Home Blog Page 301

વસંત આયા, પલ્લે લાયાઃ દેશભરમાં કઇ રીતે ઉજવાય છે વસંત પંચમી?

દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જે ઋતુરાજ વસંતના આગમન અને વિદ્યાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્યોત્સવનું પ્રતીક છે. આ વર્ષે ૨૩ જાન્યુઆરીએ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં વસંત પંચમીના દિવસને ‘અબુઝ મુહૂર્ત’ એટલે કે ‘વણજોયું મુહૂર્ત’ માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી, કારણ કે આખો દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયી હોય છે. આ જ કારણ છે કે આ દિવસે લગ્ન-પ્રસંગો, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર કે નવા વ્યવસાયના શ્રીગણેશ જેવા માંગલિક કાર્યો ભારતભરમાં ધામધૂમથી કરવામાં આવે છે.

ચાલો જાણીએ, દેશના વિવિધ રાજ્યોમાં વંસત પંચમીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે? 

ગુજરાત

ગુજરાતમાં વસંત પંચમી એ ફાગણના રંગોનો પ્રારંભ મનાય છે. ‘વણજોયા મુહૂર્ત’ ને કારણે અહીં આ દિવસે હજારો લગ્નો યોજાય છે. મંદિરોમાં ઠાકોરજીને પીળા વસ્ત્રો અને આભૂષણો ધરાવી ‘વસંતોત્સવ’ ઉજવાય છે. કલા અને સાહિત્યના ઉપાસકો આ દિવસે કવિ સંમેલનો અને સંગીત સભાઓ યોજીને જ્ઞાન અને કલાની દેવીને વંદન કરે છે.

પંજાબ

પંજાબમાં વસંત પંચમી એ પાકના આગમન અને બદલાતી ઋતુનો ઉત્સવ છે. અહીં સરસવના ખેતરો પીળા ફૂલોથી લહેરાતા હોય છે, માટે આખું વાતાવરણ પીળું દેખાય છે. પંજાબમાં આ દિવસે પતંગબાજીનું વિશેષ મહત્વ છે. લોકો અગાસી પર જઈને પતંગો ચગાવે છે અને ‘વસંત આયા, પલ્લે લાયા’ ના નારા સાથે ઉત્સવ મનાવે છે. ખાવા-પીવામાં પીળા રંગના ચોખા અને કેસરી હલવો અચૂક બનાવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં વસંત પંચમી ખૂબ જ ધાર્મિક આસ્થા સાથે ઉજવાય છે. ખાસ કરીને પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર સ્નાન કરે છે. મથુરા અને વૃંદાવનમાં પણ આ દિવસથી હોળીની તૈયારીઓ અને ઉત્સવોની શરૂઆત થઈ જાય છે. શાળાઓ અને કોલેજોમાં મા સરસ્વતીના પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

બિહાર

બિહારમાં વસંત પંચમીનો ઉત્સાહ જોરદાર હોય છે. અહીં ગામડે-ગામડે સરસ્વતી માતાના પંડાલો તૈયાર કરવામાં આવે છે. લોકો દેવીને બોર, કેળા અને બુંદીનો પ્રસાદ ચઢાવે છે. બિહારની સંસ્કૃતિમાં આ દિવસે લોકગીતો અને સંગીતની પરંપરા છે. ખેતી પર નિર્ભર લોકો આ દિવસે નવી સીઝનના પાક માટે પ્રાર્થના કરે છે અને પરિવાર સાથે મળીને ભોજન કરે છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશ

દક્ષિણ ભારતના આ રાજ્યોમાં વસંત પંચમીને ‘વિદ્યારંભમ’ તરીકે મનાવવામાં આવે છે. તેલંગાણાના બાસરમાં આવેલું પ્રસિદ્ધ જ્ઞાન સરસ્વતી મંદિર આ દિવસે હજારો ભક્તોથી ભરાઈ જાય છે. માતા-પિતા પોતાના બાળકોને અહીં લાવીને અક્ષર જ્ઞાનની શરૂઆત કરાવે છે. અહીં સરસ્વતી પૂજાની સાથે વિશેષ હવન અને વિદ્યા પ્રાપ્તિ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવે છે.

ઓડિશા

ઓડિશામાં વસંત પંચમીને ‘બસંત પંચમી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથના મંદિરમાં આ દિવસથી જ રથયાત્રા માટેના લાકડાના સંગ્રહ અને પૂજનની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. શાળાઓમાં બાળકો દેવી સરસ્વતી સમક્ષ પોતાની કલમ અને પાટી મૂકે છે. ખેડૂતો આ દિવસે ધરતી માતાની પૂજા કરે છે અને હળ ચલાવીને નવા કૃષિ વર્ષનું શુકન કરે છે.

