Home Blog Page 2397

સેન્સેક્સ ચાર મહિનાના નીચલા સ્તરેઃ આઠ લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી 19,300ની મહત્ત્વની સપાટી તોડી હતી. BSEના બધા સેક્ટર ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા.

10 વર્ષના અમેરિકી ટ્રેઝરી યિલ્ડમાં છેલ્લાં 16 વર્ષોમાં પહેલી વાર પાંચ ટકાના સ્તરને પાર પહોંચ્યા છે. યિલ્ડમાં ઉછાળાને લીધે ફેડરલ રિઝર્વ વધેલા વ્યાજદરોને હાલ જાળવી રાખે એવી શક્યતા છે અને સરકાર વધતી ખાધની ભરપાઈ કરવા માટે બોન્ડના વેચાણને વધારી શકે છે.  BSE સેન્સેક્સ 65,000ની નીચે તૂટીને ચાર મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનામાં એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ત્રણ ટકા સુધી ઘટ્યો હતો.

BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનાં કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. આઠ લાખ કરોડનો ઘટાડો થયો હતો. 27 જાન્યુઆરી પછી સૌપ્રથમ વાર BSEના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ 826 પોઇન્ટ તૂટીને 64,572ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 572 પોઇન્ટ તૂટીને 43,151ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1061 પોઇન્ટ તૂટીને 38,817ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટીના 50માંથી 48 શેરો ઘટીને બંધ આવ્યા હતા. આ શેરોમાં ચાર ટકા સુધીનો ઘટાડો થયો હતો. અમેરિકી બોન્ડ યિલ્ડમાં તેજી પછી IT શેરોમાં વેચવાલી ફરી વળી હતી. નિફ્ટી IT ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો હતો.

 

 

 

દંતકથાસમાન સ્પિનર બિશનસિંહ બેદી (77)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન બિશનસિંહ બેદીનું આજે અહીં નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. બેદીને બે અઠવાડિયા પહેલા એક સર્જરી કરાઈ હતી. ત્યારથી તેઓ દિલ્હીની હોસ્પિટલમાં હતા. એમના પરિવારમાં પુત્ર અંગદ છે, જેણે બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા સાથે લગ્ન કર્યા છે.

બેદીની ગણના વિશ્વ ક્રિકેટમાં મહાન ડાબોડી સ્પિનર તરીકે કરવામાં આવતી હતી. તેઓ 1967થી 1979 વચ્ચેના સમયગાળામાં ભારત વતી 67 ટેસ્ટ મેચ અને 10 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 28.71ની સરેરાશ સાથે 266 વિકેટ લીધી હતી. દાવમાં પાંચ-વિકેટની સિદ્ધિ એમણે 14 વખત હાંસલ કરી હતી. વન-ડે ક્રિકેટમાં એમણે 7 વિકેટ લીધી હતી.

1946ની 25 સપ્ટેમ્બરે અમૃતસરમાં જન્મેલા બેદીએ 1966માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

બેદી ફ્લાઈટ અને સ્પિનના માસ્ટર ગણાતા હતા. બોલિંગમાં ત્વરિત ફેરફાર કરવાની એમની આ ક્ષમતાને કારણે ઘણા બેટ્સમેનો છક્કડ ખાઈ જતા હતા. 1971માં ઈંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક શ્રેણીવિજયમાં બેદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અજિત વાડેકર ઈજાગ્રસ્ત થતાં બેદીએ ટીમનું સુકાન સંભાળ્યું હતું. સ્થાનિક સ્તરે બેદી અનેક યુવાન બોલરો અને દિલ્હીની ટીમ માટે માર્ગદર્શક બન્યા હતા. તેમણે દેશમાં અનેક સ્પિન બોલરોને તૈયાર કરી આપ્યા હતા.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને બોર્ડના સેક્રેટરી જય શાહે બેદીના નિધન અંગે શોકસંદેશો ટ્વીટ કર્યો છે.

