Home Blog Page 2560

એશિયા કપઃ ભારત-પાક મેચને વરસાદનું વિઘ્ન નડી શકે છે

કેન્ડી (શ્રીલંકા): ટીમદીઠ 50 ઓવરોવાળી મેચોની એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે બીજી સપ્ટેમ્બરના શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની, જે મેચ અહીંના પલ્લીકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ એ મેચમાં વરસાદ વિલન બની શકે છે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય એવુંય બની શકે છે.

એ દિવસે બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની એક્યૂવેધર કંપનીએ આગાહી કરી છે. એને કારણે બંને દેશના ક્રિકેટપ્રેમીઓમાં નિરાશા છવાઈ ગઈ છે. ખાનગી વેધશાળા એક્યૂવેધરનું અનુમાન છે કે શનિવારે કેન્ડીમાં સવારના ભાગમાં વરસાદ પડવાની 94 ટકા સંભાવના છે. પરંતુ સમય આગળ વધશે તેમ એ સંભાવના ઘટતી જશે. જેમ કે, બપોરે 74 ટકા અને સાંજે 67 ટકા. એશિયા કપ સ્પર્ધા પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાઈ રહી છે. બધી મેચો ડે-નાઈટ છે. શ્રીલંકામાંની મેચો ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થાય છે. ટોસ અઢી વાગ્યે ઉછાળવામાં આવે છે. ગઈ કાલથી શરૂ થયેલી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ-Bમાં છે. ત્રીજી ટીમ છે નેપાળ. ગઈ કાલે સ્પર્ધાની પ્રારંભિક મેચમાં પાકિસ્તાને નેપાળને 238 રનથી પરાજય આપ્યો હતો.

વરસાદની આગાહીને કારણે શનિવારની મેચ વિશે અત્યારથી જ તૈયારી કરવાનો આયોજકો પાસે પૂરતો સમય છે. વરસાદ વિલન બને તો મેચને 20-20 ઓવરોવાળી પણ કરી શકાય. ધારો કે બંને ટીમને પોઈન્ટ્સ વહેંચી દેવામાં આવશે તો પાકિસ્તાન ગ્રુપની ટોચની ટીમ બનીને આપોઆપ સુપર-4 રાઉન્ડમાં પહોંચી જશે. ભારતે ત્યારબાદ 4 સપ્ટેમ્બરે નેપાળને હરાવવું જ પડશે. ઉલ્લેખનીય છે કે, 2019માં, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફ્ફર્ડ મેદાન પર વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. તે મેચમાં ભારત ડીએલએસ પદ્ધતિ અનુસાર 89 રનથી વિજયી બન્યું હતું.

બાળકની જેમ ચાંદામામાના આંગણામાં રમતું જોવા મળ્યું પ્રજ્ઞાન રોવર, ISROએ શેર કર્યો સુંદર વીડિયો

ભારતના ચંદ્રયાન-3 મિશનના પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર સંશોધન કરવાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રોવર શોધખોળ કરવાને બદલે તોફાની બાળકની જેમ મસ્તી કરતું જોવા મળે છે. ચંદ્રયાનના વિક્રમ લેન્ડરમાંથી રોવર ગોળ ગોળ ફરતા હોવાનો વીડિયો લેવામાં આવ્યો છે. ઈસરોએ આ વીડિયો તેના સત્તાવાર X એકાઉન્ટ (અગાઉના ટ્વિટર) પર શેર કર્યો હતો. જે જોતા જ વાયરલ થઈ ગયો હતો. ચંદ્રયાન મિશન રોવરની આ તોફાની શૈલી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

 

ઈસરોએ 24 સેકન્ડના આ વીડિયો સાથે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘રોવરને સુરક્ષિત માર્ગની શોધમાં ફેરવવામાં આવ્યું હતું. આ પરિભ્રમણ લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યું હતું. એવું લાગે છે કે જાણે કોઈ બાળક ચાંદામામાના આંગણામાં મસ્તી કરી રહ્યું છે અને માતા પ્રેમથી જોઈ રહી છે.  ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ છે. ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરની મદદથી ચંદ્ર પર ઉતર્યું. પ્રજ્ઞાન રોવર હવે વિક્રમ લેન્ડરમાંથી બહાર આવી રહ્યું છે અને ચંદ્ર પર તપાસ કરી રહ્યું છે. એક દિવસ પહેલા, એવું જાણવા મળ્યું છે કે રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન અને સલ્ફરની હાજરી મળી છે.

