સેન્સેક્સ ચાર મહિનાના નીચલા સ્તરેઃ આઠ લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી 19,300ની મહત્ત્વની સપાટી તોડી હતી. BSEના બધા સેક્ટર ઇન્ડેક્સ ઘટીને બંધ થયા હતા.

10 વર્ષના અમેરિકી ટ્રેઝરી યિલ્ડમાં છેલ્લાં 16 વર્ષોમાં પહેલી વાર પાંચ ટકાના સ્તરને પાર પહોંચ્યા છે. યિલ્ડમાં ઉછાળાને લીધે ફેડરલ રિઝર્વ વધેલા વ્યાજદરોને હાલ જાળવી રાખે એવી શક્યતા છે અને સરકાર વધતી ખાધની ભરપાઈ કરવા માટે બોન્ડના વેચાણને વધારી શકે છે.  BSE સેન્સેક્સ 65,000ની નીચે તૂટીને ચાર મહિનાના નીચલા સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનામાં એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ ત્રણ ટકા સુધી ઘટ્યો હતો.

BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનાં કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. આઠ લાખ કરોડનો ઘટાડો થયો હતો. 27 જાન્યુઆરી પછી સૌપ્રથમ વાર BSEના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો.

BSE સેન્સેક્સ 826 પોઇન્ટ તૂટીને 64,572ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 572 પોઇન્ટ તૂટીને 43,151ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1061 પોઇન્ટ તૂટીને 38,817ના સ્તરે બંધ આવ્યો હતો. નિફ્ટીના 50માંથી 48 શેરો ઘટીને બંધ આવ્યા હતા. આ શેરોમાં ચાર ટકા સુધીનો ઘટાડો થયો હતો. અમેરિકી બોન્ડ યિલ્ડમાં તેજી પછી IT શેરોમાં વેચવાલી ફરી વળી હતી. નિફ્ટી IT ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો હતો.