 

 

પાકિસ્તાન ટીમમાં અસંતોષ, મારામારી થયાની ખોટી અફવા ઉડાડવામાં આવી છેઃ PCB

લાહોરઃ ભારતમાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં પહેલી બે મેચમાં મળેલા પરાજયને કારણે પાકિસ્તાન ટીમ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. પાકિસ્તાનમાંથી આવેલા પત્રકારોનું કહેવું છે કે ટીમમાં અમુક ખેલાડીઓના એક ચોક્કસ જૂથે કેપ્ટન બાબર આઝમને વિખૂટો પાડી દીધો છે. તેમજ બે ખેલાડી વચ્ચે તો મારામારી થઈ હતી. પત્રકારોએ ખાતરીસહ જણાવ્યું છે કે તેઓ ટીમમાં ઊભી થયેલી સમસ્યાઓ વિશે વધુ વિગત બહાર પાડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા સામે થયેલા બે પરાજયને કારણે ટીમમાં ભારે કલહ ફાટી નીકળ્યો છે અને કેપ્ટન આઝમ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ તમામ અહેવાલોને આજે રદિયો આપ્યો છે. આ બાબતમાં તેણે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. તેમાં એણે જણાવ્યું છે કે, ‘હાલ વર્લ્ડ કપ-2023માં રમતી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અસંતોષ અને આંતરિક કલહ થયો હોવાની અફવાઓને અમે સ્પષ્ટપણે રદિયો આપીએ છીએ. મીડિયાના અમુક વર્ગે ફેલાવેલી આ અફવાથી વિપરીત, પીસીબી સ્પષ્ટપણે ખાતરી આપે છે કે ટીમ સંગઠિત છે. ટીમમાં કલહ થયાના આધારવિહોણા દાવાઓને ટેકો આપે એવો કોઈ પુરાવો નથી. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારાઓથી પીસીબી નારાજ છે અને આગ્રહ કરે છે કે આવા ખોટા આક્ષેપોનો ફેલાવો કરતા પહેલાં પત્રકારત્વના નૈતિક મૂલ્યોને જાળવી રાખવાનું મહત્ત્વનું સમજવું જોઈએ.’

દૈનિક મજૂરને ITની 2.21 અબજની ટેક્સ નોટિસ, જાણો…

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલાં બસ્તી જિલ્લામાં દૈનિક કામ કરતા મજૂરને આવકવેરા વિભાગે નોટિસ મોકલી હતી. આ નોટિસ તેના ખાતામાં જમા થયેલા રૂપિયા 2.21 અબજ સંદર્ભે હતી. આવું કંઈક તમારી સાથે પણ બની શકે, જેની પાછળનું કારણ પેન-કાર્ડ છે.

તમે સાયબર ફ્રોડની ઘટનાઓ કે ક્રેડિટ-ડેબિટ કાર્ડમાંથી પૈસા ચોરી થવા વિશે સાંભળ્યું હશે. આર્થિક રીતે નબળી વ્યક્તિ, મજૂર અથવા મહેનત કરીને કમાનાર વ્યક્તિને આવકવેરા વિભાગથી અબજો કરોડોની ટેક્સ નોટિસ મોકલી આપવામાં આવે છે, પણ તમે ક્યારેય એની પાછળનાં કારણો જાણવાના પ્રયાસ કર્યા છે.

હવે સવાલ એ છે કે મજૂરી કરનાર વ્યક્તિના ખાતામાં આટલા પૈસા આવ્યા કઈ રીતે? પણ આવું તમારી કે અન્ય કોઈ પણ સાથે બની શકે છે, જેની પાછળનું કારણ પેન-કાર્ડ છે. બરતનિયા ગામના શિવપ્રસાદ નિષાદને થોડા સમય પહેલાં આવકવેરાની વિભાગની નોટિસ મળી હતી, જેને કારણે તેના બેન્ક ખાતાની વિગતો અને ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટની સાથે આવકવેરા વિભાગની ઓફિસમાં હાજર થવું પડ્યું હતું.

શિવપ્રસાદનું કહેવું હતું કે કેટલાંક વર્ષો પહેલાં તેનું પેન-કાર્ડ ખોવાઈ ગયું હતું, જેની ફરિયાદ નહોતી નોંધાવી. જેને કારણે તેની સાથે આ છેતરપિંડી થઈ હતી. તેના ખાતામાં કોઈએ પૈસા જમા કર્યા, જેની અસરે તેને ITની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે પણ તમારું પેન-કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, ત્યારે સતર્ત રહીને પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવો. એ સાથે FIRની કોપી તમારી પાસે રાખો., જેથી તમારા ખોવાયેલા પેન-કાર્ડનો કોઈ દુરુપયોગ ના કરે અને તમે નિર્દોષ સાબિત કરવા માટે પુરાવો આપી શકો.

 

 

 

 

નવરાત્રી 2023 : અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગરબા કાર્યક્રમ યોજાયો

નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ખેલૈયાઓ મન મુકીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની આગેવાની હેઠળ શુક્રવારે સંસ્કારધામ મેદાન ખાતે ગરબા કાર્યક્રમ યોજાયો હતો.

