આજ્ઞાપાલન: જીવન ઘડતરનો અગ્નિપથ

વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટના લશ્કરમાં એક સૈનિક ચોકીપહેરો ભરી રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો અને કડકડતી ઠંડી પડી રહી હતી. નેપોલિયન પોતે નિરીક્ષણ કરવા નીકળ્યા. તેમણે પેલા સૈનિકને પૂછ્યું, “આટલી ઠંડીમાં તું થાક્યો નથી?”

સૈનિકે સલામી આપીને એટલું જ કહ્યું, “સર, મારી ફરજ અને તમારી આજ્ઞા આગળ મારો થાક કંઈ જ નથી.” એ સૈનિક માટે સેનાપતિની આજ્ઞા જ એનો ધર્મ હતો. જ્યારે કોઈ સંસ્થા, દેશ કે કુટુંબમાં આવી શિસ્ત અને આજ્ઞાપાલન હોય છે, ત્યારે જ તેનો સાચો વિકાસ થાય છે.

પરંતુ આજની સ્થિતિ કંઈક જુદી છે. હમણાં એક ભાઈ મને મળવા આવ્યા. કહે, “સ્વામી, ગઈ કાલે હું ઓફિસથી થાક્યોપાક્યો રાત્રે ઘરે ગયો ત્યારે બધા સૂઈ ગયા હતા, પરંતુ કોલેજમાં ભણતો મારો દીકરો જાગતો હતો. તે ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો હતો. મેં એને એક ગ્લાસ પાણી લઈ આવવાનું કહ્યું તો કહે, ‘પપ્પા, અત્યારે મારી મૂવીનો ક્લાઇમેક્સ ચાલી રહ્યો છે. તમે જાતે લઈ લો ને!’ હું કંઈ કહું તે પહેલાં જ તેણે ફરી કાનમાં હેડફોન લગાવી દીધા અને ટીવીમાં ખોવાઈ ગયો. મારે શું કરવું?” મેં તેમના ખભા પર હાથ મૂકીને મારે જે કહેવાનું હતું તે કહ્યું અને તેમણે વિદાય લીધી.

આજના આધુનિક રંગમાં રંગાયેલા યુવાનોનાં આવાં વાગ્બાણ ઘણાં માતા-પિતાએ ઝીલ્યાં હશે:

  • “તમે જાતે કરી લો.”
  • “મને ટાઈમ નથી.”
  • “મને નહીં ફાવે.”
  • “આ કામ મારું છે કે તમારું?”

આજના વડીલો આવા સંવાદ દરરોજ સાંભળે છે અને પ્રત્યુત્તરમાં બસ નિઃસાસો નાખે છે. મહાન આદર્શોથી દૂર જઈ રહેલી આજની પેઢીને વચનપાલન અને આજ્ઞાપાલનનું મહત્ત્વ કોણ સમજાવશે? કોણ કહેશે કે આ એ ભારતભૂમિ છે, જ્યાં પિતાના એક વચન માટે ભગવાન શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો હતો? આ એ ભારતભૂમિ છે, જ્યાં પિતા ઉદ્દાલકના એક વચનથી બાળક નચિકેતા યમસદન જવા તૈયાર થઈ ગયો હતો. વળી, એકલવ્યે તો ધનુર્વિદ્યાના પ્રાણ સમા પોતાના જમણા અંગૂઠાનો ગુરુવચનની વેદી પર ત્યાગ કર્યો હતો.

શું આ મહાપુરુષોને મનગમતા વિષયો કે પ્રવૃત્તિઓમાં આનંદ માણવો નહોતો?

નિસંદેહ, કોઈના વચન માટે પોતાની મનગમતી વસ્તુ કે પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ અગ્નિપથ પર ચાલવા જેવું કઠિન છે. પરંતુ કહેવાયું છે ને—

“If you want to fly in the sky, you have to leave the earth.”

