Home Blog Page 2561

Audio અને Video કૉલિંગ સુવિધા X પર ઉપલબ્ધ થશે, એલોન મસ્કની જાહેરાત

જ્યારથી એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) નો હવાલો સંભાળ્યો છે, ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે મસ્કે X યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. અમેરિકાની અગ્રણી EV કંપની ટેસ્લાના વડા મસ્કએ ગુરુવારે જણાવ્યું હતું કે ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે પણ મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કે X પરની તેમની એક પોસ્ટમાં કહ્યું કે ઓડિયો અને વીડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. એક્સ ચીફે કહ્યું કે ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.

વૉઇસ અને વીડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની અપેક્ષા છે

એલોન મસ્ક તેની લોકપ્રિય એપ Xને સુપર એપમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, X પર વૉઇસ અને વીડિયો કૉલિંગની સુવિધા સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો કે વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળશે. જો કે, આ સુવિધા કોના માટે ઉપલબ્ધ હશે અને કોના માટે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી.

સાળંગપુર વિવાદમાં સાધુ-સંતોની આંદોલનની ધમકી

અમદાવાદઃ સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યો છે.સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યાં છે, જેમાં સ્વામિનારાયણ ભગવાન ઊભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે. આ શિલ્પમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય એવું ચિત્ર બતાવવામાં આવતાં હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી છે. હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌકોઈને મર્યાદામાં રહેવાનું સૂચવ્યું છે.

રાજકોટના બ્રહ્મ સમાજે સંતોને પાંચ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છેકે  ‘ભીંતચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન’. આ મામલે અનેક સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા?: ઈન્દ્રભારતીબાપુ

ઈન્દ્રભારતીબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી એનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ એની નીચે જે ઘનશ્યામજી પાંડે બેઠા છે અને હનુમાનજી મહારાજ તેમને હાથ જોડે છે. આ કંઈ વાજબી કહેવાય? આ કંઈ ધર્મ કહેવાય? આ ધર્મનો દાટ વાળવા માટે સાધુ થયા છો? સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા છો? જે સનાતન ધર્મનાં દેવી-દેવતાઓને નીચે દેખાડે છે. આ બધી વસ્તુઓથી અમને દુ:ખ થાય છે. આવી રીતે દર વખતે કરીને પછી હું માફી માગું છું, અમે માફી માગીએ છીએ. અરે ભાઈ, આવું કરીને માફી જ માગવાની તમારે? સનાતનની અંદર તમે પોતે પણ સનાતની છો.

શું છે વિવાદ?

બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે વિશ્વ પ્રસિદ્ધ ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાનાં ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘૂમ થઈ ગયા છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.

હનુમાનજીના ભીંતચિત્રોને લઇ સાધુ-સંતોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. ઈન્દ્રભારતી બાપુ બાદ હવે જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું.

 

 

 

કેન્દ્ર સરકારે અચાનક બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર; દેશભરમાં તર્કવિતર્કોને છૂટો દોર

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રને સમાપ્ત થયાને હજી બે અઠવાડિયા પણ નથી થયા ત્યાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારે જાહેરાત કરી છે કે આવતી 18 સપ્ટેમ્બરથી વિશેષ સત્ર શરૂ થશે જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્ર પાંચ દિવસનું રહેશે. સરકારના આ અફડાતફડી મચાવી દે એવા નિર્ણયથી દેશભરમાં તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. સરકારના નિર્ણયની જાહેરાત કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આજે ટ્વીટ મારફત કરી છે.

વિશેષ સત્રમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાની કુલ પાંચ બેઠક યોજાશે, એમ પણ જોશીએ વધુમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર ગઈ 20 ઓગસ્ટે શરૂ થયું હતું અને 11 ઓગસ્ટે એનું સમાપન કરવામાં આવ્યું હતું. મણિપુરમાં થયેલી કોમી હિંસાના મુદ્દે તે સત્ર ખૂબ ગાજ્યું હતું.

સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો સમય સૂચક મનાય છે. હાલ દેશભરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ 28 વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયા’ નામે નવું જૂથ બનાવ્યું છે. આ જૂથનો નિર્ધાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો છે.

