ઓ.પી. નૈયરની સંગીત નૈયા પાર લાગી

ઉડે જબ જબ જુલ્ફેં તેરી, ફિર વો હી દિલ લાયા હૂં, બહુત શુક્રિયા બડી મેહરબાની જેવા ગીતોના સંગીતકાર ઓ.પી. નૈયર વિશે આમ તો કેટલાક પુસ્તકો પ્રગટ થયા છે પરંતુ એમણે વિવિધ ભારતીના રેડિયો કાર્યક્રમ ‘ઉજાલે ઉનકી યાદોં કે’ માં કમલ શર્મા સાથે પોતાના જીવન અને સંગીતની કેટલીક અજાણી અને રસપ્રદ વાતો કરી છે એ સંગીત રસિકોએ ખાસ જાણવા જેવી છે. ૧૬ જાન્યુઆરી, ૧૯૨૬ ના રોજ લાહોરમાં જન્મેલા ઓ.પી. ૨૧ વર્ષ સુધી ત્યાં રહ્યા અને ભાગલા પડ્યા પછી ભારતમાં આવી ગયા હતા. તે બાર વર્ષના હતા ત્યારે લાહોર રેડિયો પર બાળકોનો કાર્યક્રમ આપવા લાગ્યા હતા.

એક કાર્યક્રમના પાંચ રૂપિયા મળતા હતા. બે વર્ષ પછી સામાન્ય શ્રોતાઓ માટે કાર્યક્રમ આપવાનું શરૂ કર્યું ત્યારે દસ રૂપિયા મળતા હતા. એમનો આખો પરિવાર વકીલ અને ડોકટરનો અભ્યાસ કરનાર હતો પણ એ બહુ ભણ્યા નહીં. મેટ્રિકમાં જેમતેમ પાસ થઈ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પહેલા વર્ષમાંથી મુશ્કેલીથી પાસ થઈ બીજા વર્ષમાં આવ્યા ત્યારે પિતાએ ૧૮ રૂપિયા પરીક્ષાની ફી ભરવા આપ્યા હતા. પણ ઓ.પી. પરીક્ષામાં બેઠા જ નહીં. પરિણામ આવ્યું ત્યારે પિતાએ રોલ નંબર પૂછ્યો. ઓ.પી. એ કહ્યું કે ભૂલી ગયો છું. પિતાએ એવો લાફો માર્યો કે જિંદગીભર ભૂલી શક્યા ન હતા. એમણે સ્નાતક કરીને વકીલ બનવા કહ્યું પણ ઓ.પી. નું ભણવામાં દિલ લાગતું ન હતું. પિતાએ ગુસ્સામાં કહ્યું કે તો શું વાજાં જ વગાડ્યા કરીશ? ઓ.પી.એ ભણીને પટીયાલા જઈ સંગીત શિક્ષકની નોકરી કરવી પડી. પણ ત્યાંથી ભાગીને અમૃતસર આવી ગયા.

કોલેજના એક મિત્ર એસ.એન.ભાટીયાની મદદથી નિર્માતા દલસુખ પંચોલી સાથે મુલાકાત કરી. એમણે કહ્યું કે આ છોકરો શું સંગીતકાર બનવાનો? પણ દયા ખાઈ ઓ.પી.ને સંગીતકાર પંડિત અમરનાથ પાસે મોકલી આપ્યો. ઓ.પી. ને સંગીતકાર તરીકે બ્રેક જોઈતો હતો એટલે ત્યાં રહ્યા નહીં અને અમૃતસર જતા રહ્યા. દરમ્યાનમાં ૧૯૪૮ માં ફિલ્મ ‘કનીઝ’ માં બેકગ્રાઉન્ડ સંગીત આપવાની તક મળી હતી. જેમાં સંગીત ગુલામ હૈદરનું હતું. એ પછી સંજોગો એવા બન્યા કે ૧૯૫૧ માં પંચોલીએ ‘નગીના’ બનાવી ત્યારે એના પ્રીમિયરમાં ફરી ભાટીયા સાથે મુલાકાત થઈ. ભાટીયાએ યાદ કરાવ્યું કે તમે ગાયક તરીકે સી.એચ. આત્માને તક આપી તો મારા મિત્ર ઓ.પી. ને સંગીતકાર બનવાની તક આપો અને પંચોલી રાજી થઈ ગયા. એમણે ફિલ્મ ‘આસમાન’ (૧૯૫૨) માં સંગીતકાર તરીકે પહેલો મોકો આપી દીધો.

એ ઉપરાંત ‘છમ છમા છમ’ અને બાઝ’ માં સંગીત આપ્યું. કમનસીબે ત્રણેય સુપરફ્લોપ રહી. હવે ઘરે પાછા ફરવા સિવાય કોઈ રસ્તો ન હતો પણ એમને કારદાર ફિલ્મ્સના કે.કે. કપૂર યાદ આવ્યા અને એમને પોતાની પરિસ્થિતિ જણાવી. એ ઓ.પી. ને ગુરુદત્તના ઘરે લઈ ગયા. કેમકે ઓ.પી. ના ‘બાઝ’ (૧૯૫૩) ના સંગીતના ત્રણ હજાર રૂપિયા એમની પાસેથી લેવાના બાકી હતા. ત્યારે ગુરુદત્તે પોતાની સાથે વધુ એક ફિલ્મ કરવા કહ્યું. પણ ઓ.પી.એ બાકી રૂપિયા પહેલાં આપવા કહ્યું. ગુરુદત્તે જૂના બાકીમાંથી એક હજાર અને નવી ફિલ્મના એક હજાર રૂપિયા ગણી બે હજાર આપ્યા. ઓ.પી. ને વિશ્વાસ ન હતો એટલે દર મહિને રૂપિયા ચૂકવવા કહ્યું. ગુરુદત્તે દર મહિને એક હજાર આપવાનું વચન આપ્યું. ઓ.પી. એ કઈ તારીખે આપશે એ પણ નક્કી કરવા કહ્યું. ગુરુદત્તે સાત તારીખે આપવાનું કહ્યું ત્યારે ‘આરપાર’ (૧૯૫૪) માટે એમણે હા પાડી હતી. અને એ જ ફિલ્મથી ઓ.પી. નૈયરની સંગીતકાર તરીકે નૈયા પાર લાગી ગઈ હતી. ફિલ્મના બાબૂજી ધીરે ચલના, મોહબ્બત કર લો જી વગેરે બહુ લોકપ્રિય થયા હતા.