આઇસી15 ઇન્ડેક્સ 311 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રોફિટ બુકિંગને લીધે ગુરુવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.87 ટકા (311 પોઇન્ટ) ઘટીને 35,479 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,790 ખૂલીને 35,813ની ઉપલી અને 35,263 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટક કોઇનમાંથી સોલાના, પોલકાડોટ, યુનિસ્વોપ અને અવાલાંશ 1થી 4 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

દરમિયાન, ભારતની નોંધપાત્ર ઘટનામાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ફાલ્કન નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવાની છે. બ્લોકચેઇન આધારિત પેમેન્ટ સોલ્યુશન વિકસાવવામાં ડેવલપરોને મદદરૂપ થવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે.

જમૈકાથી પ્રાપ્ત અહેવાલ અનુસાર દેશમાં ટેક્સી અને બસના ચાલકો સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરવા તત્પર છે. તેઓ એના લાભ મેળવવા માગે છે.

યુવા નાટ્ય અભિનેતા કમલેશ ઓઝાએ વિદ્યાર્થીઓ સાથે કરી રસપ્રદ ગોષ્ઠી

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.કે. શ્રોફ ડિગ્રી અને જુનિયર કોલેજ ઓફ આર્ટ્સ અને કોમર્સના ગુજરાતી સાહિત્ય મંડળે કવિ નર્મદની ૧૯૦મી જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરી.

‘ચાલો મળીએ એક ગરવા ગુજરાતીને’ શિર્ષક હેઠળ એક અનોખી મુલાકાત વિદ્યાર્થીઓ સાથે આયોજિત થઈ. ગત તારીખ 29 ઓગસ્ટના રોજ કાર્યક્રમમાં ગુજરાતી નાટ્યજગતના ખ્યાતનામ યુવા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક કમલેશ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી માધ્યમથી ભણેલા આ કલાકારે ભાષાથી કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા મેળવી શકાય છે એમ સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. એમણે કહ્યું કે, પ્રયત્ન સતત કરો બાકી સફળતા આપમેળે મળશે. સફળતા માટે આત્મવિશ્વાસ અને સતત ધગશ રાખવી.

એમણે વિદ્યાર્થીઓનાં પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. મંડળના પ્રમુખ ડો. લીલી ભૂષણનો સહકાર અને સંસ્થાના ટ્રસ્ટીમંડળનું પ્રોત્સાહન મળતાં કાર્યક્રમનું આયોજન ઉત્સાહસભર રહ્યું.

Q1માં GDP ગ્રોથ 7.8 ટકા રહ્યોઃ ચાર ત્રિમાસિકમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રએ લાંબી છલાંગ ભરી છે. સરકારી આંકડાઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ વધીને 7.8 ટકાએ પહોંચ્યો છે. આ પહેલાં માર્ચ ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.1 ટકા નોંધાયો હતો. જ્યારે ગયા વર્ષે જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 13.1 ટકા રહ્યો હતો, સરકારે જારી કરેલા ડેટામાં આ માહિતી આપી હતી.

જોકે રિઝર્વ બેન્કે આઠ ટકા GDP ગ્રોથ અંદાજ્યો હતો.  આ પહેલાં નાણાકીય વર્ષ 2023માં દેશનો GDP ગ્રોથ 7.2 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ચીનનો GDP ગ્રોથ 6.3 ટકા રહ્યો હતો. વિશ્વમાં મુખ્ય દેશોમાં ભારત હજી પણ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

સરકાર દ્વારા જારી થયેલા આકંડા મુજબ જૂન ત્રિમાસિકમાં કૃષિ GDP ગ્રોથ 3.5 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલાં આ ત્રિમાસિકમાં 2.4 ટકા હતો. જોકે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ગ્રોથ જૂન ત્રિમાસિક ગાળામાં ઘટીને 4.7 ટકા રહ્યો હતો. જે એક વર્ષ પહેલાં 6.1 ટકા હતો.

