દંતકથાસમાન સ્પિનર બિશનસિંહ બેદી (77)નું નિધન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન બિશનસિંહ બેદીનું આજે અહીં નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. બેદીને બે અઠવાડિયા પહેલા એક સર્જરી કરાઈ હતી. ત્યારથી તેઓ દિલ્હીની હોસ્પિટલમાં હતા. એમના પરિવારમાં પુત્ર અંગદ છે, જેણે બોલીવુડ અભિનેત્રી નેહા ધુપિયા સાથે લગ્ન કર્યા છે.

બેદીની ગણના વિશ્વ ક્રિકેટમાં મહાન ડાબોડી સ્પિનર તરીકે કરવામાં આવતી હતી. તેઓ 1967થી 1979 વચ્ચેના સમયગાળામાં ભારત વતી 67 ટેસ્ટ મેચ અને 10 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 28.71ની સરેરાશ સાથે 266 વિકેટ લીધી હતી. દાવમાં પાંચ-વિકેટની સિદ્ધિ એમણે 14 વખત હાંસલ કરી હતી. વન-ડે ક્રિકેટમાં એમણે 7 વિકેટ લીધી હતી.

1946ની 25 સપ્ટેમ્બરે અમૃતસરમાં જન્મેલા બેદીએ 1966માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

બેદી ફ્લાઈટ અને સ્પિનના માસ્ટર ગણાતા હતા. બોલિંગમાં ત્વરિત ફેરફાર કરવાની એમની આ ક્ષમતાને કારણે ઘણા બેટ્સમેનો છક્કડ ખાઈ જતા હતા. 1971માં ઈંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક શ્રેણીવિજયમાં બેદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અજિત વાડેકર ઈજાગ્રસ્ત થતાં બેદીએ ટીમનું સુકાન સંભાળ્યું હતું. સ્થાનિક સ્તરે બેદી અનેક યુવાન બોલરો અને દિલ્હીની ટીમ માટે માર્ગદર્શક બન્યા હતા. તેમણે દેશમાં અનેક સ્પિન બોલરોને તૈયાર કરી આપ્યા હતા.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને બોર્ડના સેક્રેટરી જય શાહે બેદીના નિધન અંગે શોકસંદેશો ટ્વીટ કર્યો છે.