પશ્ચિમ બંગાળ

બંગાળમાં વસંત પંચમીને ‘શ્રી પંચમી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ દિવસ મુખ્યત્વે દેવી સરસ્વતીની આરાધનાનો છે. લોકો સવારથી જ પીળા વસ્ત્રો પહેરીને પંડાલોમાં મા સરસ્વતીની મૂર્તિનું પૂજન કરે છે. આ દિવસની સૌથી મોટી પરંપરા ‘હાતે ખડી’ છે, જેમાં નાના બાળકોને પ્રથમ વખત સ્લેટ કે કાગળ પર અક્ષરો લખતા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસે પોતાના પુસ્તકો અને પેન દેવીના ચરણોમાં મૂકીને આશીર્વાદ મેળવે છે.

હેતલ રાવ

સંસ્થામાં માનવતાનો ભાવ

अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च |

निर्ममो निरहङ्कार: समदु:खसुख: क्षमी || ૧૩||

सन्तुष्ट: सततं योगी यतात्मा दृढनिश्चय: |

मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय: ||૧૪||

ભગવદ્ ગીતા અધ્યાય ૧૨ના શ્લોક ૧૩–૧૪માં શ્રીકૃષ્ણ જે ભક્તની વાત કરે છે તે ક્રોધહીન, ક્ષમાશીલ, અહંકારરહિત અને સર્વપ્રતિ દયાળુ છે. આ વર્ણન માત્ર આધ્યાત્મિક આદર્શ નથી, પરંતુ આજના સંચાલન માટેનું વ્યવહારુ નેતૃત્વ મોડેલ છે, કારણ કે જ્યાં સહાનુભૂતિ, ક્ષમા અને કાળજી સંસ્થાની સંસ્કૃતિ બને છે ત્યાં પરિણામો માત્ર ત્રિમાસિક આંકડાઓમાં નહીં, પરંતુ લોકોના વિશ્વાસ અને જોડાણમાં દેખાય છે. આધુનિક કાર્યસ્થળમાં દબાણ, સ્પર્ધા અને ટાર્ગેટની દોડ વચ્ચે માનવતાને ઘણીવાર ‘soft skill’ ગણી અવગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં એ જ લાંબા ગાળાની કાર્યક્ષમતાનો આધાર છે.

જાપાનની ટોયોટામાં તાઇઇચી ઓહનોએ વિકસાવેલી ‘Respect For People’ ફિલસૂફી હેઠળ કામદારોને ભૂલ બદલ સજા નહીં, પરંતુ શીખવાની તક આપવામાં આવી, જેના કારણે સતત સુધારો સંભવ બન્યો. અમેરિકામાં સાઉથવેસ્ટ એરલાઈન્સના હર્બ કેલેહરે કર્મચારીઓને પહેલું સ્થાન આપ્યું, ખરાબ સમયમાં પણ છટણી ટાળી અને કહ્યું કે જો કર્મચારી સુરક્ષિત હશે તો ગ્રાહક આપોઆપ ખુશ રહેશે. આ માનવતાવાદી અભિગમે કંપનીને વર્ષો સુધી નફાકારક રાખી.

ભારતીય સંદર્ભમાં જોઈએ તો અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ IAS અધિકારી આર્મસ્ટ્રોંગ પામે જાહેર સેવાઓમાં માનવીય અભિગમ ઉમેર્યો. શાળા અને હોસ્પિટલ સુધી પગપાળા જઈ સમસ્યાઓ સાંભળી અને બતાવ્યું કે અધિકાર નહીં, પરંતુ કાળજી દ્વારા જ ખરો પ્રભાવ ઊભો થાય છે. આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે ક્ષમા નબળાઈ નથી, પરંતુ સંઘર્ષને શીખમાં ફેરવવાની શક્તિ છે, અને સહાનુભૂતિ માત્ર લાગણી નહીં પરંતુ વ્યૂહરચના છે.

આજના સમયમાં તાત્કાલિક પરિણામોની ભૂખ નેતાઓને કઠોર બનાવે છે. ગીતા યાદ અપાવે છે કે સંબંધ આધારિત નેતૃત્વ, જ્યાં માણસને સાધન નહીં પરંતુ મૂલ્ય માનવામાં આવે, એ જ ટકાઉ સફળતાનો માર્ગ છે. કોઈપણ સંસ્થા અંતે ઇમારતો કે નીતિઓથી નહીં, પરંતુ માનવ હૃદયોથી ચાલે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

બાંગ્લાદેશમાં હિંસા યથાવત, વધુ બે હિન્દુઓની હત્યા

બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ વિરુદ્ધ હિંસાના બનાવો સતત ચાલુ છે. વિવિધ વિસ્તારોમાંથી નોંધાયેલી બે સનસનાટીભર્યા ઘટનાઓએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા અને લઘુમતીઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. એક તરફ, પેટ્રોલ પંપના એક યુવાન કર્મચારીને ઇંધણ માટે ચુકવણી માંગવા બદલ એક SUV દ્વારા કચડી નાખવામાં આવ્યો, જ્યારે બીજી તરફ, એક હિન્દુ મીઠાઈના વેપારીની ટોળા દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી.

