Home Blog Page 2496

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સેમિકંડક્ટર પ્લાન્ટનું ગુજરાતમાં ખાતમુહૂર્ત

સાણંદ GIDC ખાતે ‘માઇક્રોન’ના સેમિકંડક્ટર પ્લાન્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં સેમિકંડક્ટર ઉત્પાદન માટેનું આ સૌપ્રથમ એકમ છે. ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો અશ્વિની વૈષ્ણવ તથા જી. ચંદ્રશેખર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટના બે દાયકા પૂર્ણ થવા સમયે જ ગુજરાત સેમિકંડક્ટર ક્ષેત્રે આગવું પગલું ભરી રહ્યું છે એમ જણાવી મુખ્યમંત્રીએ સાણંદમાં માઇક્રોનના પ્લાન્ટના ભૂમિપૂજનને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો. સાથોસાથ વાયબ્રન્ટના ૨૦ વર્ષ પુરા થવાને ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે થનારી ઉજવણીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માઇક્રોન અને સરકાર વચ્ચે પહેલા એમોયુના ત્રણ મહિનામાં જ અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. માઇક્રોનનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાત આવનારા સમયમાં સેમિકંડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શરૂઆત ગણાવી. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટથી આગામી વર્ષોમાં ૨૦ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. સાથોસાથ સાણંદની આસપાસના વિસ્તારમાં વૈશ્વિક સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે એમ તેમણે ઉમેર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય આઈ.ટી. અને રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્લાન્ટના નિર્માણ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી છે. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ ૧૭૦૦૦ કરોડ હતું જે આજે ૨૨ ગણું વધીને ૩.૬૫ લાખ કરોડ થયું, પહેલા મોબાઈલનું એક્સપોર્ટ ૭ હજાર કરોડનું હતું જે આજે ૧૩ ગણું વધીને ૯૧ હજાર કરોડ થયું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પહેલા ૧.૯૦ લાખ કરોડનું હતું જે આજે ૮.૩૦ લાખ કરોડ પર પહોંચ્યું છે.

કેન્દ્રીય રાજયમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પ્રતિદિન નવા આયામો રચી રહ્યું છે ત્યારે માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી ભારતને સેમિકંડક્ટર દેશ બનાવવાંના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. અમેરિકન કંપની માઇક્રોન વિવિધ તબક્કામાં ૨૨,૫૧૬ કરોડના ખર્ચે સેમિકંડક્ટર અને માઈક્રોપ્રોસેસિંગ ચીપના ઉત્પાદન માટે પ્લાન્ટ બનાવશે. આ પ્રોજેકટ ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નાગપુરમાં પૂર જેવી સ્થિતિ, 500 લોકોનું કરાયું રેસ્ક્યુ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરુવારથી સતત વરસાદ થઈ રહ્યો છે. શનિવારે અહીં ચાર કલાકમાં ચાર ઇંચ એટલે કે 100 મિલીમીટર વરસાદ થયો હતો. એમાં અંબાઝરી લેક ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયાં હતાં એનાથી પૂર જેવી સ્થિતિ બની ગઈ છે.

રાજ્યના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મિડિયા પર જણાવ્યું હતું કે NDRF અને SDRFની ટીમો રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી આશરે 500 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ વરસાદી પાણીથી ભરાઈ ગયાં છે. શહેરમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. ભારે વરસાદને જોતા શહેરના કલેક્ટરે જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે નાગપુરમાં 106 મીમી વરસાદ નોંધાયો છે. નાગપુરના મોર ભવન બસ ડેપોમાં પાણી ઘૂસી ગયા છે. અનેક બસો પાણીમાં ફસાઈ ગઈ છે. અમુક લોકો પાણીમાં ફસાઈ જતા NDRF અને SDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું.

હવામાન વિભાગે નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, અમરાવતી, યવતમાલ અને ગઢચિરોલીમાં આજે વરસાદની સંભાવના છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય રહેશે. રાજ્યના બે જિલ્લા નાગપુર અને રાયગઢને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

NIAએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના પ્રમુખ ગુરુપતવંત સિંહ પન્નુની NIAએ અમૃતસર અને ચંડીગઢમાં આવેલી સંપત્તીઓ જપ્ત કરી છે. આ પહેલાં  2020માં પણ પન્નુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પન્નુ હાલ અમેરિકામાં છે અને તે સતત ભારતવિરોધી વિડિયો જારી કરતો રહે છે.  