 

 

 

 

 

 

BIG NEWS : સંસદના વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે

કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે. કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે.

દેશમાં લાંબા સમયથી ‘વન નેશન-વન ઈલેક્શન’ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે રાજકીય પક્ષોને આ અંગે છ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું હતું. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે. 22મા કાયદા પંચે રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના મંતવ્યો માંગતી જાહેર નોટિસ બહાર પાડી હતી. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એકસાથે ચૂંટણી યોજવાથી કોઈ પણ રીતે લોકશાહી, બંધારણના મૂળભૂત માળખાનું કે દેશના સંઘીય માળખાનું ઉલ્લંઘન થાય છે? કમિશને એમ પણ પૂછ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા અથવા ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમતી ન હોય, ત્યારે વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની નિમણૂક ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર દ્વારા કરી શકાય છે. છે?

ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી

અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ-અલગ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વ્હેલ શાર્કના સંરક્ષણના પ્રયાસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી.

આ ઉપરાંત દેવેન મહેતા, પ્રોગ્રામ ઓફિસર ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા વિદ્યાર્થીઓને વ્હેલ શાર્ક વિશે ઊંડાણપુર્વક માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં એમ.જી.સાયન્સ કોલેજ, ગાંધીનગર સાયન્સ કોલેજ, મણીનગર સાયન્સ કોલેજ અને એફ.ડી. વુમન સાયન્સ કોલેજના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ સાથે વિદ્યાર્થીઓએ સરકારના મિશન લાઇફ કાર્યક્રમ વિશે પણ જાણકારી મેળવી હતી. ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે આવા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો કરતી રહે છે.

 

 

 

 

 

 

ટીવી, ડિજિટલ બંનેમાં બીસીસીઆઈના મિડિયા રાઈટ્સ અંબાણીએ જીત્યા

મુંબઈઃ વાયકોમ18 કંપનીએ આવતા પાંચ વર્ષ માટે ટીવી અને ડિજિટલ, બંને માધ્યમમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના મિડિયા રાઈટ્સ હાંસલ કર્યા છે. આની જાહેરાત બીસીસીઆઈના માનદ્દ સચિવ જય શાહે કરી છે. આજે યોજવામાં આવેલા ઈ-ઓક્શનમાં વાયકોમ18 કંપનીએ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને ડિઝની હોટસ્ટારને પરાજય આપ્યો છે. વાયકોમ18 મિડિયા પ્રા.લિ. મુંબઈસ્થિત મિડિયા કંપની છે. તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની નેટવર્ક18 ગ્રુપ અને પેરામાઉન્ટ ગ્લોબલનું સંયુક્ત સાહસ છે. તેની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. તે ભારતમાં અનેક ટીવી ચેનલ્સ તેમજ કન્ટેન્ટ પ્રોડક્શન સ્ટુડિયોઝની માલિકી ધરાવે છે.

જય શાહે ટ્વીટ કરીને વાયકોમ18ને અભિનંદન આપ્યા છે. એમણે સાથોસાથ, પાંચ વર્ષ સુધી બીસીસીઆઈને ટેકો આપવા બદલ સ્ટાર ઈન્ડિયા અને ડિઝની પ્લસ હોટસ્ટારનો આભાર પણ માન્યો છે.

બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે વાયકોમ18 નવાંગતુક છે. પોતાની ટીવી ચેનલ સ્પોર્ટ્સ18 અને ડિજિટલ પ્લેટફોર્મ જિયો સિનેમાની મારફત એ 2027ની સાલ સુધી મહિલાઓની પ્રીમિયર લીગ સ્પર્ધાના ટીવી અને ડિજિટલ રાઈટ્સ ધરાવે છે. તેણે 2024-31 સુધી ભારતમાં પ્રસારિત થનાર દક્ષિણ આફ્રિકા સાથેની મેચોના રાઈટ્સ પણ મેળવ્યા છે. વાયકોમ18એ બીસીસીઆઈના મિડિયા રાઈટ્સ ડિઝની હોટસ્ટાર પાસેથી લઈ લીધા છે. ડિઝની સ્ટારે રૂ. 6,138 કરોડમાં 2018-23 સુધીના સમયગાળા માટે ટીવી અને ડિજિટલ રાઈટ્સ જીત્યા હતા.