 

કાંદિવલીની રહેણાંક ઈમારતમાં આગ લાગી; બેનાં મરણ, 3 ગંભીર રીતે ઘાયલ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં આવેલા મહાવીર નગર વિસ્તારના પાવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આજે બપોરે આગ લાગતાં બે જણનું મરણ નિપજ્યું છે અને બીજા ત્રણ જણ ગંભીર રીતે દાઝી ગયા છે. આ જાણકારી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. મૃતકોમાં એક મહિલા અને 8 વર્ષના એક છોકરાનો સમાવેશ થાય છે.

8-માળના મકાનમાં પહેલા માળ પર આજે બપોરે લગભગ 12.30 વાગ્યે આગ લાગી હતી. આગની જ્વાળાઓની ઝપટમાં બિલ્ડિંગની અનેક દુકાનો પણ આવી હતી.

આગની જાણકારી મળતા અગ્નિશામક દળ અને પોલીસના જવાનો તેમજ મહાપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખા મકાનનો વીજળી પૂરવઠો કાપી નાખવામાં આવ્યો હતો જેથી આગ પ્રસરે નહીં. ફાયર બ્રિગેડ જવાનોએ તરત જ કૂલિંગ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આગ કેવી રીતે લાગી હતી તે તત્કાળ જાણવા મળ્યું નથી.

આગમાં મૃત્યુ પામનારનાં નામ છેઃ ગ્લોરી વાલપટ્ટી (મહિલા ઉ.વ. 43) અને જોસૂ જેમ્સ રોબર્ટ (8 વર્ષ).
દાઝી ગયેલાઓનાં નામ છેઃ લક્ષ્મી બુરા (40), રાજેશ્વરી ભરતારે (24) અને રંજન સુબોધ શાહ (76). આમાં રાજેશ્વરી 100 ટકા જેટલા દાઝી ગયાં છે. જ્યારે લક્ષ્મી બુરા અને રંજન શાહની ઈજા અનુક્રમે 45 અને 50 ટકા છે.

વંદે ભારતને લીધે ફ્લાઇટના ભાડામાં 30 ટકા સુધીનો ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં વંદે ભારત ટ્રેનોની માગ વધી રહી છે. એની અસરથી ફલાઇટના ભાડા 20થી 30 ટકા ઘટી ગયા છે. આ ટ્રેનોના સતત વધતા નેટવર્કથી એર ટ્રાફિકમાં અસર જોવા મળી છે. મધ્ય રેલવેના એકત્ર ડેટામાંથી આ વાત માલૂમ પડે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેનોના લોન્ચિંગ પછી એર ટ્રાફિકમાં 10-20 ટકા અને ફ્લાઇટના ભાડામાં પણ 20-30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના 34 રૂટો પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સેવા આપી રહી છે. રેલવે સતત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પેસેન્જર્સ વધારવાની કવાયતમાં લાગેલી છે.

31-45 વર્ષના યાત્રીઓ સૌથી વધુ

મધ્ય રેલવેના ચાર રૂટ પર હાલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. હાલમાં મુંબઈથી શિરડી, ગોવા અને સોલાપુર જતા પેસેન્જર્સના એકત્ર કરેલા આંકડાઓથી માલૂમ પડે છે કે 15 સપ્ટેમ્બરથી માંડીને 13 ઓક્ટોબરની વચ્ચે કુલ 85,600 પુરુષ, 57,838 મહિલા અને 26 ટ્રાન્સજેન્ડરોએ આ ટ્રેનથી પ્રવાસ કર્યો હતો. મુંબઈથી શરૂ થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરનારા યાત્રીઓમાં 31થી 45 વર્ષની વચ્ચેના યાત્રીઓ સૌથી વધુ હતા. ત્યાર બાદ 15થી 30 વર્ષની વયના યાત્રીઓએ સૌથી વધુ યાત્રા કરી હતી.

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ટૂંક સમયમાં

રેલવે હવે લાંબા અંતર માટે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો લોન્ચ કરવાની છે, નવી સ્લીપર વંદે ભારત એક્સપ્રેસના કોચના ફોટો હાલમાં જ બહાર પડ્યા છે. આ ટ્રેનો આગામી વર્ષે આવે એવી શક્યતા છે.