NIAએ અમૃતસરના પન્નુના પૈતૃક ગામ ખાનકોટ ગામમાં 46 કનાલની કૃષિ સંપત્તિ જપ્ત કરી છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15-Cમાં છે. પન્નુને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે. દિલ્હીમાં G20 શિખર સંમેલનથી ચાર સ્ટેશનો અને એક બિલ્ડિંગ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. પન્નુના કહેવાથી દિલ્હીમાં મેટ્રો સ્ટેશન અને બિલ્ડિંગ પર પંજાબના યુવકોએ ખાલિસ્તાનના સૂત્રો લખ્યાં હતાં.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ફરી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ઓટાવામાં મીડિયા સાથે વાત કરતાં ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે થોડાં અઠવાડિયાં પહેલાં જ ભારત સરકાર સાથે આ પુરાવા મોકલ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી અમને તપાસમાં સહકાર આપે.

કોણ છે પન્નુ?

પંજાબના ખાનકોટનો ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકી નાગરિક છે. તે પંજાબ યિનિવર્સિટીમાંથી લો કર્યા પછી વિદેશ ચાલ્યો ગયો હતો. તે ત્યાંથી ખાલિસ્તાની કામગીરી કરતો રહે છે. તે ભારત વિરોધ ઝેર ઓકતો રહે છે. તેના સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ પર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો.

 

 

 

 

 

 

રસમલાઈ મોદક

ગણપતિ બાપાને મોદક ભાવતો પ્રસાદ છે. રસમલાઈ મોદક સહેલાઈથી બનાવી શકાય છે. વળી, પ્રસાદમાં વેરાયટી પણ તો બનશે!

સામગ્રીઃ

  • તાજું પનીર 300 ગ્રામ (લગભગ 2 કપ)
  • દૂધ પાવડર 1 કપ
  • દળેલી ખાંડ ½ કપ
  • ઘી 3 ટી.સ્પૂન
  • પીળો કલર 1 ટીપું (Optional)

મોદક સજાવટ માટેઃ

  • સૂકા ગુલાબની પાંખડીઓ 1 કપ
  • કેસરના તાંતણા 1 ટે.સ્પૂન
  • બદામ અથવા પિસ્તાની કતરણ

રીતઃ પનીરને નાના ચોરસ ટુકડામાં કટ કરી લઈ તેને મિક્સીમાં પીસી લો. હાથેથી પણ મેશ કરી શકાય છે. હવે દળેલા પનીરને એક નોનસ્ટીક પેનમાં લઈ લો. તેમાં દૂધ પાવડર તેમજ દળેલી ખાંડ તવેથા વડે મેળવી લો.

હવે આ નોનસ્ટીક પેનને ગેસની ધીમી મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. તવેથા અથવા સ્પેટુલા વડે મિશ્રણને એકસરખું હલાવતાં રહો. 5-7 મિનિટમાં આ મિશ્રણ ઘટ્ટ થઈને તૈયાર થઈ જશે. ત્યારબાદ ગેસ બંધ કરીને થોડીવાર મિશ્રણ પેનમાં જ રહેવા દો.

ત્યારબાદ એક ટ્રે તેમાં મિશ્રણ નાખીને થોડું ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં 1 ટે.સ્પૂન જેટલી ગુલાબની પાંખડીઓ, 8-10 કેસરના તાંતણા, તેમજ ડ્રાયફ્રુટની થોડી કાતરી ભેળવી દો.

હવે મિશ્રણ ઠંડું થઈ ગયું હોય તો મોદક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લો. મોલ્ડની બંને સાઈડના ખાનામાં 1-1 ગુલાબની પાંખડી, કેસરનો તાંતણો તેમજ બદામ-પિસ્તાની કાતરી મૂકીને તેમાં માવાનું મિશ્રણ ભરી દો. મોલ્ડ બંધ કરીને મોલ્ડની બહાર વધેલું મિશ્રણ કાઢી લો. મોલ્ડ ખોલીને તૈયાર મોદક એક પ્લેટમાં કાઢી લો.

અંબાજી મેળામાં લાખો દર્શનાર્થીઓ માટે તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ

પાલનપુરઃ અંબાજીમાં આજથી આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલને હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. 23થી 29 સપ્ટેમ્બરમાં યોજાઈ રહેલા આ મહામેળાનો કલેક્ટરે શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચુંબી જયઘોષ કર્યા હતા.

