રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વાવાઝોડાની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગના ચોમાસાની વિદાયના વરતારા સાથે વિભાગે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત  ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે  બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડથી થોડાક જ અંતરે ત્રાંસી દિશામાં પણ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. ચીન તરફની આ સિસ્ટમ  બંગાળની ખાડીની સિસ્ટમ કરતાં વધારે મજબૂત બની રહી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ચક્રવાતની સીધી જ અસર દેશ પર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે આ વાવાઝોડું દેશ અને ગુજરાત તરફ કેટલું ફંટાશે અને કેટલી અસર કરશે?રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. જોકે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે.

બીજી તરફ, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.

વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિ ભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.