એશિયા કપઃ બાબર આઝમે અમલાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

કાઠમંડુઃ પાકિસ્તાને એશિયા કપ 2023ની પહેલી જ મેચમાં નેપાળને 238 રનથી સજ્જડ હાર આપી છે. પાકિસ્તાનની વનડેમાં રનની દ્રષ્ટિએ એશિયા કપમાં સૌથી મોટી જીત છે. પાકિસ્તાનની નેપાળની વિરુદ્ધ પહેલી ઇન્ટરનેશનલ મેચ હતી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે એશિયા કપ 2023ની પહેલી મેચમાં નેપાળની વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. એ સાથે બાબરની વનડેમાં આ 19મી સદી હતી. હાશિમ અમલાએ વનડેમાં 19મી સદી 104 ઇનિંગ્સમાં કરી હતી, જ્યારે બાબરે વનડેમાં 19મી સદી 102મી ઇનિંગ્સમાં ફટકારી હતી. બાબરે આ મામલે વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો છે. વિરાટે 19મી સદી 124 વનડે ઇનિંગ્સમાં પૂરી કરી હતી. આમ બાબર માત્ર કોહલી અને હાશિમ અમલા જ નહીં, બલકે ડિવિલિયર્સ, ક્રિસ ગેઇલ અને સચિન તેન્ડુલકર કરતાં પણ આગળ નીકળી ગયો છે.

આ મેચમાં બાબરે અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. બાબર આઝમ હવે એશિયા કપમાં બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે અને તેણે યુનુસ ખાનને પાછળ છોડી દીધો છે. આ લિસ્ટમાં તે 144 રન સાથે બીજા ક્રમાંકે હતો. પહેલા ક્રમાંકે 183 રન સાથે વિરાટ કોહલી છે.

બાબરે 28 વર્ષની વયે 31મી ઇન્ટરનેશનલ સદી ફટકારી અને સ્ટીવ સ્મિથની બરોબરી કરી હતી. સ્મિથે આ વયે 31 સદી ફટકારી હતી. જોકે 28 વર્ષની વયે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી સચિન તેન્ડુલકરે લગાવી હતી, જેની સંખ્યા 60 હતી. બાબર આઝમની આ ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયાએ સાવધાન થવાની જરૂર છે. પાકિસ્તાનની વિરુદ્ધ બીજી સપ્ટેમ્બરે કેન્ડીમાં આ મેચ રમાશે.