કલેક્ટર સહિત મહાનુભાવોએ સેવા કેમ્પમાં શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી માતાજીની પૂજા-અર્ચના કરી  અંબાજીની યાત્રા સુખરૂપ નીવડે એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.  આ પ્રસંગે માહિતી આપતાં કલેકટરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમનો મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું તેમણે જણાવ્યુ હતું.

ભાદરવી મેળો શરૂ થતાં અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. રસ્તાઓ ઉપર વિવિધ સેવા કેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે. ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિબેન વર્મા સહિત અધિકારીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડાની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગના ચોમાસાની વિદાયના વરતારા સાથે વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે  બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડથી થોડાક જ અંતરે ત્રાંસી દિશામાં પણ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. ચીન તરફની આ સિસ્ટમ  બંગાળની ખાડીની સિસ્ટમ કરતાં વધારે મજબૂત બની રહી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ચક્રવાતની સીધી જ અસર દેશ પર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ વાવાઝોડું દેશ અને ગુજરાત તરફ કેટલું ફંટાશે અને કેટલી અસર કરશે?રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જોકે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે.

બીજી તરફ, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.

વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિ ભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

આર્થિક જવાબદારી અને ધાર્મિક અનુદાન વચ્ચે સંતુલન

શક્તિતોઽપચમાનેભ્યો દાતવ્યં ગૃહમેધિના ।

સંવિભાગશ્ચ ભૂતેભ્યઃ કર્તવ્યોઽનુપરોધતઃ ।।4.32।।

મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.32માં એક અત્યંત અગત્યની વાત કહેવામાં આવી છે. ખરું પૂછો તો એમાં એક સાથે બે બાબતોનો બોધ આપવામાં આવ્યો છે. પહેલી બાબત છે ગૃહસ્થની જવાબદારીની. જેઓ આ સંસારનો ત્યાગ કરી ચુક્યા છે એવા સંતો અને સાધુ-મહાત્માઓનું ભરણપોષણ કરવાની જવાબદારી ગૃહસ્થની છે. સાધુ-સંતો જ્ઞાનની પ્રાપ્તિ માટે આ જગતનો ત્યાગ કરે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કર્યા બાદ સમાજના લાભ માટે લોકોને બોધવચનો કહે છે. સાધુ-સંતો ચિંતન-મનન કરી શકે અને જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે તે માટે તેમને આજીવિકા રળવાની જંજાળ હોવી જોઈએ નહીં આથી જ એમના ભરણપોષણની જવાબદારી ગૃહસ્થો નિભાવી લે તે આવશ્યક છે. આમ, સામાજિક જીવનમાં ગૃહસ્થો સાધુ સંતોનું ભરણપોષણ કરે અને સાધુ-સંતો પોતે અર્જિત કરેલા જ્ઞાનનો લાભ ગૃહસ્થને આપે. આ રીતે બંને પક્ષે લાભની સ્થિતિનું નિર્માણ થાય છે.

સાધુ-સંતો ગૃહસ્થોને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન આપે છે અને તેના બદલામાં ગૃહસ્થો એ લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનું ધ્યાન રાખે છે. સાધુ સંતો અને મહાત્માઓની આવશ્યકતાઓનું ધ્યાન રાખતી વખતે ગૃહસ્થોએ એ વાતની તકેદારી લેવી જોઈએ કે પહેલાં પોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતો સંતોષાતી હોવી જોઈએ. આમ, ગૃહસ્થોએ પહેલા પોતાની તથા પરિવારજનોની જરૂરિયાતો સંતોષવાની અને પછી સાધુ-સંતો-મહાત્માઓની આવશ્યકતાઓનું ધ્યાન રાખવાની બેવડી જવાબદારી નિભાવવાની હોય છે. અહીં ખાસ જણાવવાનું કે એકના ભોગે બીજું કામ થવું જોઈએ નહીં.

