કોણ છે એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા?  જે હવે બન્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO

નવી દિલ્હી: વાયુસેનામાંથી નિવૃત્ત થયેલા એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના નવા CEO બનશે. બુધવારે ટ્રસ્ટની બેઠકમાં તેમને CEO તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા તાજેતરમાં જ વાયુસેનામાંથી નિવૃત્ત થયા છે. પાકિસ્તાન વિરુદ્ધના ‘ઓપરેશન સફેદ સાગર’ અને ‘ઓપરેશન સિંદૂર’માં તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ‘ઓપરેશન સફેદ સાગર’ વખતે તેમણે મિરાજ-2000 વિમાન દ્વારા પાકિસ્તાની સેનાનાં ઠેકાણાંઓ પર બોમ્બમારો કર્યો હતો. જ્યારે ગયા વર્ષે પહેલગામ હુમલા બાદ હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની કમાન પણ તેમના હાથમાં હતી. ‘ઓપરેશન સિંદૂર’માં તેમની મહત્વની ભૂમિકા બદલ તેમને ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં 2024માં તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2013માં વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’માં મહત્વની ભૂમિકા ભજવનારા જિતેન્દ્ર મિશ્રાનું નામ ટ્રસ્ટના CEO માટે સંભવિત ઉમેદવારોમાં ચાલી રહ્યું હતું. જિતેન્દ્ર મિશ્રા ઉપરાંત પૂર્વ IPS રાજેશ પાંડે, પૂર્વ IAS દિનેશ ચંદ્ર અને IAS યોગેશ્વર રામ મિશ્રાનું નામ પણ રેસમાં હતું. આ ઉપરાંત પૂર્વ IPS પરેશ સક્સેનાનું નામ પણ ચર્ચામાં હતું.

આ ત્રણ લોકોને ટ્રસ્ટી બનાવાયા

રામ મંદિર ટ્રસ્ટના CEOની પસંદગી સાથે બુધવારે ત્રણ નવા ટ્રસ્ટીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના મદન મોહન પાંડે અને શિકોહાબાદના નિર્મલા યાદવને ટ્રસ્ટમાં ટ્રસ્ટીની જવાબદારી સોંપવામાં આવી છે. મહેશ ભાગચંદકા ટ્રસ્ટમાં એક મહત્વપૂર્ણ નામ છે. તેઓ રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓમાંના એક અને દિવંગત અશોક સિંઘલના સંબંધી છે.

‘ઓપરેશન સિંદૂર’માં રહી હતી મહત્વની ભૂમિકા

‘ઓપરેશન સિંદૂર’ વખતે જિતેન્દ્ર મિશ્રા સેવામાં હતા. તે સમયે તેઓ વેસ્ટર્ન કમાન્ડના ચીફ હતા.