શિવલિંગના આકારના ફુવારાઃ આપ-ભાજપ વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હીઃ દિલ્હીમાં આગામી સપ્તાહે G20 આંતરરાષ્ટ્રીય સમિટ થવાની છે. જેને ધ્યાનમાં રાખીને શહેરનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઠેર-ઠેર ફુવારા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ ફાઉન્ટેનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં આ ફુવારાનો આકાર બિલકુલ શિવલિંગની જેમ બનાવવામાં આવ્યો છે. જેના પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે.

ભાજપે આપ પાર્ટી પર હિન્દુઓની આસ્થા અને વિશ્વાસની સાથે રમવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું હતું કે દિલ્હીમાં લગાવવામાં આવેલા ફુવારા બિલકુલ શિવલિંગની જેમ છે અને એ સજાવટ માટે નથી હોતા. ધૌલા કુંવા કોઈ જ્ઞાનવાપી નથી, જ્યાં દિલ્હી સરકારે શિવલિંગના આકારવાળા ફાઉન્ટન લગાવ્યા છે. જ્યારે દેશમાં આટલી મોટી સમિટનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે કોઈ પણ ધર્મનું રાજકારણ ના કરવું જોઈએ. કોઈની પણ આસ્થાની સાથે રમવું એ બહુ ખોટી વાત છે, પણ એ તમારા માટે કોઈ નવી વાત નથી.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ચારુ પ્રજ્ઞાએ સોશિયલ મિડિયા પર પોસ્ટ પર એના પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિવલિંગ કોઈ સજાવટ માટે નથી. ધૌલા કુવા જ્ઞાનવાપી નથી. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે ધૌલા કૂવા વિસ્તારમાં શિવલિંગની જેમ દેખાતા ફુવારા લગાવી દીધા છે.