અહીં મને થોડા વખત પહેલાં મારા પ્રવાસનો અનુભવ યાદ આવે છે. હું મારા વતનમાં જઈ રહ્યો હતો. રસ્તામાં કૉલેજકાળનો મારો મિત્ર મળ્યો. એ કોઈ જાત્રાએ જઇ રહ્યો હતો. તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે તેણે પોતાનો બિઝનેસ વેચીને હવે મોટાભાગનો સમય ધાર્મિક સ્થળોએ જઈને સાધુ-સંતોની સેવામાં ગાળવાનો નિર્ણય લીધો છે. એણે મને એમ પણ જણાવ્યું કે મંદિરો તથા અન્ય સખાવતી સંસ્થાઓના બાંધકામ માટે તેણે મોટી રકમનું દાન પણ કર્યું છે.

વાતચીત દરમ્યાન મેં તેને પોતાના પરિવાર માટે અલગથી રખાયેલી સંપત્તિ વિશે પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે પરિવારજનો પોતાની વ્યવસ્થા કરવા સક્ષમ છે. તેણે પરિવારજનો માટે નાણાકીય વ્યવસ્થા કર્યા વગર જ પરિવારને છોડી દીધો છે અને એ ફક્ત સામાજિક કાર્ય કરશે એવું ધારી લેવું અનુચિત કહેવાશે. જોકે, વાચકોને તો અહીં એટલું જ કહેવાનો ઉદ્દેશ્ય છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવું ના થવું જોઈએ. ટૂંકમાં, વ્યક્તિએ પોતાની સંપૂર્ણ સંપત્તિ દાનમાં આપી દેવી જોઇએ નહીં. પોતાનું તથા પરિવારજનોનું ભરણપોષણ થતું રહે એ માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં આવેલી હોવી જોઈએ. ગૃહસ્થને કહેવાયું છે કે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ તેણે મદદ કરવી જોઈએ. આપણે ધાર્મિક કોને કહેવાય અને ધાર્મિક સિવાયની પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશે પછીથી વાત કરીશું. અત્યારે તો એટલું જ કહેવાનું છે કે મનુએ જણાવ્યા મુજબ આપણે ઘરસંસાર અને સાધુ-સંતોની સેવા આ બન્નેને સરખું જ મહત્વ આપવું જોઈએ.

અહીં આપણે ઘણી જ સૂક્ષ્મ વાત કરી રહ્યા છીએ. કેટલીકવાર લોકો ધાર્મિક પ્રવૃતિઓ માટે દાન આપે છે, પરંતુ તેની પાછળનો સૂક્ષ્મ ભાવ પોતાનો અહમ્ સંતોષવાનો હોય છે. આવી સૂક્ષ્મ લાગણી ઘણી વખત બહાર દેખાઈ આવતી નથી. કેટલીકવાર સામાજિક દબાણને કારણે અથવા તો દેખાદેખીને કારણે પોતાનું નામ મોટું કરવા માટેની ઇચ્છાને વશ થઈને લોકો દાન આપતા હોય છે. ખરા અર્થમાં આવા દાનને ધાર્મિક પ્રવૃતિ કહી શકાય નહીં. જો ઘર-પરિવાર, બાળકો, વગેરેની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરીને આવી ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ પૈસા ખર્ચવામાં આવે તો શક્ય છે કે પછીથી એ જ બાળકો અને પરિવારજનોના મનમાં સમાજ, સમુદાય કે ધર્મ પ્રત્યે દુર્ભાવ નિર્માણ થઈ શકે છે. છેલ્લે એટલું જ કહેવાનું કે પારિવારિક જવાબદારીઓનું જતન કરવાની સાથે-સાથે સંતોની આવશ્યકતાઓ પૂરી કરવાની જવાબદારી નિભાવવી એ દોરડા પર ચાલવાની કસરત સમાન બાબત છે. તેમાં વ્યક્તિએ સંતુલન રાખવું અત્યંત આવશ્યક છે.

આ વાત પરથી કબીરજીનો દોહો યાદ આવે છેઃ સાંઈ ઇતના દિજિએ, જામે કુટુમ સમાય, મૈં ભી ભૂખા ના રહૂં, સાધુ ન ભૂખા જાય.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

ભારતીય ટીમ વિશ્વ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં નંબર વન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ગઈ કાલની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ રચ્યો હતો. કે. એલ રાહુલના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગઈ કાલે મોહાલીમાં ભારતીય ટીમને 27 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત મળી હતી. આ પહેલાં નવંબર, 1996માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ટીમ ઇન્ડિયા ICC ODI ટીમ રેન્કિંગમાં નંબર-1 પર આવી ગઈ છે. ટીમે પાકિસ્તાનને પાછળ છોડીને વન-ડેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વન-ડેમાં નંબર-1 બનવાની સાથે જ ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની ગઈ. ટીમ ટેસ્ટ અને T20માં પહેલેથી જ નંબર-1 પર છે. વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયા આવો કમાલ કરનાર બીજી ટીમ બની છે.