શિવલિંગના આકારના ફુવારાઃ આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હીઃ દિલ્હીમાં આગામી સપ્તાહે G20 આંતરરાષ્ટ્રીય સમિટ થવાની છે. જેને ધ્યાનમાં રાખીને શહેરનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઠેર-ઠેર ફુવારા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ ફાઉન્ટેનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં આ ફુવારાનો આકાર બિલકુલ શિવલિંગની જેમ બનાવવામાં આવ્યો છે. જેના પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે.

ભાજપે આપ પાર્ટી પર હિન્દુઓની આસ્થા અને વિશ્વાસની સાથે રમવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે દિલ્હીમાં લગાવવામાં આવેલા ફુવારા બિલકુલ શિવલિંગની જેમ છે અને એ સજાવટ માટે નથી હોતા. ધૌલા કુંવા કોઈ જ્ઞાનવાપી નથી, જ્યાં દિલ્હી સરકારે શિવલિંગના આકારવાળા ફાઉન્ટન લગાવ્યા છે. જ્યારે દેશમાં આટલી મોટી સમિટનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે કોઈ પણ ધર્મનું રાજકારણ ના કરવું જોઈએ. કોઈની પણ આસ્થાની સાથે રમવું એ બહુ ખોટી વાત છે, પણ એ તમારા માટે કોઈ નવી વાત નથી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ચારુ પ્રજ્ઞાએ સોશિયલ મિડિયા પર પોસ્ટ પર એના પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિવલિંગ કોઈ સજાવટ માટે નથી. ધૌલા કુવા જ્ઞાનવાપી નથી. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ધૌલા કૂવા વિસ્તારમાં શિવલિંગની જેમ દેખાતા ફુવારા લગાવી દીધા છે.

 

 

 

 

શાહરૂખના ‘જવાન’નું ટ્રેલર ધમાકેદાર; નેટયૂઝર્સે વખાણ્યું

મુંબઈઃ શાહરૂખ ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. ટ્રેલર એક્શન અને અસરદાર સંવાદોથી ભરપૂર છે. બે મિનિટ અને 45 સેકંડના આ ટ્રેલરનો આરંભ શાહરૂખ ખાનના સ્વરથી થાય છેઃ ‘એક રાજા થા. એક કે બાદ એક જંગ હારતા ગયા… ભૂખા પ્યાસા ઘૂમ રહા થા જંગલ મેં, બહુત ગુસ્સે મેં થા.’

ટ્રેલરમાં લોહીથી ખરડાયેલા હાથ સાથે અને ખૂબ પાટાપીંડી કરેલા શાહરૂખને બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ અપહરણ થાય અને કાર ચેઝિંગના દ્રશ્યો છે, બંદૂકો ફૂટે છે. એક દ્રશ્યમાં માથે ટકલુ શાહરૂખને એક મેટ્રો ટ્રેનમાં પ્રવાસીઓને બાનમાં પકડેલા જોઈ શકાય છે. એને એક સવાલ પૂછવામાં આવે છે, ‘યે બતાઓ તુમ્હે ચાહિયે ક્યા?’ ત્યારે શાહરૂખ જવાબમાં કહે છે, ‘ચાહિયે તો આલિયા ભટ્ટ.’

એટલી દિગ્દર્શિત ‘જવાન’ ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખને વિલનની ભૂમિકા ઉપરાંત એક જવાન (સૈનિક) તરીકે પણ બતાવવામાં આવ્યો છે. તદુપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, નયનતારા અને દીપિકા પદુકોણ જેવી હિરોઈનોની પણ ઝલક બતાવવામાં આવે છે. દીપિકા અને શાહરૂખનો એક ફાઈટ સીન પણ છે.

આ ફિલ્મમાં દક્ષિણી ફિલ્મોનો અભિનેતા વિજય સેતુપતિ શસ્ત્રોના સોદાગર અને ‘કાલી’ નામના ખલનાયકની ભૂમિકા કરી રહ્યો છે. એક એક્શન-પેક્ડ દ્રશ્યમાં શાહરૂખ ખાન બોલે છેઃ ‘બેટે કો હાથ લગાને સે પહલે બાપ સે બાત કર.’

