|
પાની બિચ મીનપિયાસી, મોહિ સુન સુન આવત હાંસિ, આતમ જ્ઞાન વિના સબ સુના, કયા મથુરા કયા કાશી. |
તીર્થસ્થાનોની યાત્રા એટલે પરમ પુણ્ય કાર્ય તેવી સર્વસાધારણ ધારણા છે. પરંપરા સમજ્યા વિના
આંધળું અનુકરણ કરનારને કબીરજી આત્મજ્ઞાનનું મહત્ત્વ સમજાવે છે. જો વ્યક્તિને આત્મદર્શન ન થાય તો જિંદગીમાં ખાલીપો જ બચે છે. યાત્રામાં મથુરા કે કાશી ભલે જાય પણ તેનાથી કોઈ લાભ થતો નથી.
આત્માની ઓળખ માટે તીર્થોમાં ભટકવાને બદલે આંતરખોજ કરવી જરૂરી છે. આ દેશમાં હજારો તીર્થસ્થાનોમાં લાખો લોકો કીડીયારાની જેમ ઊભરાય છે. સમય, ધન અને સાધનાનો વ્યય કરી હકીકતે કોઈને ધાર્મિક કે આધ્યાત્મિક લાભ થતો નથી.

કબીરજી એક એવી ઉપમા આપે છે કે, જે એક કહેવત બની ગઈ છે, ‘પાનીમેં મીન પિયાસી’ — જેનું જીવન જળમાં જ છે તેને વળી તરસ કેવી ? કબીરજીની કલ્પના છે કે, સતત જળમાં વિહરતી માછલીની તરસ કેટલી તીવ્ર છે કે બહાર કાઢતાંની સાથે તૃષાતુર થઈ જાય છે.
આપણે આંતરખોજ નથી કરતાં તેથી અંદર પડેલા સત્ત્વ કે સત્યને પામી નથી શકતા.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




