વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો અપલોડ કર્યો છે, જે ગઇકાલે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે લાલ કિલ્લે રવાના થતાં પહેલાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં વડાપ્રધાન મોરને દાણા અને ગાયોને ચારો ખવડાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં તેઓ ગાયોને ચારો ખવડાવે છે અને ત્યારબાદ 2 મોરને દાણા આપે છે. દિલ્હી સ્થિત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો.
Delhi: PM Narendra Modi posts on Instagram, “Feeding my friends every morning is a daily routine. Yesterday morning, they somehow realised I’m leaving early so they came to meet me as I was leaving for the Red Fort. Special, as always!”
(Source: PM Narendra Modi/Instagram) pic.twitter.com/IYtx61b9Z2
— IANS (@ians_india) August 16, 2026
આ વીડિયો શેર કરતાં વડાપ્રધાને લખ્યું હતું કે, મોર અને ગાયો તેમના મિત્રો છે અને આ મિત્રોને ભોજન કરાવવું એ તેમની રોજિંદી દિનચર્યા બની ગઈ છે. ગઇકાલે આ મુક પશુ-પક્ષીઓને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેઓ વહેલા ઘર બહાર નીકળવાના છે, તેથી તેઓ લાલ કિલ્લે જવા માટે રવાના થાય તે પહેલા જ દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા હતા. વડાપ્રધાને આ પહેલાં પણ મકર સંક્રાંતિ પર ગાયો અને મોરને દાણા-ચારો ખવડાવવાનો વીડિયો શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી પાસે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી લાવવામાં આવેલી પુંગનૂર જાતની ગાયો છે. આ ઓલાદ પ્રાચીન અને વિશ્વની સૌથી નાની પ્રજાતિના ગાય-બળદ માનવામાં આવે છે. વડાપ્રધાન નિવાસસ્થાને જ આ જાતની એક ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો, જેનું નામ વડાપ્રધાને ‘દીપજ્યોતિ’ રાખ્યું હતું. આ પહેલા 2020માં પણ વડાપ્રધાને એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ મોરને દાણા ખવડાવતા નજરે પડ્યા હતા અને તે વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
વડાપ્રધાન મોદી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને રીલ્સ અપલોડ કરીને દેશવાસીઓ સાથે સંવાદ સાધતા રહે છે. સ્વતંત્રતા દિવસની સવારે પણ તેમણે રીલ પોસ્ટ કરીને દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિવાય ભૂતકાળમાં તેમણે કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે મુલાકાતનો વીડિયો અને છાત્ર આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતો વીડિયો પણ શેર કર્યો હતો.






