આપત્તિમાં આશાનું કિરણ: ધોળકા પૂરગ્રસ્ત વિસ્તારમાં ડ્રોનથી બચાવ અને રાહત કામગીરી

અમદાવાદ: જિલ્લામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ સંકંટની સ્થિતિ વચ્ચે આધુનિક ટેકનોલોજી સ્થાનિક નાગરિકો માટે આશાનું કિરણ બનીને સામે આવી. ધોળકા વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ જવાના કારણે વિવિધ વિસ્તારો અને શાળાઓમાં ફસાયેલા બાળકો તેમજ સ્થાનિકો સુધી મદદ પહોંચાડવા માટે મહેસાણા સ્થિત કેન્દ્ર સરકારના DPIIT માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ ‘પ્રાઈમ યુએવી’ (Prime UAV)ની વિશેષ ડ્રોન ટીમ સક્રિય થઈ.દુર્ગમ સ્થળોએ ટ્રેક્ટર અને બોટ દ્વારા પહોંચી ડ્રોન ટીમ

પૂરના પાણી ઘૂંટણસમાથી પણ વધુ ઊંડા હોવાના કારણે વાહનોની અવરજવર અશક્ય બની હતી. આવી વિકટ પરિસ્થિતિમાં પ્રાઈમ યુ.એ.વી.ની ટીમે સ્થાનિક તંત્ર અને રાહત ટીમોના સહયોગથી ટ્રેક્ટર અને બોટ મારફતે અત્યાધુનિક ડ્રોન તથા ઓપરેટિંગ સિસ્ટમને પૂરગ્રસ્ત વિસ્તારના મુખ્ય પોઈન્ટ સુધી પહોંચાડ્યા હતા.

રાત્રિ ઓપરેશન અને જીપીએસ ટ્રેકિંગથી રેસ્ક્યૂને મળ્યો વેગ

ટીમે દિવસ-રાત જોયા વિના બચાવ કામગીરી હાથ ધરી હતી.

  • GPS લોકેશન ટ્રેકિંગ: રાત્રિના અંધકારમાં પણ વિઝિબિલિટી ધરાવતા સર્વેલન્સ ડ્રોન વડે જીપીએસ અને કેમેરા ટ્રેકિંગ દ્વારા પાણીમાં ફસાયેલા લોકો અને બાળકોના ચોક્કસ લોકેશન શોધી કાઢવામાં આવ્યા હતા.

    લાઈવ હવાઈ સર્વેલન્સ: જળમગ્ન રસ્તાઓ અને મકાનોની પરિસ્થિતિ પર રિયલ-ટાઈમ નજર રાખીને એનડીઆરએફ (NDRF) અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • કસ્ટમ પેલોડ બોક્સથી રાશન વિતરણ: ડ્રોન નીચે તૈયાર કરાયેલા વિશેષ કસ્ટમ બોક્સ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અને વોટરપ્રૂફ પેકિંગ ધરાવતા ફૂડ પેકેટ્સ હવામાંથી જ સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.

નિઃસ્વાર્થ ભાવે માનવતાની સેવા

સામાન્ય રીતે કૃષિ, ફોરેસ્ટ્રી અને મચ્છર નિયંત્રણ ક્ષેત્રે કાર્યરત આ સ્ટાર્ટઅપે અતિવૃષ્ટિની આ કટોકટીમાં કોઈ પણ વ્યાવસાયિક સ્વાર્થ વગર સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે પોતાની સેવાઓ પૂરી પાડી હતી.

આ કામગીરી અંગે પ્રાઈમ યુએવીના ફાઉન્ડર અને સીઈઓ પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, “આપત્તિના સમયે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવ બચાવવા માટે થાય એ જ અમારી ટેકનોલોજીની સાચી સફળતા છે. ધોળકામાં બાળકો અને નાગરિકો પૂરના પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ અમારી ટીમે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી.”

આ સફળ કામગીરીમાં સંસ્થાના પ્રદીપ પટેલ, હિતેન પટેલ, ઓપરેશન હેડ યાજ્ઞિક લખતરિયા તેમજ તેમની ગ્રાઉન્ડ ટીમ (રાહુલ, દીપક અને હર્ષિલ પટેલ) દ્વારા વહીવટી તંત્ર સાથે સતત સમન્વય રાખીને પ્રશંસનીય યોગદાન આપવામાં આવ્યું હતું.