કેન્દ્ર સરકારે અચાનક બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર; દેશભરમાં તર્કવિતર્કોને છૂટો દોર

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રને સમાપ્ત થયાને હજી બે અઠવાડિયા પણ નથી થયા ત્યાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારે જાહેરાત કરી છે કે આવતી 18 સપ્ટેમ્બરથી વિશેષ સત્ર શરૂ થશે જે 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સત્ર પાંચ દિવસનું રહેશે. સરકારના આ અફડાતફડી મચાવી દે એવા નિર્ણયથી દેશભરમાં તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. સરકારના નિર્ણયની જાહેરાત કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આજે ટ્વીટ મારફત કરી છે.

વિશેષ સત્રમાં સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભાની કુલ પાંચ બેઠક યોજાશે, એમ પણ જોશીએ વધુમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર ગઈ 20 ઓગસ્ટે શરૂ થયું હતું અને 11 ઓગસ્ટે એનું સમાપન કરવામાં આવ્યું હતું. મણિપુરમાં થયેલી કોમી હિંસાના મુદ્દે તે સત્ર ખૂબ ગાજ્યું હતું.

સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો સમય સૂચક મનાય છે. હાલ દેશભરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ 28 વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયા’ નામે નવું જૂથ બનાવ્યું છે. આ જૂથનો નિર્ધાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો છે.