‘જવાન’ ફિલ્મ આવતી 7 સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં વિશ્વ સ્તરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

એશિયા કપઃ બાબર આઝમે અમલાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

કાઠમંડુઃ પાકિસ્તાને એશિયા કપ 2023ની પહેલી જ મેચમાં નેપાળને 238 રનથી સજ્જડ હાર આપી છે. પાકિસ્તાનની વનડેમાં રનની દ્રષ્ટિએ એશિયા કપમાં સૌથી મોટી જીત છે. પાકિસ્તાનની નેપાળની વિરુદ્ધ પહેલી ઇન્ટરનેશનલ મેચ હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે એશિયા કપ 2023ની પહેલી મેચમાં નેપાળની વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. એ સાથે બાબરની વનડેમાં આ 19મી સદી હતી. હાશિમ અમલાએ વનડેમાં 19મી સદી 104 ઇનિંગ્સમાં કરી હતી, જ્યારે બાબરે વનડેમાં 19મી સદી 102મી ઇનિંગ્સમાં ફટકારી હતી. બાબરે આ મામલે વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો છે. વિરાટે 19મી સદી 124 વનડે ઇનિંગ્સમાં પૂરી કરી હતી. આમ બાબર માત્ર કોહલી અને હાશિમ અમલા જ નહીં, બલકે ડિવિલિયર્સ, ક્રિસ ગેઇલ અને સચિન તેન્ડુલકર કરતાં પણ આગળ નીકળી ગયો છે.

આ મેચમાં બાબરે અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. બાબર આઝમ હવે એશિયા કપમાં બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે અને તેણે યુનુસ ખાનને પાછળ છોડી દીધો છે. આ લિસ્ટમાં તે 144 રન સાથે બીજા ક્રમાંકે હતો. પહેલા ક્રમાંકે 183 રન સાથે વિરાટ કોહલી છે.

બાબરે 28 વર્ષની વયે 31મી ઇન્ટરનેશનલ સદી ફટકારી અને સ્ટીવ સ્મિથની બરોબરી કરી હતી. સ્મિથે આ વયે 31 સદી ફટકારી હતી. જોકે 28 વર્ષની વયે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી સચિન તેન્ડુલકરે લગાવી હતી, જેની સંખ્યા 60 હતી. બાબર આઝમની આ ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયાએ સાવધાન થવાની જરૂર છે. પાકિસ્તાનની વિરુદ્ધ બીજી સપ્ટેમ્બરે કેન્ડીમાં આ મેચ રમાશે.

 

 

 

 

વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં રાજ્યમાં સરકાર સાથે ચાર MoU થયા

 ગાંધીનગરઃ સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ભવ્ય રીતે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમિટ અનેક અર્થમાં વિશિષ્ટ બની રહેશે. ગુજરાતની ઓળખ બની ચૂકેલી વાઇબ્રન્ટ સમિટના આયોજનને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ 2.0 તરીકે રજૂ કરાશે, જેમાં આગામી 25 વર્ષનો રોડમેપ બનાવવામાં આવશે.

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ રોકાણ આવવાનું શરૂ થઈ ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલાં જ MoU ટેક્ષટાઇલ સેક્ટર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, પેકેજિંગ ઉદ્યોગમાં રૂ. 1000 કરોડના સંભવિત મૂડીરોકાણ માટે ચાર MOU કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ઉદ્યોગોમાં રોકાણથી રોજગારીની તકો વધે એ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ MoUથી ઉદ્યોગ સ્થપાતાં 10,0000થી વધુ રોજગારનું સર્જન થશે.

એક MoU અંતર્ગત અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કમ્પોઝિટ ટેક્સટાઇલ યુનિટ કાર્યરત થશે. આમાં એલ.બી.ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 450 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સિવાય માંડલ તાલુકાના માનપુરામાં 155 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કની સ્થાપ્ના કરવામાં આવશે. આ ચાર MoU અંતર્ગત એક એમઓયુ મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી સાથે થયા છે. એ 288.75 કરોડનું મૂડીરોકણ કરશે. નવસારીના વેસ્મા અને કાળાકાછામાં ઔદ્યોગિક પાર્ક સ્થપાશે. સરકાર સતત ઉદ્યોગોને યોગ્ય માહોલ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા સરકાર રૂ. 99.12 કરોડનું રોકાણ કરશે. અમદાવાદના ગાંગડમાં બોટલના રિસાયક્લિંગ પ્રોજેક્ટ સ્થપાશે. આ સિવાય FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે રૂ. 161.78 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

કેરળમાં ‘ઓણમ’ની ધૂમઃ તહેવારમાં રૂ. 665 કરોડના દારૂનું વેચાણ

નવી દિલ્હીઃ દેશભરમાં રક્ષાબંધનથી તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ભારતમાં ઓનમના તહેવારનો માહોલ છે. દરેક જણ ઓણમના તહેવારને લઈને ઉત્સાહિત છે. આ તહેવાર ખાસ કરીને કેરળમાં મુખ્ય રીતે ઊજવવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને ખેડૂતોનો આ તહેવાર છે, જે પાક ને સારા મોસમનો આભાર વ્યક્ત કરવા માટે ઊજવવામાં આવે છે.

