નવી દિલ્હીઃ આજથી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ થઈ રહ્યો છે. એ દરમિયાન આજે વિશ્વ દિલ્હીમાં એક નવા વર્લ્ડ ઓર્ડરની ઝલક જોશે. 18મા BRICS શિખર સંમેલનના મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન એકસાથે જોવા મળશે. ભારત મંડપમમાં દુનિયાની અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ ક્લોઝ્ડ ડોર સેશનમાં ચર્ચા કરશે. જ્યારે આજે મોડી સાંજે વડા પ્રધાન મોદીની યજમાનીમાં ડિનરનું આયોજન કરવામાં આવશે.
આ પહેલાં આજે એશિયાની બે મહાશક્તિઓના નેતાઓ વચ્ચે મુલાકાત થશે. બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે. લગભગ સાત વર્ષ બાદ ભારતની મુલાકાતે આવી રહેલા શી જિનપિંગનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ બ્રિક્સ સમિટ છે, તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારાની આશા પણ છે. વડા પ્રધાન મોદી અને જિનપિંગનો હેતુ બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાનો છે. આ ઉપરાંત ભારત-ચીન વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરીને ભવિષ્યની દિશા નક્કી કરવા પર પણ ચર્ચા થઈ શકે છે. બંને નેતાઓ વેપાર ખાધ ઘટાડવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરી શકે છે.
Business forum, bilateral meetings and more…all the action from Bharat Mandapam today. pic.twitter.com/vUhQZqTMBF
— Narendra Modi (@narendramodi) September 11, 2026
;
મોદી-જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષી બેઠક
ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે X પર લખ્યું હતું કે ચીન અને ભારત, રાષ્ટ્રપતિ શી અને વડા પ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષી બેઠકનું આયોજન કરી રહ્યા છે. કઝાન અને તિયાનજિનમાં થયેલી મુલાકાતો બાદ સતત ત્રીજા વર્ષે બંને નેતાઓ એકમેકને મળશે. ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શનનો અમલ કરવા, દ્વિપક્ષી સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવા, સંવાદ વધારવા, સહયોગ મજબૂત કરવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પડોશી તેમજ એકબીજાની સફળતામાં મદદરૂપ ભાગીદાર તરીકેની મિત્રતા જાળવવા માટે ભારત સાથે મળીને કામ કરશે.
એક મંચ પર જોવા મળશે મોદી-પુતિન-જિનપિંગ
BRICS સમિટમાં આજે દુનિયાના ત્રણ દિગ્ગજ નેતાઓ એકસાથે જોવા મળશે. વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે એક મંચ પર હશે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત આજે દુનિયાને ગ્લોબલ ટ્રસ્ટ આપી રહ્યું છે.




