રમેશ તલવાર અભિનય છોડી નિર્દેશનમાં આવ્યા

નિર્દેશક રમેશ તલવારે ફિલ્મોમાં પોતાની ઓછી ઊંચાઈને કારણે અભિનય છોડી દીધો હતો પણ નિર્દેશનમાં ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. નાનપણથી જ રમેશને અભિનયનો શોખ હતો. રમેશના કાકા સાગર સરહદી ઘણા જાણીતા નાટ્ય લેખક હતા અને ફિલ્મો પણ લખી હતી. એટલે અભિનયમાં પ્રવેશ સરળતાથી થયો હતો. બલરાજ સહાનીને એક નાટકમાં બાળકની ભૂમિકા માટે કલાકારની જરૂર હતી. રમેશ સ્કૂલના નાટકોમાં કામ કરતાં હતા એટલે સાગરે બલરાજ સાથે મુલાકાત કરાવી દીધી. એ પછી રમેશે બે-ત્રણ વર્ષ સુધી એમના નાટકોમાં કામ કર્યું.

રમેશે કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે બલરાજના સેક્રેટરી રાજેન્દ્ર ભાટીયા પ્રભુ દયાલના નિર્દેશનમાં ફિલ્મ ‘સૌતેલા’ બનાવી રહ્યા હતા એમાં ભૂમિકા આપી. પણ આંતરિક ઝઘડાને કારણે એ પૂર્ણ ના થઈ. એમણે બી.આર. ચોપડાની ‘ધૂલ કા ફૂલ’, વી. શાંતારામની ‘ફૂલ ઔર કલિયા’ વગેરે પણ કરી હતી. એ પછી અનુભવે રમેશ તલવારને એક વાતનો ખ્યાલ આવ્યો કે એ સમયમાં હીરો લાંબા રહેતા હતા અને એમની ઊંચાઈ ઓછી હતી તેથી ફિલ્મમાં અભિનય કરવાનું માંડી વાળીને નિર્દેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. કેમકે એ માટે વધારે ઊંચાઈની જરૂર ન હતી. સૌથી પહેલાં રમેશે કોલેજમાં નાટકોનું નિર્દેશન શરૂ કર્યું. નવાઈની વાત એ છે કે એમણે ‘શતરંજ કે મોહરે’ નામના એક નાટકનું નિર્દેશન કર્યું. એમાં અગાઉ જેમના નિર્દેશનમાં રમેશે કામ કર્યું હતું એ બલરાજ સહાની ઉપરાંત કાદર ખાન, એ.કે. હંગલ, મનમોહન કૃષ્ણ વગેરેને નિર્દેશન આપ્યું હતું. એનાથી પ્રભાવિત થઈને મનમોહને રમેશની મુલાકાત બી. આર. ચોપડા સાથે કરાવી અને એમણે યશ ચોપડા ‘ઇત્તેફાક’ નું નિર્દેશન કરતા હતા એમાં સહાયક તરીકે રાખી લીધો.

યશજી સાથે દાગ, દીવાર, કભી કભી, ત્રિશૂલ, કાલા પથ્થર વગેરે અનેક ફિલ્મોમાં સહાયક રહીને નિર્દેશનના ઘણા ગુણ પ્રાપ્ત કર્યા હતા. એમના કામથી પ્રભાવિત થઈને યશજીએ કહ્યું કે તમે કોઈ પોતાની પસંદગીના વિષય પર મારા માટે ફિલ્મ નિર્દેશનની તૈયારી કરો. રમેશ તલવારે રાજુ સહગલ પાસેથી એક વાર્તા સાંભળી હતી એના પરથી ફિલ્મ ‘દૂસરા આદમી’ (૧૯૭૭) બનાવવાની વાત કરી. યશજીએ વાર્તા સાંભળીને કહ્યું કે વિષય બહુ બોલ્ડ છે, તેમ છતાં તું તૈયાર હોય તો મને વાંધો નથી. રમેશને એ વિષય બહુ પસંદ હતો એટલે સાગર સરહદી પાસે સ્ક્રીનપ્લે લખાવીને રાખી, ઋષિ, નીતૂ, શશિ કપૂર વગેરેની મોટી સ્ટારકાસ્ટ સાથે ‘દૂસરા આદમી’ બનાવી અને એ મોટા સેન્ટરો પર સફળ પણ રહી. ફિલ્મની વાર્તા માટે ફિલ્મફેર એવોર્ડમાં રાજુ સહગલનું નામાંકન થયું હતું. છતાં બીજી ફિલ્મો મળી નહીં.

નિર્માતાઓ એમ વિચારતા હતા કે રમેશની વિચારસરણી અલગ છે. એવા વિષયને પસંદ કરે છે જે કદાચ સામાન્ય માણસને પસંદ ના આવી શકે. એમને ફિલ્મો ના મળી ત્યારે યશજીના સહાયક તરીકે કામ ચાલુ રાખ્યું હતું. એ ‘કાલા પથ્થર’ (૧૯૭૯) માં સહાયક હતા ત્યારે રમેશ બહેલ એમની પાસે આવ્યા હતા અને ‘બસેરા’ (૧૯૮૧) નું નિર્દેશન કરવા કહ્યું હતું. ત્યારે એમણે એક શરત એવી કરી હતી કે અત્યારે ફિલ્મ ‘કસમેં વાદે’ (૧૯૭૯) બનાવું છું એ હિટ નહીં રહે તો પણ તારી સાથે ફિલ્મ બનાવીશ પણ બજેટ ઓછું રહેશે. ‘કસમેં વાદે’ હિટ રહી એટલે ‘બસેરા’ (૧૯૮૧) ને મોટા પાયે બનાવવામાં આવી હતી. એનું ‘જહાં પે સવેરા હો બસેરા વહીં હૈ’ ખૂબ લોકપ્રિય થયું હતું. એ પછી રમેશ તલવારે સવાલ, દુનિયા, જમાના અને ‘સાહિબાં’ નું નિર્દેશન કર્યું હતું.