ચાર-દિવસની ટેસ્ટ મેચનો આઈડિયાઃ કોહલી, તેંડુલકર સાથે ઈરફાન પઠાણ અસહમત

વડોદરા – ટેસ્ટ મેચોને પાંચને બદલે ચાર-ચાર દિવસની કરવા અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ એક વિચાર તાજેતરમાં વહેતો મૂક્યો છે. એનો પ્રસ્તાવ છે કે 2023થી 2031ની સાલ સુધીના સમયગાળામાં દરેક ટેસ્ટ મેચને ચાર-દિવસની કરવી જોઈએ. એણે આ વિશે ક્રિકેટ રમતાં દેશોના આગેવાનો પાસેથી પ્રતિસાદ મગાવ્યા છે.

ભારત સહિત અનેક દેશમાંથી મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી, સચીન તેંડુલકર, ગૌતમ ગંભીર, રિકી પોન્ટિંગ તથા બીજા ઘણાં આ પ્રસ્તાવ સાથે સહમત થયા નથી.

આ સંદર્ભમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે પણ પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે. એ કોહલી તથા અન્ય મહારથીઓથી અલગ વિચાર ધરાવે છે.

કોહલીએ કહ્યું છે કે ટેસ્ટ ફોર્મેટમાં વધુ પડતા ફેરફારો કરવાની જરૂર નથી.

પરંતુ ઈરફાન પઠાણે કહ્યું છે કે ટેસ્ટ મેચમાં એક દિવસ ઘટાડીને એને ચાર-દિવસની કરવાથી પ્રક્રિયા પરિણામલક્ષી બની રહેશે. મેચમાં પરિણામની શક્યતા વધી જશે, એવો પઠાણના કહેવાનો અર્થ છે.

એક મુલાકાતમાં પઠાણે વધુમાં કહ્યું કે, હું તો છેલ્લા અમુક વર્ષોથી કહેતો જ આવ્યો છું કે ટેસ્ટ મેચોને ચાર-દિવસની જ કરી દેવી જોઈએ. આપણે ભારતમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં ચાર-દિવસવાળી મેચો જ રમીએ છીએ. એમાં આપણને પરિણામો મળે છે. તો આ કોન્સેપ્ટને ટેસ્ટ મેચોમાં શા માટે અપનાવવો ન જોઈએ? એ વાત ખરી છે કે આજકાલ ટેસ્ટમેચોમાં પરિણામ આવતા થયા છે, પરંતુ જો ટેસ્ટ મેચો ચાર-દિવસની જ હશે તો દરેક મેચમાં પરિણામ આવી શકશે. હું તો ચાર-દિવસની ટેસ્ટમેચના વિચાર સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું.

વડોદરાનિવાસી અને 35 વર્ષીય ઈરફાન પઠાણ હાલમાં જ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો છે.

તાજેતરના ભૂતકાળમાં ચાર-દિવસની ટેસ્ટમેચની અજમાયશ કરવામાં આવી હતી. 2017ના વર્ષના અંતભાગમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે જે ટેસ્ટ રમાઈ હતી એ 4-દિવસની હતી જ્યારે 2019ના પ્રારંભમાં લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે ચાર-દિવસની ટેસ્ટ મેચ રમાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]