હિંસા જેએનયુમાં થઇ અને અનિલ કપૂરને આખી રાત ઊંઘ ન આવી

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)ના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલા હુમલાઓને બોલીવુડની હસ્તીઓએ પણ વખોડી કાઢ્યો છે. આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રાજકુમાર રાવ સહિતની હસ્તીઓએ હુમલાને ‘ભયાનક’, ‘દુઃખદ’ની સાથે ‘બર્બર’ કૃત્ય સમાન ગણાવ્યો છે. આ સાથે તમામ હસ્તીઓએ માંગ કરી છે કે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ.

ફિલ્મ મલંગના ટ્રેલર લોન્ચ દરમ્યાન અનિલ કપૂરે પણ જેએનયું હિંસા પર તેમની પ્રતિક્રિયા આપી છે.  અનિલ કપૂરે કહ્યું કે, ‘હું ખૂબ પરેશાન હતો. હુમલાના દૃશ્યો જોઈને રાતભર ઊંઘી શકયો નથી. આ હુમલાની નિંદા કરું છું. ખૂબ દુખદ બાબત છે. વિચારી રહ્યો છું કે શું થઈ રહ્યું છે. હિંસાથી કંઇ મળવાનું નથી. જેમણે પણ આ હુમલો કર્યો છે તેઓ ખુલ્લા પડવા જોઈએ.

અભિનેતા આદિત્ય રોય કપૂરે પણ આ હુમલાની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં આ પ્રકારની હિંસાને કોઈ જ સ્થાન નથી. ગુનેગારોને સજા મળવી જ જોઈએ. ‘મલંગ’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં દિશા પટની, કુનાલ ખેમુ, અનિલ કપૂર તથા આદિત્ય રોય કપૂર છે. ટ્રેલરમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.