ટીમ ઈન્ડિયા આવું પરાક્રમ કરનાર એશિયામાં પહેલી ટીમ બની ગઈ છે. ઓવરઓલ ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર માત્ર બીજી ટીમ બની છે. ભારત પહેલાં દક્ષિણ આફ્રિકાની ટીમ ઓગસ્ટ 2012માં ગ્રીમ સ્મિથની આગેવાનીમાં ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની હતી.

ભારત સામેની શ્રેણીની છેલ્લી 2 વન-ડે મેચ જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ હવે નંબર-1 પર આવી શકશે નહીં. પરંતુ જો તે બંને વન-ડે જીતી જાય તો ભારત નંબર-2 અને પાકિસ્તાનની ટીમ નંબર-1 પર પહોંચી જશે.

હવે જો ભારત ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે વન-ડે જીતવામાં સફળ થશે તો ટીમ નંબર વન પર પોતાનું સ્થાન મજબૂત કરશે. જો ભારત વન-ડે શ્રેણી 3-0થી જીતે છે તો તેના 118 પોઇન્ટ્સ થઈ જશે જ્યારે પાકિસ્તાન 115 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા 109 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર રહેશે.

ટીમ ઇન્ડિયા પહેલેથી જ વન-ડેની સાથે ટેસ્ટ અને T20 બંને ફોર્મેટમાં નંબર-1 પર છે. T20માં ટીમના 264 પોઇન્ટ છે, આ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ 261 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. ટીમ ઇન્ડિયા 118 પોઇન્ટ સાથે ટેસ્ટમાં પહેલા સ્થાન પર છે. આ ફોર્મેટની ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમના પણ 118 પોઇન્ટ છે.

 

 

 

 

 

 

 

ઓ.પી. નૈયરની સંગીત નૈયા પાર લાગી

ઉડે જબ જબ જુલ્ફેં તેરી, ફિર વો હી દિલ લાયા હૂં, બહુત શુક્રિયા બડી મેહરબાની જેવા ગીતોના સંગીતકાર ઓ.પી. નૈયર વિશે આમ તો કેટલાક પુસ્તકો પ્રગટ થયા છે પરંતુ એમણે વિવિધ ભારતીના રેડિયો કાર્યક્રમ ‘ઉજાલે ઉનકી યાદોં કે’ માં કમલ શર્મા સાથે પોતાના જીવન અને સંગીતની કેટલીક અજાણી અને રસપ્રદ વાતો કરી છે એ સંગીત રસિકોએ ખાસ જાણવા જેવી છે. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ ના રોજ લાહોરમાં જન્મેલા ઓ.પી. ૨૧ વર્ષ સુધી ત્યાં રહ્યા અને ભાગલા પડ્યા પછી ભારતમાં આવી ગયા હતા. તે બાર વર્ષના હતા ત્યારે લાહોર રેડિયો પર બાળકોનો કાર્યક્રમ આપવા લાગ્યા હતા.

એક કાર્યક્રમના પાંચ રૂપિયા મળતા હતા. બે વર્ષ પછી સામાન્ય શ્રોતાઓ માટે કાર્યક્રમ આપવાનું શરૂ કર્યું ત્યારે દસ રૂપિયા મળતા હતા. એમનો આખો પરિવાર વકીલ અને ડોકટરનો અભ્યાસ કરનાર હતો પણ એ બહુ ભણ્યા નહીં. મેટ્રિકમાં જેમતેમ પાસ થઈ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પહેલા વર્ષમાંથી મુશ્કેલીથી પાસ થઈ બીજા વર્ષમાં આવ્યા ત્યારે પિતાએ ૧૮ રૂપિયા પરીક્ષાની ફી ભરવા આપ્યા હતા. પણ ઓ.પી. પરીક્ષામાં બેઠા જ નહીં. પરિણામ આવ્યું ત્યારે પિતાએ રોલ નંબર પૂછ્યો. ઓ.પી. એ કહ્યું કે ભૂલી ગયો છું. પિતાએ એવો લાફો માર્યો કે જિંદગીભર ભૂલી શક્યા ન હતા. એમણે સ્નાતક કરીને વકીલ બનવા કહ્યું પણ ઓ.પી. નું ભણવામાં દિલ લાગતું ન હતું. પિતાએ ગુસ્સામાં કહ્યું કે તો શું વાજાં જ વગાડ્યા કરીશ? ઓ.પી.એ ભણીને પટીયાલા જઈ સંગીત શિક્ષકની નોકરી કરવી પડી. પણ ત્યાંથી ભાગીને અમૃતસર આવી ગયા.

