જાવેદના ‘એક દો તીન…’ ગીતની બે વાતો

માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવેલું ‘તેજાબ’ (૧૯૮૮) નું જાવેદ અખ્તરે લખેલું ગીત ‘એક દો તીન…’ સંગીતકારને જ નહીં ગાયિકાને પણ પહેલાં પસંદ આવ્યું ન હતું. નિર્દેશક એન. ચંદ્રાએ ‘તેજાબ’ ના સંગીત માટે સંગીતકાર લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ અને ગીતકાર જાવેદ અખ્તર સાથે એક બેઠક યોજી અને કહ્યું કે આ ગીત સ્ટેજ પર નૌટંકીના માહોલમાં ગવાય એવું બનવું જોઈએ. લક્ષ્મીકાન્તે જાવેદને એક ધૂન આપી અને એક પધ્ધતિ મુજબ ડમી શબ્દો ‘એક તો તીન… તેરા’ આપ્યા. જેથી ગીતકારને ખ્યાલ રહે કે કયા મીટર અને ધૂનમાં ગીત લખવાનું છે.

બીજા દિવસે જાવેદ ગીત લખીને લઈ ગયા અને લક્ષ્મીકાન્તને કહ્યું કે ‘એક થી તેરા’ શબ્દો એમ જ રહેવા દેશો. જાવેદની વાત સાંભળીને એ ચોંકી ગયા અને આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે ‘એક દો તીન’ સુધી બરાબર છે પણ ‘તેરા’ ના આંકડા સુધી બોલવાનું બહુ અજીબ લાગશે. એમણે તો માત્ર ગીતની ધૂન સમજવા એકથી તેરા શબ્દો આપ્યા હતા. જાવેદે સ્પષ્ટતા કરી કે બાકીનું ગીત એવી રીતે લખ્યું છે કે એ એની સાથે મેળ ખાય એવું છે. એ ગીતમાં એક વાર્તા જેવી બનાવી છે જેમાં છોકરી ઇંતજાર કરે છે. અને આગળની તારીખોએ શું થાય છે એનું વર્ણન કરે છે. વળી આ નૌટંકીનું ગીત હોવા છતાં ક્યાંય અશ્લીલતા નથી. એમાં એક સાદગી છે જે લોકગીતોમાં સાંભળવા મળે છે.

જાવેદની વાતથી અને આગળના અંતરા ‘ચૌદહ કો તેરા સંદેશા આયા, પન્દ્રહ કો આઉંગા યે કહલાયા…’ વાંચ્યા પછી લક્ષ્મીકાન્તને વિશ્વાસ બેઠો અને ગીત રેકોર્ડ કરવાનું નક્કી કરી લીધું. જ્યારે ગાયિકા તરીકે અલકા યાજ્ઞિકને બોલાવવામાં આવ્યા ત્યારે એ પણ ‘એક તો તીન…’ થી સળંગ તેરા સુધીના શબ્દો સાંભળી ચમકી ગયા. એ નિરાશ થઈ ગયા કે આ કેવું ગીત બનાવ્યું છે? એમની સાથે મજાક થઈ રહી છે કે શું? પણ લક્ષ્મીકાન્તનો એમને ડર હતો. એમને કંઇ કહી શકે એમ ન હતા. એમણે મોંમાં પાન સાથે અલકાને ગાવા માટે ગીત લખાવ્યું. પણ જ્યારે અલકાએ બીજી લાઇન અને ત્રીજી લાઇન પછી અંતરા લખ્યા ત્યારે બધી નિરાશા જતી રહી અને ખ્યાલ આવ્યો કે કમાલનું ગીત છે. ગાતી વખતે પણ અલકાને મજા આવી ગઈ હતી.

આ ગીતમાં લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે ૬૦ જેટલા કોરસનું આયોજન કર્યું હતું. મહેબૂબ સ્ટુડિયોમાં જગ્યા ઓછી હોવાથી અલકાએ દીવાલ સાથે અડીને ઊભા રહી ગીત ગાવું પડ્યું હતું. ગીતનું રેકોર્ડિંગ થઈ ગયા પછી અલકાને થયું હતું કે એ હજુ વધુ સારી રીતે ગાઈ શકી હોત. તેથી લક્ષ્મીકાન્તને ફરીથી રેકોર્ડિંગ કરવા સૂચન કર્યું પણ એ માન્યા નહીં. અલકાને આજે પણ એમાં ખામી રહી ગઈ હોવાનો અફસોસ સતાવે છે. અલકા યાજ્ઞિક સ્વીકારે છે કે ‘એક દો તીન…’ ગીતથી માધુરીની જ નહીં એની કેરિયર પણ આગળ વધી હતી. એ પછી માધુરીના મોટાભાગના ગીતો અલકાએ જ ગાયા હતા.