આ વર્ષે ઓણમ સીઝનમાં લોકોએ ખૂબ જામ છલકાવ્યા છે, જેને જોઈને લાગે કે દેશમાં મોંઘવારી કોઈને નથી નડતી. કેરળમાં દારૂની રેલમછેલ થઈ છે, જેણે પાછલા વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સીઝનના પહેલા નવ દિવસોમાં સોમવાર સુધી રાજ્યમાં રૂ. 665 કરોડના રેકોર્ડ વેચાણ નોંધાયું છે, જે પાછલા વર્ષે રૂ. 624 કરોડની તુલનાએ રૂ. 41 કરોડ વધુ નોંધાયું છે. આ વર્ષે ઓણમ 30 ઓગસ્ટથી શરૂ થઈને આઠ સપ્ટેમ્બર સુધી ચાલશે. એક અહેવાલ અનુસાર કેરળ સ્સેટ બેવરેજીસ કોર્પોરેશનના ‘ઉથ્રાડોમ દિવસે’ બેવકો આઉટલેટ્સના માધ્યમથી દારૂનું કુલ વેચાણ રૂ. 112 કરોડથી વધીને આ વર્ષે રૂ. 116.1 કરોડ નોંધાયું હતું. 

બેવકોના અધિકારીઓએ કહ્યું હતું કે બુધવાર સુધીમાં દારૂનું કુલ વેચાણ રૂ. 770 કરોડ થવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે રૂ. 700.06 કરોડ હતું. મલયાલમ નવું વર્ષ ઓણમના દિવસે શરૂ થાય છે. આ તહેવાર મલયાલમ કેલેન્ડરના ચિંગમ મહિનામાં ઊજવવામાં આવે છે. આ તહેવાર સામાજિક અને સાંસ્કૃતિક એકતાને પ્રતિબિંબિત કરે છે. ઓણમ તહેવારમાં પરંપરાગત નૃત્યો, ભવ્ય શોભાયાત્રા, આનંદસભર મેળાવળા અને પ્રાર્થના દ્વારા રાજા મહાબલીના પરત ફરવાની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓએ પારંપારિક પોશાક પહેરીને નૃત્યો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં 6000થી વધુ દક્ષિણ ભારતીય વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 

 

 

 

 

 

કોરાનાના 50 નવા કેસો, એકનું મોત    

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 50 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,97,167 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,930 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,717 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 51 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1520એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 29,225 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,67,600 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 147 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

વિપક્ષી જોડાણ ‘ઈન્ડિયા’ના નેતાઓની પત્રકાર પરિષદ

28 વિરોધ પક્ષોના બનાવવામાં આવેલા જોડાણ ‘ઈન્ડિયા’ના સભ્ય પક્ષો – કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના (યૂબીટી)ના નેતાઓએ 30 ઓગસ્ટ, બુધવારે મુંબઈમાં વાકોલા (સાંતાક્રુઝ પૂર્વ) વિસ્તારસ્થિત ગ્રેન્ડ હયાત હોટેલમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નાના પટોલે, અશોક ચવ્હાણ, એનસીપીના શરદ પવાર, શિવસેના (યૂબીટી)ના ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તથા અન્ય નેતાઓએ હાજરી આપી હતી. નેતાઓએ કહ્યું હતું કે ‘ઈન્ડિયા’ જૂથમાં સામેલ વિરોધ પક્ષોની જુદી જુદી વિચારધારા છે, પરંતુ એમનો ધ્યેય એક જ છે – 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો. (તસવીરકારઃ દીપક ધુરી)

‘ઈન્ડિયા’ જૂથના નેતાઓની 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર, એમ બે દિવસ માટે મુંબઈમાં બેઠક યોજાવાની છે, જેમાં તમામ સભ્ય પક્ષોના વડાઓ હાજરી આપશે.