કોલેજના એક મિત્ર એસ.એન.ભાટીયાની મદદથી નિર્માતા દલસુખ પંચોલી સાથે મુલાકાત કરી. એમણે કહ્યું કે આ છોકરો શું સંગીતકાર બનવાનો? પણ દયા ખાઈ ઓ.પી.ને સંગીતકાર પંડિત અમરનાથ પાસે મોકલી આપ્યો. ઓ.પી. ને સંગીતકાર તરીકે બ્રેક જોઈતો હતો એટલે ત્યાં રહ્યા નહીં અને અમૃતસર જતા રહ્યા. દરમ્યાનમાં ૧૯૪૮ માં ફિલ્મ ‘કનીઝ’ માં બેકગ્રાઉન્ડ સંગીત આપવાની તક મળી હતી. જેમાં સંગીત ગુલામ હૈદરનું હતું. એ પછી સંજોગો એવા બન્યા કે ૧૯૫૧ માં પંચોલીએ ‘નગીના’ બનાવી ત્યારે એના પ્રીમિયરમાં ફરી ભાટીયા સાથે મુલાકાત થઈ. ભાટીયાએ યાદ કરાવ્યું કે તમે ગાયક તરીકે સી.એચ. આત્માને તક આપી તો મારા મિત્ર ઓ.પી. ને સંગીતકાર બનવાની તક આપો અને પંચોલી રાજી થઈ ગયા. એમણે ફિલ્મ ‘આસમાન’ (૧૯૫૨) માં સંગીતકાર તરીકે પહેલો મોકો આપી દીધો.

એ ઉપરાંત ‘છમ છમા છમ’ અને બાઝ’ માં સંગીત આપ્યું. કમનસીબે ત્રણેય સુપરફ્લોપ રહી. હવે ઘરે પાછા ફરવા સિવાય કોઈ રસ્તો ન હતો પણ એમને કારદાર ફિલ્મ્સના કે.કે. કપૂર યાદ આવ્યા અને એમને પોતાની પરિસ્થિતિ જણાવી. એ ઓ.પી. ને ગુરુદત્તના ઘરે લઈ ગયા. કેમકે ઓ.પી. ના ‘બાઝ’ (૧૯૫૩) ના સંગીતના ત્રણ હજાર રૂપિયા એમની પાસેથી લેવાના બાકી હતા. ત્યારે ગુરુદત્તે પોતાની સાથે વધુ એક ફિલ્મ કરવા કહ્યું. પણ ઓ.પી.એ બાકી રૂપિયા પહેલાં આપવા કહ્યું. ગુરુદત્તે જૂના બાકીમાંથી એક હજાર અને નવી ફિલ્મના એક હજાર રૂપિયા ગણી બે હજાર આપ્યા. ઓ.પી. ને વિશ્વાસ ન હતો એટલે દર મહિને રૂપિયા ચૂકવવા કહ્યું. ગુરુદત્તે દર મહિને એક હજાર આપવાનું વચન આપ્યું. ઓ.પી. એ કઈ તારીખે આપશે એ પણ નક્કી કરવા કહ્યું. ગુરુદત્તે સાત તારીખે આપવાનું કહ્યું ત્યારે ‘આરપાર’ (૧૯૫૪) માટે એમણે હા પાડી હતી. અને એ જ ફિલ્મથી ઓ.પી. નૈયરની સંગીતકાર તરીકે નૈયા પાર લાગી ગઈ હતી. ફિલ્મના બાબૂજી ધીરે ચલના, મોહબ્બત કર લો જી વગેરે બહુ લોકપ્રિય થયા હતા.

કોરાનાના 47 નવા કેસો, એક પણ જણનું મોત નહીં     

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,338 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,65,966 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 65 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 466 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 27,305 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,70,794 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 150 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.