દિલ્હી SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 47.7 લાખ નામ કપાયાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી જાહેર કરવાની તારીખમાં ત્રણ વખત ફેરફાર કર્યા બાદ હવે તેને પ્રકાશિત કરવામાં આવી છે. સુધારેલી નવી સમયસૂચિ મુજબ અંતિમ મતદાર યાદી હવે 27 ઓક્ટોબરને બદલે ચોથી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં SIR હેઠળ મતદારોની માહિતી એકત્રિત કરવાનો તબક્કો સોમવારે પૂર્ણ થઈ ગયો. લગભગ દોઢ મહિના ચાલેલા આ અભિયાન દરમિયાન 97.51 લાખ મતદારોના ફોર્મ જમા કરવામાં આવ્યાં અને સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યાં હતાં. આ સંખ્યા SIR શરૂ થયું ત્યારે નોંધાયેલા 1.45 કરોડ મતદારોના લગભગ 67 ટકા જેટલી છે.

બીજી તરફ, બાકીના 47.58 લાખ મતદારો એટલે કે કુલ મતદારોના લગભગ 33 ટકા એવા મળી આવ્યા, જેમના ફોર્મ ઉપલબ્ધ થઈ શક્યાં નથી. તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ ઘરે મળ્યા નહોતા, અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે અથવા તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડુપ્લિકેટ નામો અને ‘અન્ય’ કારણોસર નોંધાયેલા મતદારોનો પણ તેમાં સમાવેશ થાય છે. આ મતદારોને ‘અનકલેક્ચેબલ’ એટલે કે જેમની માહિતી અથવા ફોર્મ ઉપલબ્ધ થઈ શક્યાં નથી, એવી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને ડ્રાફ્ટ યાદીમાંથી તેમનાં નામ હટાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે રાજધાનીમાં દર ત્રણમાંથી લગભગ એક મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર થઈ શકે છે. જોકે અંતિમ આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી.

Bihar: Electoral Registration Officers (EROs) and Booth Level Officers (BLOs) share details of missing voter entries with political parties during the ongoing electoral roll verification process, in Bihar on Tuesday, July 22, 2025. (Photo: IANS)ડ્રાફ્ટ યાદીમાં કેટલા મતદારો છે?

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં લગભગ 97.5 લાખ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. SIR એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ દરમિયાન આ મતદારોના એન્યુમરેશન ફોર્મ મળ્યાં હતાં અને તેમને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. ઘર-ઘર જઈને મતદારોની માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા 30 જૂને શરૂ થઈ હતી અને 17 ઓગસ્ટે પૂર્ણ થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન દિલ્હીના કુલ 1,45,10,299 મતદારોમાંથી લગભગ 67.18 ટકા મતદારોના ફોર્મ ડિજિટાઇઝ કરવામાં આવ્યાં છે. બાકીના 47.7 લાખ મતદારોને ASDDO હેઠળ ‘માહિતી ઉપલબ્ધ ન થઈ શકનાર’ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ કારણે તેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી.