કાંદિવલીની રહેણાંક ઈમારતમાં આગ લાગી; બેનાં મરણ, 3 ગંભીર રીતે ઘાયલ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં આવેલા મહાવીર નગર વિસ્તારના પાવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આજે બપોરે આગ લાગતાં બે જણનું મરણ નિપજ્યું છે અને બીજા ત્રણ જણ ગંભીર રીતે દાઝી ગયા છે. આ જાણકારી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. મૃતકોમાં એક મહિલા અને 8 વર્ષના એક છોકરાનો સમાવેશ થાય છે.

8-માળના મકાનમાં પહેલા માળ પર આજે બપોરે લગભગ 12.30 વાગ્યે આગ લાગી હતી. આગની જ્વાળાઓની ઝપટમાં બિલ્ડિંગની અનેક દુકાનો પણ આવી હતી.

આગની જાણકારી મળતા અગ્નિશામક દળ અને પોલીસના જવાનો તેમજ મહાપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખા મકાનનો વીજળી પૂરવઠો કાપી નાખવામાં આવ્યો હતો જેથી આગ પ્રસરે નહીં. ફાયર બ્રિગેડ જવાનોએ તરત જ કૂલિંગ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આગ કેવી રીતે લાગી હતી તે તત્કાળ જાણવા મળ્યું નથી.

આગમાં મૃત્યુ પામનારનાં નામ છેઃ ગ્લોરી વાલપટ્ટી (મહિલા ઉ.વ. 43) અને જોસૂ જેમ્સ રોબર્ટ (8 વર્ષ).
દાઝી ગયેલાઓનાં નામ છેઃ લક્ષ્મી બુરા (40), રાજેશ્વરી ભરતારે (24) અને રંજન સુબોધ શાહ (76). આમાં રાજેશ્વરી 100 ટકા જેટલા દાઝી ગયાં છે. જ્યારે લક્ષ્મી બુરા અને રંજન શાહની ઈજા અનુક્રમે 45 અને 50 ટકા છે.