પહેલી ઘટના બાંગ્લાદેશના રાજબારી જિલ્લાના ગોઆલાન્ડા મોરે ખાતે બની હતી. કરીમ ફિલિંગ સ્ટેશન પર કામ કરતા 30 વર્ષીય રિપોન સાહાની શુક્રવારે વહેલી સવારે ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આશરે ₹3,700 ની કિંમતનું ઇંધણ ભરેલી એક કાળી SUV ચૂકવ્યા વિના ભાગી ગઈ હતી. જ્યારે રિપોન સાહાએ વાહન સામે રોકવાનો અને ઊભા રહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ડ્રાઇવરે તેને કચડી નાખ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

પોલીસે બાદમાં SUV કબજે કરી અને તેના માલિક, અબુલ હાશેમ ઉર્ફે સુજાન (55) અને ડ્રાઇવર કમાલ હુસૈન (43) ની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, સુજાન બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના ભૂતપૂર્વ જિલ્લા ખજાનચી અને જુબો દળના ભૂતપૂર્વ પ્રમુખ હતા. પોલીસે કહ્યું છે કે તેઓ હત્યાનો કેસ દાખલ કરશે.

૧૮ જાન્યુઆરી ૨૦૨૬

કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, બૂથ સ્તરે ટીમો બનાવી રહ્યા છે. આજથી (શનિવાર) શરૂ થયેલા આ પ્રવાસને ગુજરાતમાં AAPના સંગઠનાત્મક વિસ્તરણ અને જાહેર જોડાણમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 17 થી 19 જાન્યુઆરી સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત ફક્ત ઔપચારિક કાર્યક્રમો સુધી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતમાં AAPના સતત મજબૂત થઈ રહેલા સંગઠન, વધતા જનસમર્થન અને પાયાના સ્તરે ઉભરી રહેલા નવા રાજકીય બળને પ્રતિબિંબિત કરે છે.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન, અરવિંદ કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સંમેલનોમાં હાજરી આપશે અને અમદાવાદ અને વડોદરામાં પાર્ટીના અધિકારીઓ અને 20,000 બૂથ-સ્તરના સ્વયંસેવકોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ AAPના સંગઠનાત્મક અભિગમને પ્રતિબિંબિત કરે છે, જેમાં દરેક કાર્યકર્તાને મુખ્ય ભૂમિકા અને સ્પષ્ટ જવાબદારી સોંપવામાં આવે છે.

ગોપાલ ઈટાલિયા પર ફરી એક વાર જૂતું ફેંકવાનો પ્રયાસ

જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.

જો કે, સદનસીબે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.

પંચાંગ 18/01/2026

DAUના 20મા પદવીદાન સમારોહમાં 649 પદવીઓ એનાયત કરવામાં આવી

ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં વર્ષ 2026 માટેનું પદવીદાન સમારોહ શૈક્ષણિક ગૌરવ અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સંપન્ન થયું. યુનિવર્સિટીના 20મા કોન્વોકેશનમાં વિવિધ શૈક્ષણિક શાખાઓમાંથી પસાર થયેલા કુલ 649 વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે પદવી સ્વીકારી. ટેક્નોલોજી, ડેટા સાયન્સ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે તૈયાર થયેલી નવી પેઢી માટે આ દિવસ વિશેષ યાદગાર રહ્યો.

સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત શિક્ષણવિદ અને આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર પ્રો. ભાસ્કર રામમૂર્તિ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના દીક્ષાંત પ્રવચનમાં વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી, જવાબદાર ટેક્નોલોજી વિકાસ અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતા રાખવાની અપીલ કરી. યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી. એસ. તિરુમૂર્તિએ અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને વૈશ્વિક પડકારો સામે તૈયાર રહેવા માટે માર્ગદર્શન આપ્યું.

આ વર્ષે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્નાતક બન્યા, જ્યારે પોસ્ટગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોમાંથી પણ સંશોધન અને નવીનતાની દિશામાં આગળ વધનાર વિદ્યાર્થીઓએ પદવીઓ પ્રાપ્ત કરી. યુનિવર્સિટી પ્રશાસન તરફથી જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં DAUએ મલ્ટીડિસિપ્લિનરી અભિગમ અપનાવીને શિક્ષણ અને સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પદવીદાન સમારોહ પૂર્વે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ, સંશોધન કાર્ય અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે, યુનિવર્સિટીએ પોતાના 25 વર્ષના પ્રવાસની ઉજવણી અંતર્ગત પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માન આપવાની પહેલ પણ શરૂ કરી છે, જે સંસ્થાની પરંપરા અને ભવિષ્યની દિશાને મજબૂત બનાવે છે.