 

 

 

 

 

રાજ્ય સરકારી કર્મચારીઓ ૮ નવેમ્બરે મહારાષ્ટ્રભરમાં ‘પરિવાર કૂચ’ કાઢશે

મુંબઈ: જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માગણી પર દબાણ લાવવા માટે મહારાષ્ટ્રના રાજ્ય સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ આવતી 8 નવેમ્બરે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં પરિવાર કૂચ કાઢશે. કૂચમાં સામેલ થનાર લોકો મારું કુટુંબ, મારું પેન્શન સૂત્રો દર્શાવશે. તેઓ એમની કૂચ જિલ્લા કલેક્ટર અને તહેસીલદારના કાર્યાલયે જઈ જશે.

ઉલ્લેખનીય છે કે, જૂની પેન્શન યોજના રાજ્યમાં 2005માં બંધ કરી દેવામાં આવી હતી. જો 8 નવેમ્બરની પરિવાર કૂચથી સરકાર તરફથી કોઈ ઉચિત પ્રતિસાદ નહીં મળે તો 14 ડિસેમ્બરથી કર્મચારીઓ આ જ મુદ્દે બેમુદત હડતાળ પર જશે.

ગોવા એરપોર્ટ પર ચાર કરોડનું સોનું, 28 iફોન જપ્ત

પણજીઃ ગોવાના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ અબુ ધાબીથી આવેલા ત્રણ પ્રવાસીઓની પાસે આશરે રૂ. ચાર કરોડનું સોનું અને iફોન જપ્ત કર્યાં છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી.

DRIના એક વરિષ્ઠ અધિકારીએ જઁણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી ઇરફાન (30), મુંબઈના રહેવાસી કામરાન અહેમદ (38) અને ગુજરાતના મોહમ્મદ ઇરફાન ગુલામ (37)ને DRIએ શુક્રવારે રાત્રે ઉત્તરી ગોવાના એરપોર્ટ પર અટકાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન DRI અધિકારીઓએ ત્રણેની પાસે પેસ્ટ સ્વરૂપે 5.7 કિલોગ્રામ સોનું અને 28 Iફોન પ્રો મેક્સ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 3.92 કરોડ છે. આ ત્રણે આરોપીઓ એક ગેન્ગનો ભાગ હતા, જે દુબઈથી દાણચોરી કરીને સોનું અને મોંઘી જણસો મુંબઈ લાવતા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રવાસીઓ 12 ઓક્ટોબરે મુંબઈથી અબુ ધાબી ગયા હતા અને ગોવા એરપોર્ટ પર માલસામાન લઈને પરત ફર્યા હતા, જેને તેઓ ચોરીછૂપીથી છુપાવીને લઈ જવાના પ્રયાસ કરતા હતા. iફોન પેકેટ લપેટીને અને સોનાની પેસ્ટને બે યાત્રીઓ કમર પાસે છુપાવીને લઈ જઈ રહ્યા હતા.

 

 

 

 

વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન

અમદાવાદઃ વાઘ બકરી ચા ગ્રુપ (ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 15 ઓક્ટોબરે તેમના ઘર નજીક ઇસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે તેઓ રસ્તાના રખડતા કૂતરાઓનો પીછો કરવાથી બચવાના પ્રયાસ કરતી વખતે પડી ગયા હતા, જે પછી તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ વાઘ બકરી ચા બ્રાંડના માલિક છે.

તેમનું નિધન સ્ટ્રીટ ડોગ્સથી બચવાને કારણે થયું હતું. તેઓ પડી ગયા પછી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેને કારણે બ્રેઇન હેમરેજ થયું. તેમનું સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા પછી 22 ઓક્ટોબરે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ તેમના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો.

પરાગ દેસાઈ વાઘ બકરી ચા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રમેશ દેસાઈના પુત્ર હતા. તેમનૈ 30થી વધુ વર્ષોનો વેપારનો અનુભવ હતો. તેઓ વાઘ બકરી ટી ગ્રુપને ટી લાઉન્જ, ઈ-કોમર્સ, ડિજિટલ અને સોશિયલ મિડિયા જેવા ક્ષેત્રોમાં આગળ ધપાવતા હતા.  દેસાઈ આ પ્રીમિયમ ટી કંપનીના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. તેઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવા ઉદ્યોગ મંચોમાં સક્રિય હતા. વાઘ બકરી ચા બ્રાન્ડ નારણદાસ દેસાઈ દ્વારા 1925માં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીનું ટર્નઓવર રૂ. 1500 કરોડથી વધુ છે. તેમણે અમેરિકાની આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું,