દૈનિક મજૂરને ITની 2.21 અબજની ટેક્સ નોટિસ, જાણો…

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલાં બસ્તી જિલ્લામાં દૈનિક કામ કરતા મજૂરને આવકવેરા વિભાગે નોટિસ મોકલી હતી. આ નોટિસ તેના ખાતામાં જમા થયેલા રૂપિયા 2.21 અબજ સંદર્ભે હતી. આવું કંઈક તમારી સાથે પણ બની શકે, જેની પાછળનું કારણ પેન-કાર્ડ છે.

તમે સાયબર ફ્રોડની ઘટનાઓ કે ક્રેડિટ-ડેબિટ કાર્ડમાંથી પૈસા ચોરી થવા વિશે સાંભળ્યું હશે. આર્થિક રીતે નબળી વ્યક્તિ, મજૂર અથવા મહેનત કરીને કમાનાર વ્યક્તિને આવકવેરા વિભાગથી અબજો કરોડોની ટેક્સ નોટિસ મોકલી આપવામાં આવે છે, પણ તમે ક્યારેય એની પાછળનાં કારણો જાણવાના પ્રયાસ કર્યા છે.

હવે સવાલ એ છે કે મજૂરી કરનાર વ્યક્તિના ખાતામાં આટલા પૈસા આવ્યા કઈ રીતે? પણ આવું તમારી કે અન્ય કોઈ પણ સાથે બની શકે છે, જેની પાછળનું કારણ પેન-કાર્ડ છે. બરતનિયા ગામના શિવપ્રસાદ નિષાદને થોડા સમય પહેલાં આવકવેરાની વિભાગની નોટિસ મળી હતી, જેને કારણે તેના બેન્ક ખાતાની વિગતો અને ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટની સાથે આવકવેરા વિભાગની ઓફિસમાં હાજર થવું પડ્યું હતું.

શિવપ્રસાદનું કહેવું હતું કે કેટલાંક વર્ષો પહેલાં તેનું પેન-કાર્ડ ખોવાઈ ગયું હતું, જેની ફરિયાદ નહોતી નોંધાવી. જેને કારણે તેની સાથે આ છેતરપિંડી થઈ હતી. તેના ખાતામાં કોઈએ પૈસા જમા કર્યા, જેની અસરે તેને ITની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે પણ તમારું પેન-કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય, ત્યારે સતર્ત રહીને પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવો. એ સાથે FIRની કોપી તમારી પાસે રાખો., જેથી તમારા ખોવાયેલા પેન-કાર્ડનો કોઈ દુરુપયોગ ના કરે અને તમે નિર્દોષ સાબિત કરવા માટે પુરાવો આપી શકો.