પાકિસ્તાન ટીમમાં અસંતોષ, મારામારી થયાની ખોટી અફવા ઉડાડવામાં આવી છેઃ PCB

લાહોરઃ ભારતમાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં પહેલી બે મેચમાં મળેલા પરાજયને કારણે પાકિસ્તાન ટીમ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. પાકિસ્તાનમાંથી આવેલા પત્રકારોનું કહેવું છે કે ટીમમાં અમુક ખેલાડીઓના એક ચોક્કસ જૂથે કેપ્ટન બાબર આઝમને વિખૂટો પાડી દીધો છે. તેમજ બે ખેલાડી વચ્ચે તો મારામારી થઈ હતી. પત્રકારોએ ખાતરીસહ જણાવ્યું છે કે તેઓ ટીમમાં ઊભી થયેલી સમસ્યાઓ વિશે વધુ વિગત બહાર પાડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા સામે થયેલા બે પરાજયને કારણે ટીમમાં ભારે કલહ ફાટી નીકળ્યો છે અને કેપ્ટન આઝમ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.

જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ તમામ અહેવાલોને આજે રદિયો આપ્યો છે. આ બાબતમાં તેણે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. તેમાં એણે જણાવ્યું છે કે, ‘હાલ વર્લ્ડ કપ-2023માં રમતી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અસંતોષ અને આંતરિક કલહ થયો હોવાની અફવાઓને અમે સ્પષ્ટપણે રદિયો આપીએ છીએ. મીડિયાના અમુક વર્ગે ફેલાવેલી આ અફવાથી વિપરીત, પીસીબી સ્પષ્ટપણે ખાતરી આપે છે કે ટીમ સંગઠિત છે. ટીમમાં કલહ થયાના આધારવિહોણા દાવાઓને ટેકો આપે એવો કોઈ પુરાવો નથી. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારાઓથી પીસીબી નારાજ છે અને આગ્રહ કરે છે કે આવા ખોટા આક્ષેપોનો ફેલાવો કરતા પહેલાં પત્રકારત્વના નૈતિક મૂલ્યોને જાળવી રાખવાનું મહત્ત્વનું સમજવું જોઈએ.’