દક્ષિણ આફ્રિકા: બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 73 લોકોના મોત, 52 થી વધુ ઘાયલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 73 લોકોના મોત થયા છે, જ્યારે 52થી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરના મધ્યમાં સ્થિત બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરુવારે સવારે આગ લાગી હોવાના અહેવાલ છે. ફાયર ફાઈટરોએ અત્યાર સુધીમાં 73 મૃતદેહોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા છે.

 

જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ બચાવ કામગીરીમાં સામેલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં આગ લાગી હતી તે બિલ્ડીંગનો ઉપયોગ બેઘર લોકો માટે બિનસત્તાવાર આવાસ તરીકે થતો હતો અને તેના માટે કોઈ સત્તાવાર ભાડા કરાર નથી. બિલ્ડીંગમાં આટલા બધા લોકો એકસાથે હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં 200 થી વધુ લોકો હોવાની શક્યતા છે. હાલમાં બહુમાળી બિલ્ડીંગમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જો કે ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગના મોટા ભાગ પર કાબુ મેળવ્યો હતો. આમ છતાં બિલ્ડિંગના મોટા ભાગમાં બારીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ સિવાય બેડશીટ્સ અને અન્ય વસ્તુઓ પણ બારીઓમાંથી લટકતી જોઈ શકાય છે. તે સ્પષ્ટ નથી કે લોકોએ તેનો ઉપયોગ ઇમારતમાંથી ભાગી જવા માટે કર્યો હતો અથવા તેમની વસ્તુઓને પુનઃપ્રાપ્ત કરવા માટે બારીઓમાંથી વસ્તુઓ ફેંકી હતી.

ઓછા વ્યાજદરવાળી હોમ લોન યોજના સપ્ટેમ્બરમાં લોન્ચ થશેઃ પુરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 15 ઓગસ્ટે આપેલા ભાષણમાં સસ્તી હોમ લોન યોજનાનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શહેરોમાં ભાડાનાં ઘરોમાં રહેતા લોકો આ હોમ લોન યોજનાનો લાભ ઉઠાવી શકશે. આ યોજના સપ્ટેમ્બર, 2023માં લોન્ચ થશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ યોજનાના નિયમો અને શરતો પર વિચાર થઈ રહ્યો છે. રોજગારની શોધમાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આવે છે. તેઓ ભાડાનાં ઘરોમાં રહે છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયના સચિવ મનોજ જોશીએ કહ્યું હતું શહેરોમાં પોતાના ઘરની ઇચ્છા રાખતા લોકોને ઓછા વ્યાજદરવાળી હોમ લોનની યોજના સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ યોજનાથી મધ્યમ ક્લાસના લોકોને મદદ મળશે, જેમની પાસે ઘર નથી. તેમણે કહ્યું હતું કે મિડલ ક્લાસનાં લોકો શહેરોમાં ઘરનું સપનું હવે સાકાર કરી શકશે. અમે જલદી એક યોજના શરૂ કરીશું.

લાલ કિલ્લા પરથી વડા પ્રધાને કહ્યું હતું કે અમે ઓછા વ્યાજદરે હોમ લોન આપીને ભાડાનાં ઘરોમાં રહેતા લોકોની મદદ કરવાની યોજના તૈયાર કરી છે. એનાથી તેમને લાખો રૂપિયાની મદદ મળશે. ગયા વર્ષે મે મહિનામાં હોમ લોન પરના વ્યાજદર બહુ વધી ગયા હતા. RBIએ મોંઘવારી દરને કાબૂમાં કરવા માટે વ્યાજદર વધારવા શરૂ કર્યા હતા. જેથી હોમ લોન લેનારા લોકો પર EMIનો બોજ વધી ગયો હતો.