્રામાં નાસભાગ મચી જતાં 35નાં મરણ

તેહરાન – અમેરિકાના સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે ઈરાકમાં હવાઈ હુમલો કરીને જેને મારી નાખ્યા હતા તે ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીની આજે ઈરાનમાં કાઢવામાં આવેલી અંતિમયાત્રા વખતે નાસભાગ મચી જતાં ઓછામાં ઓછા 35 જણ માર્યા ગયા છે અને બીજાં 48 જણ ઘાયલ થયા છે.

ઈરાન ટીવી ચેનલે અહેવાલમાં જણાવ્યું કે જનરલ સુલેમાનીના વતન કેરમાનમાં એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એમાં હજારો લોકો સામેલ થયા હતા, પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી.

સરકારી ટીવી ચેનલે નાસભાગના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે કમનસીબે નાસભાગમાં અમારા જ કેટલાક સાથીઓને ઈજા થઈ છે અને કેટલાક મૃત્યુ પામ્યા છે.

નાસભાગની દુર્ઘટનાનાં વિડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકોને રસ્તા પર નિર્જિવ અવસ્થામાં પડેલા જોઈ શકાય છે. બીજા લોકો બૂમો પાડી રહ્યાં હતા અને મદદ કરી રહ્યા હતા.

આવું જ વિરાટ સરઘસ સોમવારે ઈરાનના પાટનગર તેહરાનમાં કાઢવામાં આવ્યું હતું, જેમાં 10 લાખ લોકો સામેલ થયા હતા. તેહરાનના બંને મુખ્ય માર્ગો પર લોકોની અપાર ભીડ જામી હતી.