અર્થાત્, ઊંચે ઉડવું હોય તો નીચેની વસ્તુઓ અને ક્ષણિક સુખોનો ત્યાગ અનિવાર્ય છે. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળામાં જ્યારે કોઈ નવો સહાયક જોડાતો ત્યારે એડિસન તેને કોઈ પ્રશ્ન પૂછવાની છૂટ આપ્યા વિના એક ચોક્કસ કેમિકલનું મિશ્રણ સતત હલાવતા રહેવાની આજ્ઞા આપતા. ઘણા બુદ્ધિશાળી યુવાનો આવા કંટાળાજનક કામથી કંટાળીને નોકરી છોડી દેતા. પરંતુ જેમણે એડિસનની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું, તેઓ આગળ જતાં પોતે પણ મહાન વૈજ્ઞાનિક બન્યા.

કારણ કે આજ્ઞાપાલન માત્ર ગુલામી નથી, પરંતુ પોતાના અહંને ઓગાળીને જ્ઞાન મેળવવાની એક પવિત્ર પ્રક્રિયા છે. આજ્ઞાના અગ્નિપથ પર ચાલવું કંઈ ચીઝ-પિઝાની સ્લાઈસ મોંમાં મૂકવા જેટલું સહેલું નથી. ફૂલોથી બિછાવેલી પથારી છોડીને આજ્ઞાપથના ધગધગતા અંગારા પર ચાલવાની તૈયારી હોય, કોઈ મહાન ધ્યેય માટે પોતાના ક્ષુલ્લક સ્વાર્થોને હોમવાની તત્પરતા હોય, તો જ ઇતિહાસમાં તેની નોંધ લેવાય છે.

જ્યારે હૈયું વિપ્લવની અવસ્થામાં હોય, મન માનતું ન હોય, આંખોમાં સુરક્ષિત ભવિષ્યનાં સપનાં સળવળતાં હોય, ત્યારે વડીલ, ગુરુ કે ઇષ્ટદેવની આજ્ઞામાં ગભરુ પારેવાંની જેમ ઝંપલાવવું એ જ આવા અગ્નિપથિકોની વિશેષતા છે.

આજથી આશરે 110 વર્ષ પહેલાં સારંગપુરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું. એક વખત સાત દોરડાથી બાંધેલો દોઢસો મણનો પથ્થર મંદિરના ઘુમ્મટ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. અચાનક છ દોરડાં તૂટી ગયાં અને માત્ર એક જ દોરડાના આધારે પથ્થર લગભગ 40 ફૂટની ઊંચાઈએ લટકી રહ્યો.

બી.એ.પી.એસ.ના તત્કાલીન ગુરુ શાસ્ત્રીજી મહારાજને સમાચાર મળતાં તેઓ તરત ત્યાં પહોંચ્યા. પરિસ્થિતિ સમજી તેમણે ત્યાં ઊભેલા સોમા ભગત નામના પાર્ષદને આજ્ઞા કરી:

“ભગત, પથ્થર પર ચડીને દોરડાં બાંધી દો.”

મોત સાથેની રમત સમાન આ કાર્ય હતું. કુરબાનીનો કસબ બતાવવાનો હોય તેમ સોમા ભગત મંદિર પર ચડ્યા અને સીધા લટકતા પથ્થર પર કૂદી પડ્યા! જોનારાના શ્વાસ થંભી ગયા. નીચે ક્રેન પરના પથ્થરને દોરડાંથી સંભાળી રહેલા વીસ જેટલા ભક્તોને જોરદાર આંચકો લાગ્યો. સૌને ક્ષણભર માટે થયું કે હવે છેલ્લું દોરડું પણ તૂટી જશે!

પરંતુ સોમા ભગતે ગુરુની આજ્ઞાના બળથી બાકીનાં દોરડાં મજબૂત રીતે બાંધી દીધાં અને સુરક્ષિત રીતે નીચે ઊતરી આવ્યા. ઊંચો અભયહસ્ત કરીને ઊભેલા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને આજ્ઞાપથના આ વિરલ પથિકને સૌએ વંદન કર્યું.

આપણે પણ આ અગ્નિપથિકોની હિંમત, સમર્પણ અને આજ્ઞાપાલનમાંથી કંઈક શીખવા જેવું નથી લાગતું? આજના યુવાનો મૂવીના ક્લાઇમેક્સ કરતાં માતા-પિતાની આજ્ઞાને પ્રથમ પ્રાધાન્ય આપશે, તો જ તેમના જીવનનો સાચો ક્લાઇમેક્સ ભવ્ય બની શકશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)