સમારોહ દરમિયાન યુનિવર્સિટીના નેતૃત્વ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર વ્યાવસાયિક સફળતા નહીં પરંતુ સ્વાસ્થ્ય, સંતુલન અને માનવ-કેન્દ્રિત વિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ કોન્વોકેશન DAU માટે એક નવી ઉર્જા અને આગલા દાયકાની શૈક્ષણિક દ્રષ્ટિનું પ્રતિબિંબ બની રહ્યું.

પરિશ્રમની પરાકાષ્ઠા: સફાઈ કામદારના પુત્ર દિક્ષીત વાઘેલાનનું રાજ્ય સ્તરે ગૌરવપૂર્ણ પ્રદર્શન

મોરબી જિલ્લાના વાંકાનેરમાંથી એક પ્રેરણાદાયક શૈક્ષણિક સફળતાની ઘટના સામે આવી છે, જેમાં દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ 2025ની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી રાજ્યભરમાં વિશેષ ઓળખ મેળવી છે. દિક્ષીતે 83.83 ટકા સાથે પરીક્ષા પાસ કરીને સફાઈ કામદારના આશ્રિત વિદ્યાર્થીઓમાં સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિને સામાજિક ઉત્થાન અને શિક્ષણની શક્તિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.

દિક્ષીત વાઘેલાની સફળતાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા દિક્ષીતને પ્રશસ્તિ પત્ર અને શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિક્ષીતે અગાઉ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં પણ 86.33 ટકા મેળવી રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત બે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દિક્ષીતે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસથી કોઈપણ પરિસ્થિતિને જીતવી શક્ય છે. અધિકારીઓ અને સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે દિક્ષીત ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપશે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

PM મોદીએ દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી. તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને કોલકાતાના માલદા રેલ્વે સ્ટેશન પર એક સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જે હાવડાથી કામાખ્યા સુધીની ૯૫૮ કિલોમીટર, ૨૧ કલાકની મુસાફરી ૧૪ કલાકમાં પૂર્ણ કરશે, જેનાથી પશ્ચિમ બંગાળથી આસામ સુધીનો પ્રવાસ સમય ઓછો થશે.

આ ટ્રેનમાં કુલ ૧૬ કોચ છે, જેમાં ૧૧ થર્ડ એસી, ૪ સેકન્ડ એસી અને ૧ ફર્સ્ટ એસી કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનની ગતિ રાજધાની એક્સપ્રેસ કરતા ઝડપી છે, અને ભાડું રાજધાની એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનો કરતા થોડું વધારે છે. ગુવાહાટીથી હાવડા સુધીનું થર્ડ એસી ભાડું આશરે ₹૨,૩૦૦ છે. ટ્રેનની સામાન્ય ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે અને તેની મહત્તમ ગતિ 180 કિલોમીટર પ્રતિ કલાક હશે. પહેલાં, ટ્રેનોમાં ચેર કાર હતી, પરંતુ હવે તેમાં સ્લીપર સીટ પણ હશે.

વંદે ભારત સ્લીપર ટ્રેનનો આંતરિક ભાગ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. દરેક બર્થ, લાઇટિંગ અને કોચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લાંબી મુસાફરી કંટાળાજનક કે થકવી નાખનારી ન લાગે. ટ્રેનમાં જંતુનાશક ટેકનોલોજી અને UVS ટેકનોલોજી છે, જે હવામાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાને દૂર કરે છે. UVS કોચમાં હવાને ફિલ્ટર કરશે અને તાજી હવા છોડશે, જે ચેપને અસરકારક રીતે અટકાવશે.

વંદે ભારત સ્લીપર ટ્રેન સલામતીની દ્રષ્ટિએ પણ ખૂબ જ અદ્યતન છે, જેમાં “કવચ” ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ ટ્રેનની ગતિ અને સિગ્નલિંગ પર નજર રાખે છે. તે ઇમરજન્સી ટોક-બેક યુનિટ, આધુનિક નિયંત્રણ અને સલામતી પ્રણાલીઓથી સજ્જ છે. બાહ્ય ભાગ પણ આધુનિક અને એરોડાયનેમિક છે. ટ્રેનના દરવાજા ઓટોમેટિક હશે, સ્ટેશનો પર રોકાતી વખતે અને પ્રસ્થાન કરતી વખતે આપમેળે ખુલશે અને બંધ થશે. મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાવાળા ધાબળા, કવર અને અદ્યતન બેડરોલ પણ પૂરા પાડવામાં આવશે.